સુરત: બાદશાહ જહાંગીર (King Jahangir)ના મોગલ કાળથી ચાલી આવેલી રાંદેર- જહાંગીરાબાદ વિસ્તારમાં ગામખળી તથા ઈદગાહ પ્રાર્થના (rander eidgah) માટે વપરાતી જમીન વિજ કંપની ગેટકો (Getco)ને ફાળવવા મામલે રાંદેર ખેડૂત સમાજ(એસોસિએશન) અને રાંદેર ઇદગાહ ટ્રસ્ટની પિટિશન પર હાઇકોર્ટે (High court) સ્ટેટસકવો જાળવવા આદેશ આપ્યો છે.
કોર્ટે આ મામલે વચગાળાનો મનાઈ હુકમ (stay order) કરતાં વીજ કંપની કોઈ નવું બાંધકામ અંતિમ ચૂકાદો નહીં આવે ત્યાં સુધી કરી શકશે નહીં. રાંદેર – જહાંગીરાબાદમાં આવેલી મોરાભાગળ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક (historic) ઈદગાહને લાગુ જમીનમાંથી કેટલીક જમીન જેટકો કંપનીને ફાળવી આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાંદેર ખેડુત એસોસિએશન (Farmer association) તથા રાંદેર ઈદગાહ ટ્રસ્ટ વતી એડવોકેટ અમિત ઠક્કરે હાઈકોર્ટમાં એવી દલીલ કરી હતી કે, આ વિસ્તારમાં આ જગ્યા છોડી ચારેય તરફ સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટોનું બાંધકામ થઈ ગયું છે અને તે વિસ્તારમાં આ જગ્યા સિવાય અન્ય કોઈ ખુલ્લી જગ્યા રહી નથી. આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ ખેડુતો દ્વારા ગામખળી માટે દાયકાઓથી ઉપયોગ થતો આવ્યો છે તેમજ મોટી સંખ્યામાં લોકો સવારે મોર્નિંગ વોક માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત દર વર્ષે રમઝાન ઈદ અને બકરી ઈદ વખતે આશરે 50 હજાર જેટલા લોકો આ જગ્યા પર નમાઝ અદા કરે છે .
આ ઈદગાહનું મહત્વ ખૂબ વધારે છે અને માન્યતા છે કે બાદશાહ જહાંગીરે પણ ઈદની નમાઝ રાંદેરની મસ્જિદમાં અદા કરી હતી . આમ 500 વર્ષ ઉપરાંતથી અહીં નમાઝ અદા કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. આ ખુલ્લી જગ્યા દરેક કોમ તથા ધર્મના લોકો માટે ઉપયોગી છે . રાંદેર ઈદગાહને લાગુ આવેલી આ ખુલ્લી જગ્યામાંથી અંદાજે 4900.00 ચો.મી. જગ્યા જેટકો કંપનીને 6 કે.વી. સબ – સ્ટેશન માટે ફાળવવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાતા રાંદેર ખેડુત એસોસિએશન, રાંદેર મેહફીલે ઈસ્લામ કુતુબખાના, રાંદેર ઈદગાહ વકફ ટ્રસ્ટ દ્વારા વાંધા વિરોધ નોંધાવ્યા પછી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ પીટિશન કરવામાં આવી હતી., જેમાં અગાઉ રેવન્યુ વિભાગમાં રજૂઆત કરવા જણાવવામાં આવ્યું હતું. રેવન્યુ વિભાગે વાંધેદારોની રજૂઆતો ગ્રાહય ન રાખતા મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ પીટિશન સ્પે . સિવિલ એપ્લીકેશન નં .12525 / 2021 દાખલ દાખલ કરવામાં આવી હતી.
જેમાં પીટીશનરો તરફે એડવોકેટ અમિત ઠકકર દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે જગ્યાનો ઉપયોગ ગામલોકો તથા વકફ લાભાર્થીઓ દ્વારા વર્ષોથી થતો આવ્યો છે. તથા વકફ એકટની જોગવાઈઓનું પાલન થયાનું પ્રથમ દર્શનીય રીતે જણાતું નથી તેવું માની હાઇકોર્ટે જમીન બાબતે સ્ટેટસક્વો જાળવવા હુકમ કર્યો છે.