બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને અભિનેત્રી પત્રલેખા તેમના લગ્નની ચોથી વર્ષગાંઠે માતા-પિતા બન્યા છે. દંપતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો.
બોલિવૂડનું લોકપ્રિય દંપતી રાજકુમાર રાવ અને પત્રલેખા હવે માતા-પિતા બની ગયા છે. દંપતીએ આજ રોજ તા. 15 નવેમ્બર શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમની પુત્રીના જન્મની ખુશખબર આપી. ચાહકો અને સેલિબ્રિટી મિત્રોમાં ઉજવણીનો માહોલ છે. આ ખુશી દંપતી માટે ખાસ બની ગઈ કારણ કે તેમની ચોથી લગ્ન વર્ષગાંઠે તેમને પુત્રીનો આશીર્વાદ મળ્યો છે.
રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોસ્ટમાં લખ્યું કે “અમે ખૂબ ખુશ છીએ. ભગવાને અમને એક સુંદર બાળકીનો આશીર્વાદ આપ્યો છે.” આ પોસ્ટ સામે આવતા જ વરુણ ધવન, નેહા ધૂપિયા, અલી ફઝલ સહિત અનેક સેલિબ્રિટીઓએ દંપતીને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

રાજકુમાર અને પત્રલેખાએ તા.15 નવેમ્બર, 2021ના રોજ લગ્ન કર્યા હતા. આજે લગ્નના ચાર વર્ષ પૂર્ણ થતાં જ તેમને પુત્રીનો આશીર્વાદ મળ્યો છે. જેના કારણે તેમની ખુશી બમણી થઈ ગઈ છે. ચાહકો માટે પણ આ ખાસ પળ બની ગઈ છે, કારણ કે બંનેને હંમેશા તેમના સિમ્પલ અને લવલી રિલેશન માટે લોકો પસંદ કરે છે.
આ દંપતીએ આ વર્ષની જુલાઈમાં પત્રલેખાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ત્યાર પછી પત્રલેખાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે રાજકુમાર રાવ તેની ખૂબ કાળજી રાખે છે અને તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે.
હવે રાજકુમાર અને પત્રલેખા બંને માટે જીવનનું નવું અધ્યાય શરૂ થયું છે. તેમની પુત્રીના જન્મથી તેમના ઘરમાં ખુશીના નવા રંગ છવાઈ ગયા છે.