Columns

રક્ષાબંધન તો એક બહાનું છે બાકી ભાઈ-બહેનના પ્રેમ માટે તો… આખું આકાશ પણ નાનું છે…!

વી રહ્યું છે રક્ષાબંધનનું ભવ્ય પર્વ. એનો ઈતિહાસ જાજરમાન છે અને ભાવના લાજવાબ છે. વીરપસલીનો દિવસ આવે, આ તહેવારની બહેન રાહ જોઈને બેઠી હોય, પોતાના વહાલા વીરા માટે રાખડી ખરીદવા જાય અથવા જાતે બનાવે. ભાઈબહેનનો સંબંધ નિર્મળ હોય છે.
રક્ષાબંધન એટલે પ્રેમબંધન
બહેનનાં મનમાં એક જ ભાવગીત ગુંજતુ હોય છે ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ.’ બહેન ભાઈના હાથે હૃદયના પ્રેમથી રાખડી બાંધે છે. રાખડી બાંધતાં પહેલાં બહેન ભાઈના મસ્તક પર તિલક કરે છે. આ કેવળ ભાઈના મસ્તકની પૂજા નથી પણ ભાઈના વિચારો અને બુધ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે. તિલક દ્વારા સૂચિત થાય છે કે મારો ભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં વિજયી બને, અક્ષત સૂચવે છે મારા ભાઈનું સુખ અખંડ રહે, તેમાં કોઈ વિઘ્ન આવે, રાખડીમાં રહેલો રેશમનો દોરો ભાઈ-બહેનના નિર્મળ સ્નેહનું પ્રતીક છે. રંગબેરંગી રાખડી સૂચવે છે કે મારા વીરાનું જીવન નીતનવા ઉત્સાહમય રંગોથી સભર બને. ભાઈના હાથે રક્ષા બાંધીને બહેન તેની પાસેથી ફક્ત પોતાનું રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રીજાતને પોતાના ભાઈનું રક્ષણ મળે તેવી ઈચ્છા રાખે છે. સાથે પ્રભુને પ્રાર્થે છે કે મારા વીરાનું તન સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે. જીવન ઝિંદાદિલ રહે. મિઠાઈ ભાઈ-બહેનનાં સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે તેનું પ્રતીક છે. રક્ષાબંધનને દિવસે બહેન ગમે ત્યાં હોય પણ પોતાના ભાઈને યાદ કરીને જરૂરથી રાખડી બાંધવા આવે છે અથવા રક્ષા મોકલે છે. ભાઈ પણ બહેનને ગિફટ આપે છે.
15 વર્ષની પ્રિષા એના ભાઈ પ્રથમના કાંડા પર બાંધવા સુંદર રાખડી લાવી, થાળી શણગારી દીવો ઉતારી રાખડી બાંધી રહી હતી, હસતી હસતી ભાઈના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપી રહી હતી ત્યાં ભાઈ પ્રથમે કહ્યું- ‘‘દીદી, થોભ, બે મિનિટ હમણાં આવું.’’ એમ કહી પોતાના રૂમમાંથી ચોકલેટ અને તુલસી રોપેલ કૂંડું લઈ આવ્યો. રાખડી બંધાવ્યા પછી તુલસીક્યારાની ભેટ આપતાં કહ્યું- ‘‘દીદી, ગિફ્ટ તો મમ્મી લાવી છે પણ આ મારા તરફથી બળેવની ગિફટ.’’ પ્રિષાએ સ્નેહથી એ સ્વીકારી તેના મોઢામાં મિઠાઈ મૂકી ભેટીને ચુંબન કર્યું. સ્નેહનું બીજું નામ જ બહેન. લગ્ન કરીને સાસરે ગયેલી બહેન નજરથી દૂર થઈ જાય છે ખરી પણ તેનો પ્રગાઢ સ્નેહ બે પરિવાર વચ્ચે સમજદારીનો સેતુ રચે છે.
ભાઈબહેનના સંબંધે હવે નવું સશક્ત સ્વરૂપ લીધું છે. એક સમય એવો હતો કે ભાઈએ બહેનના લગ્ન પછી તેના તમામ વ્યવહાર સાચવવા પડતાં આજે પણ ભાઈ જવાબદારી અદા કરે જ છે પણ આજની બહેનો ભાઈ પાસે આશા રાખે એવું નથી. ભાઈની પડતી દશામાં તે જોઈ ન રહેતાં મદદે ઊભી રહે છે. મારી સખી આશાની જ વાત જોઈએ.
આશાની કોઈ બહેન નહોતી, ન હતાં માબાપ. મોટાભાઈએ મોટી કરી, ભણાવીગણાવી તૈયાર કરી. ભાઈની સ્થિતિ સાધારણ હતી. બહેનને સારા ઘરે પરણાવી ફરજ પૂરી કરી. સુદેશ સંસ્કારી છોકરો હતો. બંને ખૂબ સુખેથી, આનંદથી રહેતાં હતાં, લગ્ન બાદ આશા પણ સુદેશના ઘરમાં દૂધમાં સાકર ભળે એમ હળી ગઈ હતી. સાસુ-સસરા પણ આશાના સ્વભાવથી ખૂબ ખુશ હતાં.
આશા આજકાલ ખૂબ ઉદાસ રહેતી હતી. કારણ બળેવનો તહેવાર નજીક આવી રહ્યો હતો. પરણીને આવી પછી કોઈ દિવસ ભાભીએ પિયર રહેવા બોલાવી નથી. કેવી રીતે ભાઈને રાખડી બાંધવા જવાય? ભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, તેનું ઘર કેમ ચાલતું હશે? તેને આર્થિક મદદ કરવાની પણ ઈચ્છા હતી. સુદેશે તેની દ્વિધા જાણી અને તરત આશાના ભાઈના દીકરાને ભણાવવાની ફી વગેરેની પૂરેપૂરી વ્યવસ્થા કરી દીધી. ભાઈ આશા અને સુદેશની ઉદારતાના વખાણ કરે એ એની ભાભીથી સહન ન થતું, ગમે તેમ બોલતી, નવાઈ નથી કરતી આપણે પણ એનું બહુ કર્યું છે.
જોતજોતામાં રક્ષાબંધનનો દિવસ આવ્યો. બધાંને સજીધજીને ભાઈના ઘેર જતાં જોઈને મનોમન જીવ બાળતી હતી. સુદેશથી ન જોવાયું તે રક્ષા અને મિઠાઈ લઈ આવ્યો અને કહ્યું… ‘‘જા, અનાથાશ્રમમાં બાળકોને જઈને રાખડી બાંધી આવ. તેઓ ખૂબ ખુશ થશે. તને પણ ખુશી મળશે.’’ તે તૈયાર થઈ. સાથે યાદ આવ્યું. મારી સખી તનુ પણ બીમાર છે. રસ્તામાં જ હોસ્પિટલ આવે છે તો ખબર પણ લઈ આવું. આમ વિચારી નીકળી હોસ્પિટલ પહોંચી. ત્યાં એણે ભાઈના છોકરા સોનુને જોયો, પૂછ્યું તો ખબર પડી ભાઈને છાતીમાં દુખાવો થયો હોવાથી અહીં દાખલ કર્યા છે. ભાભીએ ખબર કેમ ન આપી એ દોષ જવાનો આ સમય ન હતો. સોનુ સાથે ભાઈના રૂમમાં પહોંચી. આશાએ ભાઈના માથે વહાલસોયો હાથ ફેરવ્યો અને કહ્યું,‘‘ગભરાઈશ નહીં ભાઈ, તારી બહેન તારી મદદે આવી ગઈ છે’’ અને આશાએ પાકીટમાંથી રાખડી કાઢી ભાઈના કાંડા પર બાંધી અને પ્રભુને પ્રાર્થના કરી કે મારા ભાઈની પ્રભુ રક્ષા કરજો! તરત જ તેણે પતિ સુદેશને ફોન કરી હોસ્પિટલ બોલાવ્યો, ડૉક્ટર સાથે વાતચીત કરી. બાયપાસ સર્જરી કરાવવી પડી અને આશા-સુદેશે તનમનધનથી એની સેવા કરી. આટલું કરવા છતાં પણ ભાભીની આશા પ્રત્યેની નફરત હજુ ઓગળી ન હતી. ભાઈને ડીસ્ચાર્જ કરવાના સમયે આશા ગાડી લઈને આવી, હોસ્પિટલનું બિલ સુદેશે ભરી દીધું. ગાડી ભાઈને ઘેર જવાને બદલે આશાને ઘેર ઊભી રહી. 15 દિવસ સુધી ભાઈ તદ્દન સાજો થયો પછી ભાઈભાભીને એને ઘેર આશા મૂકવા ગઈ. ભાઈ-ભાભીની આંખો પ્રેમાશ્રુથી છલોછલ બની. બહેન હોય તો આવી પ્રેમાળ હોજો…! આત્મીયતા સમું આ જગતમાં કોઈ ઔષધ નથી. ટૂંકમાં રક્ષાબંધન એટલે બંધન નહીં સંવર્ધન-સ્વાર્પણ. ભાઈએ લીધેલી બહેનની રક્ષા કરવાની જવાબદારી એટલું જ નહીં બહેને લીધેલી ભાઈની રક્ષણ કરવાની જવાબદારી પણ બને છે.
તો વાચકમિત્રો…! ખરેખર, રક્ષાબંધનનો તહેવાર જ સ્નેહભર્યો તહેવાર છે. શ્રાવણનો ઝરમર તો વરસાદ, રંગબેરંગી રાખડીઓ, ચોતરફ આનંદભર્યું વાતાવરણ જ એટલું ખુશનુમા બની જાય છે કે દરેક ભાઈને પોતાની બહેન અને દરેક બહેનને ભાઈની યાદ આવ્યા વિના રહેતી નથી. ભાઈબહેનના સંબંધે હવે નવું અને સશક્ત સ્વરૂપ લીધું છે. રક્ષાબંધનની પરંપરા તો વરસોથી ચાલી આવી છે અને ચાલતી રહેશે પરંતુ સમાજમાં એવી કેટલીય બહેનો છે જે બહેનોએ પોતાના વીરાને મુશ્કેલીઓમાંથી ઉગારવા, તેમના જીવનનું બલિદાન આપ્યું છે.
રક્ષાબંધન એ સંબંધોમાં પાવરબેંક છે. અહીંયાથી બીજા બધા સંબંધો રીચાર્જ થતાં હોય છે. ભાઈ-બહેનની લાગણી હજી અકબંધ છે. જ્યાં સુધી ભાઈ-બહેનના સંબંધમાં પ્રેમ-લાગણી અને વિશ્વાસ છે ત્યાં સુધી રક્ષાબંધન જેવા તહેવારોને કોઈ આંચ નહીં આવે. આજના દિવસે રીસાયેલ બહેનને મનાવી લેજો, રીસાયેલા ભાઈને મનાવી લેજો અને ખૂબ ઉત્સાહથી પ્રેમ અને સ્વાર્પણની ભાવના અવ્વલ રાખી પર્વ ઉજવજો..! હેપ્પી રક્ષાબંધન.
સુવર્ણરજ
ભાઈ અને ભગિનીની કેવી સગાઈ,
જન્મોજન્મની ના આવે રે જુદાઈ

Most Popular

To Top