નવી દિલ્હી: રાજ્યસભાના (Rajya Sabha) અધ્યક્ષ જગદીપ ધનખર વિપક્ષના વલણથી ભારે નારાજ થયા હતા. અસલમાં આજે ગુરુવારે સંસદમાં ઘણા બિલ અને મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની હતી. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે વિપક્ષના (opposition) અપમાનજનક વલણથી રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખર (Jagdish Dhankhar) ભારે નારાજ થયા હતા, તેમજ તેમણે વિપક્ષને ઘણી વાતો પણ સંભળાવી હતી.
અસલમાં આજે ગુરુવારે રાજ્યસભા અધ્યક્ષે ગૃહમાં વિપક્ષના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ દરરોજ મારું અપમાન કરે છે. હું આ પદમાટે મારી જાતને સક્ષમ માનતો નથી. અહીં અધ્યક્ષ પદને પડકારવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાઓ પણ મારા પર સવાલો ઉઠાવે છે. અસલમાં જગદીશ ધનખર ખાસ કરીને ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયનના વર્તનથી નારાજ થયા હતા. ત્યારે તેમણે રાજ્યસભામાંથી વોકઆઉટ પણ કર્યું હતું. સમગ્ર મામલે ભાજપના નેતા અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણને નિંદનીય ગણાવ્યું હતું.
વિસ્તૃત માહિતી મુજબ આજે સંસદમાં ઘણા બિલ રજૂ થવાના હતા, જેમાં વક્ફ એક્ટમાં સુધારો કે જે ખૂબ જ ચર્ચિત વિષય છે તેનો પણ સમાવેશ થાય છે. દરમિયાન આજે રાજ્યસભામાં મહિલા રેસલર વિનેશ ફોગાટનો મુદ્દો ઉઠાવતા જ સંસદમાં હોબાળો થયો હતો. વિપક્ષે મંજૂરી ન હોવા છતા વિનેશ ફોગાટના વિષયે ઘણા સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખર ખૂબ નારાજ થઈ ગયા હતા.
અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું હતુ કે આખો દેશ વિનેશ ફોગાટની સાથે છે. આ ઘટનાથી બધા દુ:ખી છે, પીએમ અને મેં પણ આ અંગે નિવેદનો આપ્યા છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવા મુદ્દા ઉપર પણ રાજનીતિ થઈ રહી છે. અગાઉ આ મુદ્દે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આજે પણ વિપક્ષે વિનેશનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. દરમિયાન વિપક્ષના વિરોધને લઈને હોબાળો થયો હતો. ખડગેએ કહ્યું કે અમારે કારણ જાણવું પડશે કે એવું શું થયું કે વિનેશને અચાનક બહાર કાઢી મુકવામાં આવી અને આપણે કંઈ કર્યું નથી.
વિપક્ષના વર્તનથી અધ્યક્ષ નારાજ
ખડગેના સવાલ બાદ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયને સૂત્રોચ્ચાર કર્યા હતા અને જોરશોરથી વિરોધ કર્યો હતો. આ જોઈને ધનખર ખૂબ નારાજ થઈ ગયા હતા. ત્યારે ધનખરે કહ્યું કે સ્પીકરને ગૃહમાં પડકારવામાં આવ્યા છે અને તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો નથી. જેથી હું અહીં થોડી વાર પણ બેસી શકીશ નહીં.