SURAT

સુરત મહાનગર પાલિકાનું નવું અભિયાન: શહેરમાં રખડતાં ઢોરનું ન્યૂસન્સ ઘટાડવા બે નવા ઢોર ડબ્બા

સુરત: (Surat) શહેરમાં સૌથી વધુ મોટું ન્યૂસન્સ એવાં રખડતાં ઢોર (Stray cattle)ની સમસ્યા સામે મનપા (SMC)નું તંત્ર કાયમ જ લાચાર નજરે પડે છે. ત્યારે હવે રખડતાં ઢોર અંગે નવી નીતિ (policy) બનાવી શાસકોની મંજૂરી માંગવામાં આવી હતી, જેમાં દંડ (charge)ની રકમ બમણી કરવા ઉપરાંત શહેરમાં બે નવા ઢોર ડબ્બા (cattle box) બનાવવા અને નધણીયાતાં ઢોર પકડાય તો તેને કાયમી ધોરણે સાચવવા માટે પાંજરાપોળને પ્રતિ ઢોર દીઢ નક્કી કરેલી રકમ ચૂકવવાની જોગવાઇ પણ સૂચવવામાં આવી હતી. જેને શાસકોએ સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે.

સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે, હવે પશુપાલકો ઢોરની નોંધણી કરાવે ત્યારે તેની પાસે ઢોર રાખવા માટેની તેમજ તેના ભરણપોષણ-રખરખાવની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તેની વિગતો પણ રજૂ કરવાની રહેશે. તેમજ શહેરમાંથી રખડતાં ઢોર પકડાય તેમાં તેનો માલિક એવું કહેશે કે ચરાવવા નીકળ્યા હતા તો આ બહાનું ચાલશે નહીં. સુરત મનપાના હાલ જે નિયમો છે તેમાં રખડતાં ઢોર માટે દંડની જોગવાઇ રૂપિયા ૨૫૦થી મહત્તમ ૭૫૦ છે. જે બમણા કરી પ્રથમવાર પકડાતાં ઢોર માટે રૂ.૫૦૦થી ૭૫૦ અને બીજી, ત્રીજી વાર પકડાતાં ઢોરો માટે ૧૫૦૦થી ૪૦૦૦નો દંડ વસૂલાતની જોગવાઇ સૂચવાઇ છે.

ઉપરાંત શહેરમાં દરેક ઢોરને રેડિયો ફિક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઈસ (આરએફઆઈડી) તથા વિઝ્યુઅલ ટેગ પશુપાલકોએ ફરજિયાત લગાવવા અને આવા ટેગ કે RFD વગર ઢોર પકડાશે તો ચારગણો ચાર્જ લેવાનું પણ સૂચન કરાયું છે. મનપાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા કરાતા હુમલા સામે સલામતી માટે સરકાર પાસેથી ડેપ્યુટેશન ઉપર રાઉન્ડ ધ ક્લોક એસઆરપી અથવા પીસીઆર વાન સાથે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવશે. ઉપરાંત હાલમાં નધણીયાતાં ઢોરને પકડ્યા બાદ નિભાવ કરવા માટે મનપા પાસે કતારગામ ગોટાલાવાડી ખાતે ૧૫૦ અને ભેસ્તાન ખાતે ૩૫૦ જેટલાં પશુ સમાય તેટલી જ ક્ષમતા છે.

તેથી નવા બે ઢોર ડબ્બા બનાવી 1500ની ક્ષમતા ઊભી કરવા અને વરાછા, કતારગામ અને અઠવા ઝોનમાં હયાત બે ઢોર પાર્ટી ઉપરાંત વધારાની એક-એક ઢોર પાર્ટી ફાળવવા તેમજ કાયમી ધોરણે પકડી લેવાતાં ઢોરને પાંજરાપોળ, ગૌશાળા વગેરેમાં મૂકીને તેને આજીવન ખર્ચ પેટે એક વખત ૧૦૦૦ની આર્થિક સહાય ચૂકવવાની જોગવાઇ સાથે રખડતાં ઢોરની નીતિમાં સુધારા સાથેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂરી અપાઇ છે.

Most Popular

To Top