SURAT

સુરત મનપામાં રામોત્સવ: ભાજપના કોર્પોરેટરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો

સુરત: ‌સુરત મનપા (Surat Municipal corporation) પણ રામ ભક્તિમાં લીન થઈ હોય તેવા દ્રશ્યો આજે ગુરુવારે સામાન્ય સભા (General Assembly) પહેલા જોવા મળ્યા હતા. સભા શરૂ થાય તે પહેલાં સભાખંડ જય શ્રી રામના નારાથી (Slogans) ગુંજી ઉઠ્યું હતું.

  • સુરત મહાનગરપાલિકા જય શ્રી રામના નારાથી ગુંજી
  • સામાન્ય સભામા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુંજ સાંભળવા મળી
  • ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું સમુહ પઠન કર્યું

સુરત મહાનગરપાલિકાના સામાન્ય સભામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુંજ સાંભળવા મળી હતી. સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા પહેલા ભાજપના કોર્પોરેટરો જય શ્રી રામ લખેલા કેસરી ખેસ પહેરીને આવ્યા હતા અને ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું સમુહ પઠન કર્યું હતું.

આ સાથે જ આજની સભામાં અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભાના અધ્યક્ષ મેયર દક્ષેશ માવાણીએ અધ્યક્ષ સ્થાનેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ એ પહેલા સ્વચ્છતા એવોર્ડ સાથે ભાજપના કોર્પોરેટરોએ ફોટો શેસન કર્યું હતું. તેમજ થોડી જ વારમાં ભાજપના તમામ કોર્પોરેટરોએ એક સાથે ઉભા થઈને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ત્યારબાદ સામાન્ય સભા શરૂ થઈ હતી. સામાન્ય સભામાં દરેક કોર્પોરેટરો પોતાનો પ્રતિભાવ રજૂ કરતા પહેલા જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. સમગ્ર સામાન્ય સભા દરમ્યાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કોઈ પણ પ્રકારે રામના નામનો ઉપયોગ કરે એ પહેલા જ ભાજપના નગર સેવકોએ રામ નામ પર પોતાનો સિક્કો જમાવી દીધો હોય એવો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top