SURAT

જોળવા દુષ્કર્મ કેસમાં માતાપિતા બાળકીને લઈ હોસ્પિટલો ભટકયા પણ કોઈએ હાથ ન લગાવ્યો

પલસાણા: જોળવામાં 11 વર્ષની બાળકી સાથે બનેલી દુષ્કર્મ બાદ હત્યાની (Murder) ઘટનામાં તબીબીઓએ માનવતા નેવે મૂકી હોવાની હકીકતો સામે આવી છે. ઇજાગ્રસ્ત મળેલી બાળકીને લઈને રાત્રિ સમયે માતા પિતા કડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં ભટક્યા હતા પણ એક પણ તબીબે તેણીએ હાથ લગાવ્યો ન હતો કે પોલીસને જાણ કરવાની પણ પરવાહ કરી ન હતી. એટલું જ નહીં પોસ્ટમોર્ટમ માટે જ્યારે સ્થાનિક સરકારી મહિલા ડોક્ટરને જાણ કરવામાં આવી તો તેણે પણ એસોસિએશન સમક્ષ પોલીસ દ્વારા રાતોરાત પ્રમાણપત્ર લખી આપવા દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરતાં મામલો ગરમાયો હતો.

પલસાણા તાલુકાના જોળવા ગામે કે બિલ્ડીંગમાં પાડોશમાં રહેતા એક નરાધમે બાળકી સાથે બાળત્કાર કરી તેની હત્યા કરી નાખવાની ઘટનામાં માનવતાને શરમમાં મુકતી હકીકતો સામે આવી રહી છે. ખાસ કરીને જે જે તબીબોએ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયેલી બાળકીને જોવાની પણ તસ્તી લીધી ન હતી. સૌપ્રથમ માતપિતા બાળકીને કડોદરાની મોદી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ના પાડતા રિવાઈવલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તબીબોએ હાથ પણ લગાવ્યો ન હતો અને કેસ લેવાની ના પડી દીધી હતી. અંતે ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. પરંતુ પોલીસને આ મામલે જાણ કરવામાં આવી ન હતી. આવા ગંભીર ગુનાઓમાં કોર્ટમાં હાજર રહેવું પડતું હોય તબીબો હાથ ઊંચા કરી દેતાં હોય છે. જેને કારણે અમુક વખત કેસો નબળા પડી જાય છે.

બીજી તરફ બાળકીને મૃત જાહેર કર્યા બાદ પોલીસને જાણ થતાં પોલીસે પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ જવાનું હોય સ્થાનિક તબીબનું પ્રમાણપત્રની જરૂર હોય છે. જે પ્રમાણપત્ર મેળવવા માટે પોલીસે રાત્રિના સમયે સ્થાનિક સરકારી મહિલા ડોક્ટરનો સંપર્ક કરતાં તેણીએ સૌપ્રથમ તો નન્નો ભણ્યા બાદ પોલીસે જવાનો સાથે ગાડી મોક્લ્યા બાદ ત્યાં તબીબ આવ્યા હતા અને પ્રમાણપત્ર લખી આપ્યું હતું. પરંતુ આ તબીબે બીજા દિવસે પોતાના પર પોલીસે દબાણ કરીને રાતોરાત પ્રમાણપત્ર લખાવ્યું હોવાનું તેમના એસોસિએશન સમક્ષ રજૂઆત કરી હતી. જ્યારે આખી રાત રેન્જ આઈ.જી. કક્ષાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે બેસીને તમામ પાસાની તપાસ કરી રહ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પ્રમાણપત્રને લઈને આવા ગંભીર ગુનામાં પોલીસને બદનામ કરતા વિવાદ જોવા મળ્યો છે.

નવી સિવિલના તબીબે પણ માનવતા નેવે મૂકી: કહ્યું, “મને રાત્રે ફોન જ કેમ કર્યો?”
સ્થાનિક તબીબો તો ઠીક આવા ગંભીર મામલે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક પી.એમ. વિભાગના તબીબોએ પણ માનવતા નેવે મૂકી હતી. આખી રાત કેસને ઉકેલવા કામ કરતી જિલ્લા પોલીસે કામગીરી સવારે વહેલી આટોપાય તે માટે રાત્રિના 3 વાગ્યે મૃતદેહ સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર પહોંચાડ્યો હતો. મામલો ગંભીર હોવાથી આ વાતની જાણ નવી સિવિલના એક ઉચ્ચ અધિકારીને ફોન પર કરતાં તેણે રાત્રે ફોન જ કેમ કર્યો એ મુદ્દે બીજા દિવસે પોલીસ સાથે જીભાજોડી કરી હતી. ગરીબ અને પરપ્રાંતીય દીકરીના પોસ્ટમોર્ટમ માટે તબીબે માનવતા દાખવવાની જગ્યાએ સવારે મોડે સુધી પોલીસ અધિકારી સાથે બોલાચાલી કરતાં મામલો ગરમાયો હતો. ત્યારે આરોગ્ય વિભાગ ગંભીર ગુનાઓમાં આડખીલી રૂપ બનતા આવા તબીબો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ પોલીસ પાસે કરવામાં આવી છે.

Most Popular

To Top