Dakshin Gujarat

ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, ગામલોકોએ આગજની અને તોડફોડ કરી રોષ પ્રગટ કર્યો

અમદાવાદ: પશ્ચિમ બંગાળની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી નથી કે, બીજી બાજુ વલસાડ (Valsad) જીલ્લામાં પણ દુષ્કર્મનો (Rape) બનાવ બન્યો હતો. વલસાડના ઉમરગામ (Umargam) તાલુકામાં ગઇકાલે એક ત્રણ વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

અસલમાં વલસાડ જીલ્લાના ઉમરગામમાં ગઇકાલે તા. 27 ઓગષ્ટના રોજ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો ક્રૂર મામલો સામે આવ્યો હતો. ઘટનાના આરોપીની ઓળખ ગુલામ મુસ્તફા તરીકે થઈ હતી. ત્યારે ઘટનાની જાણ થયા બાદ ગુલામ મુસ્તફાની ધરપકડની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ આખી રાત ગામના વિવિધ સ્થળોએ આગજની અને તોડફોડ કરી હતી.

ઘટનાની વિગતો મુજબ ઉમરગામના વોર્ડ નંબર સાતના દેવધામ વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે વિધર્મી ગુલામ મુસ્તફાએ દુષ્કર્મ આચર્યું હતું. ગુલામ બાળકીના પિતા સાથે જ કામ કરતો હતો અને તેણે તકનો લાભ લઇને બાળકી સાથે બળજબરી કરી હતી. આટલું જ નહીં પણ આ કૃત્ય કર્યા બાદ ગુલામ ફરાર થઇ ગયો હતો. જેને પોલીસે મહારાષ્ટ્ર જતી ટ્રેનમાંથી દબોચ્યો હતો. બીજી બાજુ બાળકી રડતાં રડતાં સમગ્ર મામલાની જાણ પરિવારને કરી હતી. ત્યારે પરિવારે તરત જ મામલાની જાણ પોલીસને કરી હતી. તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

બાળકી પરની ક્રૂરતાની માહિતી મળતાં રાત્રે જ મોટી સંખ્યામાં ભીડએ ઉમરગામ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને ન્યાયની માંગણી કરી હતી. જેથી આળા વિસ્તારમાં અરાજક્તાનો માહોલ ફેલાયો હતો. આ વિરોધ દરમિયાન ટોળાએ ઘણા વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાકને આગ પણ લગાવી હતી. આટલું જ નહી પણ ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર પણ શરૂ કરી દીધા હતા.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. ઉમરગામમાં લોકોના ટોળાએ ઘટના અંગે પોતાનો રોષ પ્રગટ કરતા અનેક વાહનોને આગ ચાંપી દેતા આખા વિસ્તારમાં ધુમાડાના વાદળો ફેલાયેલા જોવા મળ્યા હતા. આ સાથે જ રોષે ભરાયેલા લોકોના ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આખા વિસ્તારમાં પોલીસની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. જો કે હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે.

સમગ્ર મામલે વલસાડના પોલીસ અધિક્ષક (SP) ડૉ કરણરાજ વાઘેલા ઉમરગામ પોલીસ સ્ટેશનની બહાર લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. દરમિયાન ગામ લોકો આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે નારા લગાવી રહ્યા હતા. ત્યારે ભીડને શાંત કરતા એસપીએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ આરોપીને ફાંસીની સજા અથવા તો આજીવન કેદની સજા આપવામાં આવશે.

Most Popular

To Top