આણંદ(Anand ): ગુજરાત(Gujarat)માં લઠ્ઠાકાંડ(Latthakand)ની ઘટના સમી નથી ત્યાં હવે પાર્ટી ડ્રગ્સ સાથે ભાજપ(BJP)નાં નેતા(Leader)ના દીકરા(Son)ની ધરપકડ(Arrest) કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે. આણંદ જીલ્લામાં આવેલા એક પેટ્રોલ પંપ પર એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં કારમાંથી 19.680 ગ્રામ એમડીએમ ડ્રગ્સ(MD Drugs) ઝડપાયું હતું. આ ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરી હતી. જે પૈકી એક ભાજપ નેતાનો પુત્ર હોવાનું સામે આવતા ખળભળાટ ફેલાયો છે.
કારમાંથી મળી આવ્યો પાર્ટી ડ્રગ્સનો જથ્થો
આણંદની SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સોજિત્રાના મલાતજથી ડભોઉ જવાના રસ્તા પર પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 03 એલબી 0034માં ચારેક જેટલા શખ્સ એમડીએમએ, મેથા એમફેટામાઇન, એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ ડ્રગ્સ લઇને આવવાના છે. જેના આધારે સોજીત્રાના ડભોઉ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગાડી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાડીને કોર્ડન કરી રોકી હતી. કારમાં તપાસ કરતા એસઓજીની ટીમને ડ્રગ્સ મળી આવ્યું હતું. કારમાંથી 1.96 લાખની કિમતનું 19.680 ગ્રામ MDM ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ભાજપના મહામંત્રીનાં પુત્ર સહિત 4ને ઝડપી પાડ્યા
પોલીસે કારમાં સવાર ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી રાજકોટના તુષાર ઉર્ફે ભુરો જીવરાજભાઈ સાંગાણી, રોહન શૈલેષભાઇ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણાં, તરોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચાર શખ્સોની ઘરપકડ કરી હતી. જે પૈકી એક આરોપી ભાજપના મહામંત્રી સુરેશ રૈયાણીનાં પુત્ર રોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચારને ઝડપી પાડયા હતા. પોલીસે તમામની કડક પૂછપરછ હાથ ધરી હતી. ચારેય શખ્સો મલાતજમાં ડ્રગ્સ પાર્ટી કરવા જતાં હોવાની પોલીસને શંકા છે જેથી તેઓએ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
FSLની તપાસમાં સામે આવી ચોંકાવનારી બાબત
પોલીસે આ મામલે તપાસમાં FSLની મદદ લીધી હતી. કારમાંથી મળી આવેલા ડ્રગ્સનાં જથ્થાનું FSLનાં અધિકારીએ પરીક્ષણ કરતા સામે આવ્યું કે આ ડ્રગ્સ MDM ડ્રગ્સ છે જે રેવ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે. જેથી પોલીસે 1.96 લાખની કિંમતનો 19.680 ગ્રામ MDM નો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે પાંચ મોબાઈલ ફોન,એક ઈલેક્ટ્રોનિક વજન કાંટો, અને કાર મળીને કુલ 5.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.