Gujarat

રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના, પહેલા જ વરસાદે હિરાસર એરપોર્ટની કેનોપી તુટી

રાજકોટ (Rajkot): થોડા સમય પહેલાં જ દિલ્હીના એરપોર્ટની છત તુટી પડી હતી. ત્યારે આવી જ એક દુર્ઘટના ગુજરાતના રાજકોટમાં પણ બની હતી. રાજકોટમાં આજે સવારથી જ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રાજકોટમાં એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટના હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી હતી. જો કે કેનોપી નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી જાણકારી પ્રમાણે ટર્મિનલ બહાર પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં આ ઘટના બની હતી. ત્યારે એરપોર્ટ ડિરેક્ટરે પાણી ભરાવાના કારણે કેનોપી તૂટી પડી હોવાનો દાવો કર્યો હતો. રાજકોટ હિરાસર એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાએ નિવેદન આપ્યું હતું કે, વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. તેમજ આ દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હતી.

જણાવી દઇયે કે રાજકોટ શહેરમાં ગઈકાલે વરસાદી ઝાપટા આવ્યા છે. તેમજ શહેરમાં આજે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ભારે પવન ફૂંકાતા રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેનોપી તુટી હતી. સદનસીબે કેનોપી નીચે એકપણ પેસેન્જનર ન હોવાથી મોટી દુર્ઘટના અને જાનહાની ટળી હતી. જોકે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડતા તંત્રના નબળા બાંધકામની પોલ ખુલી ગઇ છે.

આ સાથે જ હવામાન વિભાગે રાજ્યના વિવિધ સ્થળોએ વરસાદની આગાહી પણ કરી હતી. જેમાં મુખ્યત્વે હવામાન વિભાગે આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી હતી. ત્યારે આગાહી મુજબ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે 11 વાગ્યાથી અડધો કલાક શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, ત્રિકોણ બાગ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, માધાપર અને મુંજકા સહિત શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

27 જુલાઈ 2023ના રોજ વડાપ્રધાનના હસ્તે એરપોર્ટનું ઉદ્ઘાટન થયું હતું
જણાવી દઇયે કે PM મોદીએ 27 જુલાઈ 2023ના રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે રાજકોટથી 30 કિમી અંતરે આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને અહીં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.

Most Popular

To Top