પ્રખ્યાત શિલ્પકાર અને ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર રામ સુતારનું ગઈ કાલે બુધવારે રાત્રે નિધન થયું છે. તેઓ 100 વર્ષના હતા. નોઈડામાં આવેલા તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમના પુત્ર અનિલ સુતારે ગુરુવારે તેમના અવસાનની સત્તાવાર માહિતી આપી હતી.
દીકરા અનિલ સુતારે જણાવ્યું હતું કે “‘ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવીએ છીએ કે, મારા પિતા શ્રીરામ વણજી સુતારનું 17 ડિસેમ્બરે મધ્યરાત્રિએ અમારા ઘરે અવસાન થયું.’

19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં જન્મેલા રામ સુતારને બાળપણથી જ શિલ્પકળાનો ઊંડો રસ હતો. તેમણે મુંબઈની પ્રસિદ્ધ જેજે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો હતો અને સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે શિલ્પકળાને જીવનનું ધ્યેય બનાવી દીધું હતું.
રામ સુતાર દ્વારા રચાયેલી શિલ્પકળાએ દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી હતી. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ તેમની સૌથી મહત્ત્વની રચના છે.
આ ઉપરાંત સંસદ ભવનમાં મહાત્મા ગાંધીની ધ્યાનસ્થ પ્રતિમા, છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા તેમજ અનેક રાષ્ટ્રીય નેતાઓની મૂર્તિઓ તેમણે બનાવી છે.
તેમને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. રામ સુતારના અવસાનથી ભારતીય શિલ્પકળા જગતમાં એક અપૂરણીય ખોટ સર્જાઈ છે.