Gujarat

રાજૂ કરપડાનો ‘આપ’ પર પ્રહાર: વાયરલ કોલ રેકોર્ડિંગ મામલે ત્રણ નેતાઓ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ

તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર ખેડૂત આગેવાન રાજૂ કરપડા ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તેમના રાજીનામા બાદ પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજૂ કરપડા પર જૂના કેસોને લઈને ભાજપ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેમની ગૃહ પ્રધાન સાથે બેઠકો પણ યોજાઈ હતી. આ વચ્ચે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ એક કથિત કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે. પાર્ટીનો દાવો છે કે આ રેકોર્ડિંગમાં રાજૂ કરપડા કોઈ કાર્યકર્તા સાથે આગળની રાજકીય રણનીતિ અને જૂના કેસોને લઈને ચર્ચા કરતા સંભળાઈ રહ્યા છે. વાયરલ ઓડિયોમાં “જે થશે તે સારું થશે, જ્યાં સુધી સાથે છીએ ત્યાં સુધી રહી શકીએ” જેવા શબ્દો સંભળાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પાર્ટી તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે રાજૂ કરપડા કાર્યકર્તાઓને સંપર્ક કરીને તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેકોર્ડિંગ સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો વધુ વધ્યો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ રાજૂ કરપડાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે વાયરલ થયેલું કોલ રેકોર્ડિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે સંપૂર્ણપણે બનાવટી છે. તેમણે આ મામલે આમ આદમી પાર્ટીના ત્રણ નેતા, કરણ બારોટ, સ્વયંમ સાલવી અને વિપુલ ઠાકોર સામે સાયબર ક્રાઇમમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. હાલ આ મુદ્દે રાજકીય તણાવ વધ્યો છે અને બંને પક્ષો એકબીજા સામે ગંભીર આરોપો લગાવી રહ્યા છે. તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top