આસામ: આસામની હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) સરકારે નેશનલ પાર્કમાંથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)નું નામ હટાવવાનો નિર્ણય કર્યો છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠક (Cabinet Meeting)માં નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આ નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ પણ થઇ શકે છે, કારણ કે ગાંધી નામ ખસેડતા ગાંધી પરિવારની આ નિર્ણય પર ચોક્કસથી ટીકા ટિપ્પણીઓ આવી શકે છે.
પીએમ મોદીની સરકારમાં આ સામાન્ય થઇ ગયું છે, જ્યારે નામકરણ કરવામાં આવી રહ્યું છે, અને ફરી રાજીવ ગાંધીનું નામ ખસેડવામાં આવ્યું છે, જે બાદ હવે તે ઓરંગ નેશનલ પાર્ક (Orang National Park) તરીકે ઓળખાશે. આ નિર્ણય વિશે માહિતી આપતા આસામ સરકાર (Assam Government)ના પ્રવક્તા અને જળ સંસાધન મંત્રી પીજુષ હજારિકા (Pijush Hazarika) એ જણાવ્યું હતું કે આદિવાસીઓ અને ચા આદિજાતિ સમુદાયોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલીને ઓરંગ નેશનલ પાર્ક રાખ્યું છે. 79.28 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કને 1985 માં વન્યજીવન અભયારણ્ય અને 1999 માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કાંઠે આવેલું આ પાર્ક રોયલ બંગાળ વાઘ, ભારતીય ગેંડો, પિગ્મી હોગ અને જંગલી હાથીઓ માટે જાણીતું છે.
ખેલ રત્ન એવોર્ડ હવે રાજીવ ગાંધી નહીં પણ મેજર ધ્યાનચંદના નામે ઓળખાશે: પીએમ મોદી
આ અગાઉ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી નહીં પણ મેજર ધ્યાનચંદના નામે રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન એવોર્ડ નામ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે. યુપીએના બીજા કાર્યકાળમાં સંસદને કહેવામાં આવ્યું હતું કે સરકાર પ્રતિષ્ઠિત લોકોના નામે 58 યોજનાઓ ચલાવે છે. તેમાંથી 16 યોજનાઓ રાજીવ ગાંધીના નામે છે. તેમાં રાજીવ આવાસ યોજના, રાજીવ ગાંધી ઉદ્યમી મિત્ર યોજના, રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન, રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતકરણ યોજના, એસટી વિદ્યાર્થીઓ માટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપનો સમાવેશ થાય છે.
આ સિવાય ઈન્દિરા ગાંધીનું નામ આઠ યોજનાઓમાં છે. તેમાં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, ઇન્દિરા આવાસ યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન વગેરેનો સમાવેશ થાય છે. 2014 માં મોદી સરકાર સત્તામાં આવતા જ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ ભૂતકાળમાં મોદી સરકારને તેમની યોજનાઓના નામ બદલીને શરૂ કરવા માટે ફરિયાદ કરતી રહી છે.