Trending

રૅટ રેસ ! . . . ઘરની ખાળથી પીંજરા સુધીની સફર

તમને યાદ હોય તો સાચું કહેજો કે ઉંદરની રેસ તમે છેલ્લે કયારે જોયેલી? ગણપતિના સોગન ખાઇને કહું છું કે ઉંદરની રેસ છેલ્લે તો શું તમે પહેલે પણ નહીં જોઈ હોય, ઘોડાની રેસ મુંબઇ કે કલકત્તાના હાઈ સોસાયટીના જુગારીઓની ફેવરીટ છે. કૂતરાની ડરબી રેસ અમેરિકા ઇંગ્લેંડમાં થાય છે, ઊંટોની રેસ દુબાઈ કે અન્ય ગલ્ફ કંટ્રીમાં થાય છે. રેડિયરની રેસ બર્ફીલા પ્રદેશમાં થતી પણ ટીવી ઉપર જોઇ છે. પંચતંત્રમાં સાંભળેલી સસલા-કાચબાની રેસ કોઇએ લાઇવ જોઇ નહીં હોય પણ ‘સ્લો એન્ડ સ્ટેડી વીન્સ ધ રેસ’ જેવી અંગ્રેજી કહેવત ઉપરથી શકય છે કે તે જમાનાના દાદાદાદીઓએ તેમનાં પોતાપોતી માટે એક લોકભોગ્ય બાળવાર્તા બનાવી હશે. જે પેઢી દર પેઢી વડીલોના મોઢામોઢ છલકાઇને વારસાગત બાળકોના કાનોકાન સમાઇ હશે, અત્યારે તો મોટાં શહેરોમાં કાચબા અને સસલા જોવા હોય તો પણ સિટી-ઝૂમાં જવું પડે છે.

તમારા બંગલામાં કે ફાર્મહાઉસમાં તેને પાળવો ઇલ્લીગલ છે. ઝૂમાં તો કાચબા- સસલા જોવા જાઓ તો તેમનાં પાંજરાં જુદાં જુદાં હોય એટલે તેમની વચ્ચે રેસનો તો સવાલ જ ઊભો થતો નથી. તેમને જોવા માટે કદાચ તમારાં બાળકો વચ્ચે નાની રેસ થાય ખરી, આવી જ એક અંગ્રેજી કહેવત કોમ્પિટિશનના કુરુક્ષેત્રમાં તરતી મુકાઇ છે. રેટ-રેસ! ઉંદરદોડ! ઉંદરને ચાલતો જોયો છે? રસોડામાં શાકની છાજલીના કિનારે કાં ઊભો ઊભો ગ્રીન સલાડ કાતરતો હશે કાં તમારી નજરે ચડવાથી તમારા કરતાં તો તમારા હાથની સાવરણીને જોઇને સંતાવા માટે દોડાદોડ કરતો હશે. બચારો ઉંદર કોઇની સાથે રેસમાં દોડતો નથી. છતાં એક જ ફિલ્ડમાં આગળ વધવા બે કે તેથી વધુ મહત્ત્વાકાંક્ષી લોકો હડિયાપટ્ટી કાઢતા હોય છે તેને રેટરેસ કહેવાય છે, જરા વિચારો કે કયા ફિલ્ડમાં કોમ્પિટિશન નથી? જન્મ્યા ત્યારથી મર્યા સુધી આખી જિંદગી એક હરીફાઇ છે.

આજકાલ તો વસતિવધારાને કારણે મર્યા પછી પણ સ્મશાનમાં લાઇન લાગે છે. તમારા શબને ઇલેક્ટ્રિક સ્મશાનમાં એક સાથે આવેલી શબયાત્રાઓની ભીડના કારણે વેઇટિંગમાં સૂવું પડે છે. મેડિકલ નોલેજ ધરાવનાર સિવાયનાં બહુ ઓછાં લોકોને ખબર હશે કે રેટરેસની શરૂઆત બાળકના ભૂમિપૂજન વખતથી શરૂ થઇ જાય છે. તેની મમ્મીમાં દર મહિને ઉદભવતા એક બિચારા અંડકોષને પટાવવા, કોઇ સુંવાળી પળોમાં તેના તરફથી ફિદાઇનોની જેમ ઘૂસી આવેલા લાખો કરોડો શુક્રકોષો પૂંછડી પટપટાવતાં રીતસરની ઉંદર-રેસ ચાલુ કરી દે છે. એક નસીબદાર જ અંડકોષ સુધી પહોંચવામાં સફળ થાય છે, તેનામાં ડોરબેલ વગાડવાની ધીરજ પણ હોતી નથી. સીધો માથું ઘુસાડીને હારાકીરી કરે છે.

બાળકના જન્મ વખતે મેટરનિટી હોમમાં નામ લખાવવાની કોમ્પિટિશન. ડિલીવરીના ટાઇમે ગાયનેકોલોજીસ્ટના મનમાં બાળકને નોર્મલ જન્માવવું, ફોરસેપ કે ચીપિયાથી કે પછી સીઝેરિયનથી કુરિયર કરવું તેની એક મીઠી ફાઇનાશ્યલ લીન્કડ વિચારોની હરીફાઇ થઇ જતી હોય છે. ફોઇના મગજના શબ્દભંડોળમાં ભત્રીજાનું એક્સકલુઝીવ નામ પાડવાની કોમ્પિટિશન એક જમાનામાં હતી. આજકાલ તો ભાવિ પપ્પા-મમ્મીઓ તેમના આવનાર બાળકના નામની ખોળાખોળ, મમ્મીના પેટમાં બેબીએ મારેલી પહેલી કીકથી નહીં પણ મમ્મીના આવેલા પ્રેગનન્સીના પોઝિટિવ રિપોર્ટથી જ શરૂ કરી દે છે. રાશિ પરથી નામ પાડવાનું વાસી થઇ ગયું છે. આજે જૂના પૌરાણિક સંસ્કૃત નામની ફેશન છે. એકસકલુઝીવ નામ પાડવામાં ઘણી વાર અર્થનો અનર્થ પણ થતો જોવા મળે છે. નામ અપર્ણા પાડ્યું હોય અને તેનો ભગવદગોમંડલમાં અર્થ જોઇએ ત્યારે ખબર પડે કે, અપર્ણા એટલે એવી કન્યા કે જે પર્ણથી પણ ઢંકાયેલી નથી. જાહેર સુરૂચિનો ભંગ ના થાય એટલે તેનું ગામઠી ગુજરાતી કરવું લોકહિતમાં નથી.

લો માબાપ ખુશ થાય કે ઢિંગલીનું સમથીંગ ન્યૂ નામ પડયું પણ મોટી થાય ત્યારે ખબર પડે કે આ તો સમથીંગ ન્યૂડ થઇ ગયું! બાળકચાલતું બોલતું થાય એટલે તેને પ્લે ગ્રુપમાં રમાડવાની કોમ્પિટિશન હજુ તાજી જ હોય અને ત્યાં તો તેને બાળમંદિરના જુદી જુદી સ્કૂલના ઇન્ટરવ્યૂ માટેની તૈયારીની હરીફાઇ શરૂ થઇ જાય છે. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ માટે ‘જેક એન્ડ ઝીલ’
પણ ગોખાવવાનું રહે છે. ગુજરાતી મીડિયમની સ્કૂલ માટે ‘પહેલું સુખ તે જાતે નર્યા . . .’ જેવાં જોડકણાં પણ મુખપાઠ કરાવવા પડે છે. સ્કૂલમાં જઇને કેવો કંપાસબોક્ષ બાબાભાઇને રોલા મરાવશે અને કયો નાસ્તાનો ડબ્બો કે દફતર બેબીબેનનો વટ પડાવી દેશે તે બાળકો જાતે શીખી લે છે. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં જરા જલ્દી શીખે છે. મમ્મીઓ પણ બાબાબેબીને (પપ્પાના પાકીટના ભોગે પણ) આવી કોમ્પિટિશનમાં મચી પડવા પ્રોત્સાહન આપતી રહે છે. બાબાભાઇને પહેલા જ ધોરણથી કલાસટીચરનું ટયુશન રખાવીને વર્ગમાં પહેલા પાંચમાં આવવાની ટેવ પાડવામાં આવે છે. જે આગળ જતાં જીવનના દરેક મોડ ઉપર કાર્યરત રહેવા માટેનો પ્રેક્ટિસ કેમ્પ બનીને રહે છે. દસમા- બારમા ધોરણમાં આવતા સુધીમાં તો બાબાભાઇ પાકકા રેસીસ્ટ (હરીફાઇ-વીર) થઇ ગયા હોય છે. કયા સાહેબનું ટ્યુશન રાખવાનું, કયા કોચીંગ કલાસમાં જોડાવાનું, કઈ ગાઇડો વાંચવાની, આંખો પહોળી ના કરો.

ચોપડીઓ તો તમારા દાદાબાપાઓના જુનવાણી જમાનાની વાત છે! કઈ સ્કૂલના કયા પેપરો કેવી રીતે સોલ્વ કરવા વગેરે બધું તે લોકો જાતે જ શોધી લે છે. આવી નાની નાની વાતોમાં તે પપ્પાને માત્ર ફાઇનાન્સ કરવાના સમયે જ તકલીફ આપે છે. બારમું ક્લિયર થાય એટલે માર્કસ પ્રમાણે કઇ બ્રાન્ચમાં જવું તેની કસરત ચાલુ થાય છે. બાબાભાઇના જો નેવું ટકાથી ઉપર માર્ક આવ્યા હશે તો જ મેડિકલ, ડેન્ટલ કે એન્જિનિયરીંગની શાખામાં પ્રવેશવાની હરીફાઇમાં જોડાવા મળશે. નેવું ટકાથી નીચે વાળાને હરીફાઇમાં રીઝર્વ્ડ કેન્ડિડેટસ અને ઇસી બીસી કે ઓબીસીની પાછળ ઊભા રહેવા મળશે. જો પચાસ ટકાથી ઉપર અને એંશી ટકાથી નીચે માર્કસ આવ્યા હશે તો ગામની એનઆરઆઇ કે ડોનેશનની સીટ માટે લાઇનમાં ઊભા રહેવાનું હોય છે. દેખાવ પૂરતી એન્ટ્રન્સ ટેસ્ટ પણ કોમ્પીટ કરવી પડે છે. પરપ્રાંત માટે તેના સ્થાનિક એજન્ટોને ત્યાં અને પરદેશની યુનિવર્સિટીઓ માટે જુદી જુદી કન્સલ્ટન્સી સર્વિસના વેઇટીંગરૂમમાં તગડા પૈસા લઇને બેસવું પડે છે. બસ બધે જ હરીફરીને એની એ જ હરીફાઇ.

મેરિટમાં આવવાથી કે ફોરવર્ડ રીઝર્વેશનના લાભથી (ડોનેશન કે એન.આર.આઇ સીટ !) જો મેડિકલમાં એડમિશન મળી ગયું તો તેના દરેક વર્ષમાં પાસ થવાની કોમ્પિટિશન ચાલુ થઇ જાય છે. ફાઇનલ એમબીબીએસમાં તો તમે સ્કોલર હો તો પણ અનાયાસે એક ખાસ હરીફાઇમાં ભાગ લેવો પડે છે. તમારા જ કલાસમાં ભણતાં શહેરના નામાંકિત ડૉકટરોના કેટલાક એવરેજ છોકરાઓ સાથે પહેલા પાંચમાં આવવાની નિષ્ફળ હરીફાઇ કરવી પડે છે. એમબીબીએસ થયા પછી પોસ્ટગ્રેજયુએટ સ્ટડીમાં એડમિશન અને તેય ગમતી બ્રાન્ચમાં એટલે કે ડૉકટર બાપા જે વિષયમાં નિષ્ણાત હોય અથવા તેમનું નર્સિંગહોમ હોય તો તે વારસામાં દુકાન દોડાવવા સ્તો! પ્રવેશ મેળવવાની કોમ્પિટિશન રહે છે. એમડી. કે એમ.એસ. થયા પછી આગળ ડી.એમ કે એમ.સી.એચ. જેવા સુપર સ્પેશ્યાલિસ્ટ થવા માટેની કોમ્પિટિશન ટફ રહે છે. બહુ જ ઓછી સીટોના લીધે ઓલ ઈન્ડિયા લેવલની અને મેરીટની ગુણવત્તા ઉપર જ લેવાતી આ પરીક્ષામાં સાચી કોમ્પિટિશન થાય છે, જો તેમાં તમને એડમિશન મળ્યું તો ભવિષ્યની રેટરેસ માટે તૈયાર થઈ જાઓ, જો પ્રવેશ ના મળ્યો તો આનંદો, કન્સલ્ટીંગ પ્રેકિટસના વેઇટીંગનાં ગાળાનાં વર્ષો બચી જશે.

રેટરેસની સાથે સાથે એક રસપ્રદ કેટરેસ (!) પણ મેડિકલમાં ભણતાં ભણતાં જોવા મળે છે. આજના હાઇફાઇ જમાના પ્રમાણે દરેક મેડિકોને એક ગર્લફ્રેન્ડ રાખવી પડે છે. એક કેટ પાળવી પડે છે. આમે ભણવામાં હોંશિયાર છોકરીઓ જ મેડિકલમાં આવતી હોય છે. અમદાવાદની તો ઠીક પણ ગુજરાતની મેડિકલ કોલેજોના ઇતિહાસ બતાવે છે કે બ્રેઈન અને બ્યૂટી બંને ધરાવતી સ્ટીરિયોફોનિક સીસ્ટમવાળી છોકરીઓનો તબીબી વિદ્યાશાખામાં હંમેશાં દુકાળ રહેલો હોય છે. બીજી નજરે થોડીક સારી દેખાતી છોકરીઓ પણ પહેલી નજરે તો લઘરવઘર જ રહેતી જોવા મળે છે. તેમનો પણ વાંક નથી. ભણવામાંથી નવરાશ મળતી હોય તો પર્સનલ દેખાવ તરફ ધ્યાન આપે ને? ટૂંકસાર એટલો જ કે બે ટકા જ છોકરીઓ એવરેજ કરતાં સારી દેખાતી હોય કે તેમની તરફ બીજી વાર નજર નાખવાનું મન થાય. જેવા બાબાભાઇ એમબીબીએસ કે એમડી થયા નથી ને તેમના ઘરમાંથી તેમને ઘોડે ચડાવવાના દબાણ થવા માંડે છે. માબાપ ઘરમાં એક ઘરરખ્ખુ વાઇફ આવે છે તેમની સેવા કરે તેવી આશા રાખતાં હોય છે. બાબાભાઇના નસીબે જો સાથ આપ્યો હશે તો તે સાથે ભણતી કોઇ ડૉકટરાણીને તેમનામાં રસ લેતી કરી જ દીધી હશે. ડૉ.બાબાભાઇ જો વોર્ડના પેશન્ટોમાંથી આજુબાજુ જોવા નવરા નહીં પડયા હોય તો ઓફ ડયુટીના દિવસે અચૂક તેમના મનમાં કેવી સંગિની (મેડિકલ કે નોનમેડિકલ) જોઇએ તેની એક નાજુક અને રસપ્રદ રેટરેસ થતી રહે છે. આ જમાનામાં તો ડૉકટરોના સ્વયંવરમાં મોટાભાગે નોનમેડિકલ કન્યા જ હારતી જોવામાં આવી છે. |

લાઇફ કુરિયર નકકી થાય એટલે લાઇફની કેરિયર બનાવવાની રેટરેસ ચાલુ થઇ જાય છે. સરકારી ફુલટાઇમ નોકરી કરવી કે પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરવી, બંનેએ સાથે પ્રાઇવેટ પ્રેકિટસ કરવી કે એક જણ ફુલટાઇમ રહે અને બીજું પોતાનું દવાખાનું ચાલુ કરે. શરૂ શરૂમાં તો એકનો પગાર ઉપર બીજાના લોનના હપ્તા ભરાય. મોટાભાગે તો ડૉ. પ્રશાંતભાઇ પોતાના નર્સિંગહોમમાં પેશન્ટના અભાવે કોમ્પ્યુટર ઉપર બ્રોડબેન્ડ વડે નેટ સર્ફીંગ કરતા હોય છે. તેમનાં વાઇફ ડૉ.રોનકબેન સરકારી હોસ્પિટલમાંથી હોલ-ડે ડયુટી કરીને પાછાં આવતાં કાલુપુરથી હોલસેલના ભાવે તરકારી લેતાં આવે છે. દિવસ દરમ્યાન બાળકોની જવાબદારી વરજીની કે સાસુજીની અને સાંજ પછી બાળકો અને તેમના પપ્પાની જવાબદારી વહુજીની. કેટલું સરસ પ્લાનિંગ. ફુલટાઇમરની રેટરેસ આસિસ્ટન્ટથી શરૂ થઇ વાયા એસોસીએટ, પ્રોફેસર કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઉપર જઇને અટકે છે, જો ફુલટાઇમર ઉત્સાહી હોય, કહ્યાગરો હોય, એમ્બીશ્યસ હોય તો કોલેજના ડિન કે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સુધી આ હરીફાઇ લંબાય છે, જનરલ હોસ્પિટલોમાં તો તેમને બપોર પછી ખાસ કામ નહીં હોવાથી સુપ્રિટેન્ડન્ટની નજર ચુકાવીને કોણ ઘરે વહેલું ભાગે છે તેની એક ભાગેડુ રેટરેસ પણ જોવામાં આવે છે. હરીફાઇમાં યુનિવર્સલ વિચિત્રતા જોવા મળે છે. એટેચ્ડ સરકારી હોસ્પિટલમાં જેમ દરજજો નાનો તેમ કામ કરવાની ઇચ્છા મંદ હોય છે. એવા જ પેશન્ટ કદાચ પ્રાઇવેટમાં આવે તો તેમની સ્ફુર્તિ ડબલ થઇ જાય છે.

સરકારી હોસ્પિટલમાં નાણાં વગરના દર્દીઓ દમ, મેલેરિયા કે ચીકનગુનિયા તરીકે ઓળખાવાય છે, મલ્ટીપ્લેક્સ હોસ્પિટલમાં તો જુદા પ્રકારની જ રેટરેસ જોવા મળે છે. કયા ફિઝિશ્યનના કેટલા પેશન્ટો કેટલી જુદી જુદી મલ્ટીપ્લેક્સ હોસ્પિટલના સ્પેશ્યલ કે ડિલક્સ રૂમમાં દાખલ થયા છે તેના સ્ટેટેસ્ટીક સરકારી હોસ્પિટલના બોર્ડરૂમોમાં (ચર્ચાવીરોના નહીં સંભળાતાં નિસાસા સાથે) ચર્ચાતા હોય છે. કયા કાર્ડિયોલોજીસ્ટે આ મહિને કેટલી એન્જિયોગ્રાફી કરી, કેટલી પ્લાસ્ટી કરી અને કેટલા બાયપાસ કર્યા તેના ડેટાબેઝ હોસ્પિટલના નોટિસબોર્ડ ઉપર લગાવાતા હોય છે, જે તે હોસ્પિટલના દરેક કાર્ડિયોલોજીસ્ટને રેટરેસમાં ડબલ તાકાતથી ઝુકાવવા માટે આવા આંકડાઓ પ્રાણવાયુની ગરજ સારે છે. કોનાથી કેટલાં કોમ્પ્લિકેશન થયાં તેની ચર્ચા એક આત્મનિરીક્ષણના ભોગે પણ બિલકુલ થતી નથી. તે કામ તેમના હરીફો વગર દલાલીએ મેડિકલ ફીલ્ડમાં બધા ડૉકટરોને કાનોકાન કુરિયર કરતા હોય છે. પ્રેકિટસમાં સેટ થયા પછી ઇતર પ્રવૃત્તિઓની રેસ ચાલુ થઇ જાય છે. રાતદિવસ વધતાં રહેલાં નાણાંપ્રવાહને વાળવા, વધારવા મેડિકલ સિવાયનાં ક્ષેત્રોમાં ઘૂસવું પડે છે. એકના ડબલ કરવાના લોભ તમને શેરબજાર સુધી લઇ જાય છે. એક શેરથી બીજા શેર સુધી સીએનબીસી ચેનલ સામે આંખો ફાડીને મગજ દોડાવતાં રહેવું પડે છે. એકના ચાર ગણા કરવાનો લોભ તમને લેન્ડ, પ્રોપર્ટી તરફ લઇ જાય છે. દર રવિવારે એક બિલ્ડરથી બીજા બિલ્ડર સુધી કેટલા રૂપિયે વારના કોષ્ટકો પાકા કરવા પડે છે. એક સોનીથી બીજા સોની સુધીની દોડાદોડ તમારી ઘરવાળી જાતે જ શીખી લે છે.

ગણપતિજીએ સામેથી માંગીને સ્વીકારેલું તેમનું વાહન એટલે ઉંદરભાઇ, માણસને આખી જિંદગી આટલું દોડાવતું રહેશે તેની તો ગણેશજીને પણ ખબર નહીં હોય. રેટરેસ સદીઓથી થતી આવેલી એક સેટરેસ છે. દરેકે તેમાં છૂટકે – નાછૂટકે, પ્રયાસે-અનાયાસે ભાગ લેવો જ પડે છે. વિચારો તો ખરા કે અંતે તમારા હાથમાં શું આવે છે? બસ કોઇના લેફટઓવરનો એક નાનો ટુકડો! ચેસની રમતમાં બ્લેક એન્ડ વ્હાઇટ બોર્ડ ઉપર ભલે રાજા મોટો કહેવાતો હશે અને પ્યાદું નાનું કહેવાતું હશે જેવી રમત પૂરી થઇ કે બંનેએ એક જ બોક્સમાં પુરાવાનું છે. જિંદગીની રેસ પછી મોતનું પણ કંઇક આવું જ છે. અગ્નિદાહ માટે કે જમીનમાં દફન થવા માટે છ ફૂટની જગ્યા મળે છે. કોઠીઓ અને મહેલાતો અહીં જ છોડીને જવું પડે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top