Columns

રતન ટાટાઃ વૈશ્વિક પ્રગતિના ધ્યેય સાથે બિઝનેસ થાય, જિંદગી કરુણા અને સેવા થકી જીવાય

ભારતના સૌથી શક્તિશાળી અને જેને અઢળક પ્રશંસા મળી હોય એવા ઉદ્યોગપતિ, એક એવી વ્યક્તિ જેણે ફેમિલી બિઝનેસને એક વિશાળ બિઝનેસ જૂથમાં ફેરવી નાખ્યો, પોતાના પ્રાણી પ્રેમના દ્રષ્ટાંતો કોઇ પણ દેખાડા વિના આપનારા રતન ટાટા હવે નથી. તેમની સૌમ્ય પારસી પ્રતિભાએ લોકોના મનમાં ઘેરી છાપ છોડી છે.
ભારતમાં ઉદ્યોગની પૃષ્ઠભૂમિ પર ટાટા જૂથે દોઢસોથી વધુ વર્ષ પહેલાં પોતાનો પગદંડો જમાવ્યો હતો. અંગ્રેજો માટે અફીણના વ્યાપારથી માંડીને ટાટા જૂથની પહોંચ વિશે આજે ગણતરી કરવા બેસીએ તો રસોડાથી માંડીને આકાશની ઉંચાઇઓમાં ટાટા જૂથની પકડ અને પહોંચ છે. રતન ટાટાએ જ્યારે પોતાના ઉદ્યોગોમાં પ્રવૃત્ત થવાની શરૂઆત કરી ત્યારે ભારત પણ પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યો હતો. ઉદારમતવાદી અર્થંતંત્રના વખતમાં ભારતના બિઝનેસ ગ્રૂપને ધીમા અને મક્કમ પગલે વૈશ્વિક ફલક પર મુકી તેનો વિસ્તાર કરવો અને ઘર આંગણે દેશની ઓળખ બને એ રીતે કામ કરવું રતન ટાટાના વિશાળ વિઝનનું એક મહત્વનું પાસું હતું. ભારતના ચોકઠામાં ગોઠવાય તેવા ભારતીયોની માગ અનુસાર બંધબેસે એવા વિદેશી બિઝનેસિઝને હસ્તગત કરીને વ્યવસાય અને વૈશ્વિક ઓળખ બંન્નેનો વિસ્તાર કરતા રહેવામાં રતન ટાટાએ પાછા વળીને ન જોયું. ભારતીય અર્થતંત્રના વિકાસ સાથે ટાટાની સફળતાની ગાથા કદમથી કદમ મિલાવીને આગળ વધી અને માટે જ ભારતના અર્થતંત્ર પર તેનો ઘેરો પ્રભાવ રહ્યો. ટાટાએ હસ્તગત કરેલા બિઝનેસીઝની યાદી લાંબી છે પણ તેમાંના કેટલાક નામો એટલે ટેટલી, કોરસ, જાગુઆર લેન્ડ રોવર, બ્રુનર મોન્ડ, જનરલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્ટ્સ, દેવુ, સ્ટારબક્સ વગેરે, આ યાદી લાંબી છે અને તેમાંથી કેટલાક જોડાણોની સફર બહુ લાંબી નહોતી.
રતન ટાટા તેમની બિઝનેસની સૂઝ, મજબૂત નૈતિક મૂલ્યો અને કોઇપણ બહુ મોટા વિવાદો વગરની કામગીરીને કારણે એક અલગ આભા ખડી કરી શક્યા. રતન ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ હોય એટલે સ્વાભાવિક છે તેમની પીઆર ટીમ પણ હોય પણ તેમનું પીઆર મેનેજમેન્ટ કરવામાં કે તેમની પબ્લિક ઇમેજ જાળવવામાં ક્યાંય પણ વધુ પડતા દેખાડા, હોબાળા, પૈસાની રેલમછેલ હોય એવા કાર્યક્રમો ક્યારેય ગણતરીમાં નહોતા લેવાયા. રતન ટાટાની છબી એક સૌમ્ય, મળતાવડા અને પ્રાણી પ્રેમી બિઝનેસ ટાયકૂનની જ હતી અને એમ જ રહી.
આજની પેઢી, જેન ઝી – જેને વારે તહેવારે ટ્રોમા થઇ જાય છે તેમણે રતન ટાટા પાસેથી ઘણું શીખવા જેવું છે. પોતે 10 વર્ષના હતા ત્યારે માતા-પિતા એકબીજાથી છૂટા પડ્યા અને દાદીએ તેમને ઉછેર્યા. કદાચ આ કારણે જ પારવારિક મૂલ્યો તેમને માટે અગત્યનાં રહ્યા, તેમણે પોતે તો પરિવાર ન વિસ્તાર્યો પણ જે તેમની સાથે જોડાયું તે તેમનો પરિવારનો હિસ્સો બન્યો. રતન ટાટા આર્થિક રીતે સદ્ધર ઘરમાં જ જન્મ્યા હતા. તેમણે એક તવંગર પરિવારના દીકરાને મળે એવું સરસ ભણતર પણ મેળવ્યુ હતું. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને હાર્વર્ડમાંથી મેનેજમેન્ટનો અભ્ચાસ કર્યો હતો. IBM જેવી કંપનીમાં નોકરી મળતી હોવા છતાં તેમણે મુંબઈ આવી ટેલ્કો (આજે ટાટા મોટર્સ)માં કામ કરવાનું શરૂ કર્યું. લાઇમ સ્ટોનને પાવડાથી ઊંચકવાથી માંડીને બ્લાસ્ટ ફર્નેસિઝની ટીમમાં પણ કામ કર્યું. ટાટા ગ્રૂપની જ અલગ અલગ કંપનીઓમાં કામ કરીને 9 વર્ષ સુધી તેમણે એપ્રેંટિસની માફક તાલીમ લીધી. ઘરનો બિઝનેસ હોય તો તમને ટોચ પર બેસતાં કોઇ રોકી નથી શકવાનું પણ એમ ન કરતાં તેમણે નીચેથી શરૂઆત કરી અને કામ કરતાં કરતાં પ્રગતિના પગથિયાં સર કર્યા. ડાયરેક્ટરના પદે પહોંચેલા રતન ટાટાએ 1991માં જેઆરડી ટાટા પાસેથી ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના ચેરમેનની ધૂરા પોતાના હાથમાં લીધી. રતન ટાટાએ જે રીતે બિઝનેસ વિસ્તાર્યો અને નવા બિઝનેસ પર ટાટા બ્રાન્ડની માલિકીનો સિક્કો માર્યો તેને કારણે 100 દેશોમા ટાટાનું નામ પહોંચ્યું. આની સીધી અસર ભારતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પણ થઇ અને તેને એક નવી તાકાત મળી, વિદેશી ધરતીમાં ઓળખ ખડી કરવાની તાકાત. રતન ટાટાને લીધે એક ભારત કેન્દ્રિય કંપની વૈશ્વિક બિઝનેસમાં ફેરવાઇ ગઇ.
રતન ટાટાના નેતૃત્વ હેઠળ કંપનીને એ રીતે વિસ્તારાઇ કે તમે રસ્તે ચાલતા હો અને ક્યાંય પણ નજર પડે તો કોઇ એક ચીજ-વસ્તુ, સ્ટોર, વાહન કે અન્ય કોઇ બ્રાન્ડ – એમાં તમને ટાટા તો નજરે ચઢી જ જાય. લોકો સાથે જોડાવાનો આનાથી વધારે મોટો કિમીયો તો શું હોઇ શકે? વર્ષોથી ટાટા નમક આપણા રસોડાની શાન રહ્યું છે તો હવે તો મસાલા અને પ્રિ-મિક્સ ખીરાં જેવું ઘણું બધું ટાટા સંપન્ન બ્રાન્ડ હેઠળ મળે છે. દુનિયાની સૌથી સસ્તી કાર નેનો – તેનો પ્લાન્ટ ગુજરાતમાં અને પછી ટાટા ઇન્ડિકા જેવી કાર જે ભારતના માહોલ સાથે મેળ ખાય – એ પણ ટાટા જૂથે જ આપણને આપી હતી. એક બિઝનેસ માટે તેના ધંધામાં સૌથી અગત્યનૌ હોય છે નફો – પ્રોફિટ પણ રતન ટાટા માટે બેલેન્સશીટમાં માત્ર નફો જ અગત્યનો નહોતો. તે પોતાની સામાજિક જવાબદારીમાંથી ક્યારેય ન ચૂક્યા. ફિલાન્થ્રોફી એટલે કે પરોપકાર કરવામાં ટાટાએ પોતાની નાણાંની કોથળી છૂટી જ મુકી દીધી હતી. વળી દાનની કે પરોપકારની વાત આવે ત્યારે ડાબો હાથ કરે તો જમણા હાથને પણ ન ખબર પડે વાળો નિયમ રતન ટાટાએ એટલી શાલીનતાથી નિભાવ્યો કે ન પૂછો વાત. ટાટા ટ્રસ્ટના નેજા હેઠળ વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપતા ટેક્નોલૉજી સેન્ટર્સ બન્યાં છે તો સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સસ્ટેનેબલ રહેઠાણોના પ્રોજેક્ટ માટે પણ ટ્રસ્ટે સારું એવું ભંડોળ આપ્યું છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જ્યાં એ ભણ્યાં ત્યાં પણ રતન ટાટાએ એક્ઝિક્યૂટિવ સેન્ટર બનાવવા માટે 50 મિલિયન ડૉલર્સનું દાન આપ્યું હતું તો ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને IIM જેવી સંસ્થાઓમાં ટાટા ટ્રસ્ટે નાણાંકિય સહાય કરી છે.
ટાટા ગ્રૂપ માટે સૌથી મોટો આઘાત 26/11ના આતંકવાદી હુમલો ગણાવી શકાય પણ એ હુમલામાંથી કળ વળી એ પછી હુમલાનો ભોગ બનેલાઓ અને તેમના પરિવારોને મદદ કરવા માટે રતન ટાટાએ તાજ પબ્લિક સર્વિસ વેલફેર ટ્રસ્ટ ખડું કર્યું. રતન ટાટાએ બદલાતા સમય સાથે બદલાવામાં કોઇ કચાશ ન છોડી અને માટે જ તેમણે સ્ટાર્ટ અપ્સનો ટ્રેન્ડ આવ્યો ત્યારે લેન્સકાર્ટ, પેટીએમ, ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી જેવા સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા. આવા લગભગ પચાસેક સ્ટાર્ટઅપ્સને ટાટા જૂથનો ટેકો મળ્યો છે.
રતન ટાટાનું નામ ચર્ચામાં આવ્યું જ્યારે નીરા રાડિયા ટેપ્સ અને વૈષ્ણવી એજન્સીના સમાચાર ઉછળ્યા એ પછી સાયરસ મિસ્ત્રીનું ટાટા ગ્રૂપમાં જોડાવું અને છુટા પડવું એ પણ ચર્ચાનો વિષય બની રહ્યો. મિસ્ત્રીએ મતભેદો વિશે વાત કરી હતી જો કે જે ફેરફારો થયા તેની ઝાળ ભડકો બનીને ગણતરીના દિવસોમાં બુઝાઇ ગઇ અને ટાટા જૂથની કામગીરી ક્યાંય અટકી નહીં. રતન ટાટાએ એક બાબતે બહુ ચિવટ રાખી, તેમણે ભ્રષ્ટાચારને ક્યારેય પોતાના બિઝનેસ નજીક ફરકવા ન દીધો. જરૂર પડી ત્યારે તેમણે પોતાના એક સમયના ખાસ ગણાતા, તેમની પાસે તાલીમ પામેલા દિલીપ પેંડસે સામે ક્રિમિનલ ચાર્જીઝ કર્યા હતા કારણકે તેમણે ટાટા ફાઇનાન્સમાં ગોટાળા કર્યા હતા.
આ ફરિયાદને પગલે દિલીપ પેંડસેને જેલ ભેગા થવું પડ્યું હતું. રતન ટાટાની સૌમ્યતામાં કડક નિર્ણય શક્તિ પણ હતી જો કે માણસ પારખવામાં તેમણે થાપ ખાધી હશે એવું નીરા રાડિયા કેસ અંગે કહી શકાય બાકી રતન ટાટા વિશે કહેવાય છે કે તે પોતાના ફોન પણ જાતે ઉપાડતા, તેમના સુધી પહોંચવું અશક્ય નહોતું અને તેમની સલુકાઇના કિસ્સાઓ સદીઓ સુધી લોકોની વાતચીતનો હિસ્સો બની રહેશે.
આ એ જ રતન ટાટા હતા જે 2021માં પોતાની કંપનીના કર્મચારી બે વર્ષથી બિમાર હોવાની જાણ થતાં તે પોતે ખબર-અંતર કાઢવા પૂના પહોંચ્યા હતા. રતન ટાટાની વિદાયનો એક ઘેરો શોક છવાયો છે અને લોકો એક કિંવદંતીની માફક તેમને હંમેશા વાગોળશે, યાદ કરશે અને તેમનાં મૂલ્યોમાંથી શીખવાનો પ્રયાસ કરશે. રતન ટાટાની આભાએ બહુ લોકો પર પ્રભાવ પાડ્યો અને તે એક એવી મશાલ સાબિત થયા જે અંતે સૂર્ય બનીને લાખો લોકોની જિંદગીને ઉજાળતા રહ્યા. રતન ટાટાએ પોતાની પદવી અને પ્રતિભાનો બોજ ન તો પોતાના પર આવવા દીધો ન અન્યો પર. તેમના વિશે કહેવા માટે ઘણું બધું છે પણ તેમને વિશે કહેવા કરતાં તેમની રીતે જીવી શકવાનો વિચાર કરવો, તેમના જીવન પરથી કંઇક શીખવાનો પ્રયાસ કરવો વધારે યોગ્ય શ્રધ્ધાંજલી બની રહે એ ચોક્કસ.

Most Popular

To Top