Entertainment

રજનીકાંતે ‘ધુરંધર 2’ની કરી પ્રશંસા, ગદગદિત આદિત્ય ધરે માન્યો આભાર, બોક્સ ઓફિસ પર પણ મચાવી રહી છે ધૂમ

‘ધુરંધર: ધ રિવેન્જ’ (ધુરંધર 2)ને લઈને દેશભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, સાથોસાથ બોલિવુડ અને દક્ષિણ ભારતીય સિનેમામાં વિવિધ સ્ટાર્સોની પ્રશંસા અને ચર્ચાનો વિષય પણ આ ફિલ્મ બની છે. ફિલ્મના દિગ્દર્શક Aditya Dhar માટે આ સફળતા વધુ ખાસ બની ગઈ છે, કારણ કે દક્ષિણ ભારતના સુપરસ્ટાર Rajinikanth એ એમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એમની ફિલ્મ અને કામની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. દક્ષિણના સુપરસ્ટાર થલાઈવા તરીકે ઓળખાતા અને રજનીકાંતે સોશિયલ મીડિયા પર ‘ધુરંધર 2’ વિશે ખાસ સંદેશ શેર કર્યો હતો. તેમણે ફિલ્મને “દરેક ભારતીય માટે જોવાલાયક” ગણાવી અને આદિત્ય ધરને “બોક્સ ઓફિસના પિતા” તરીકે સંબોધ્યા. સાથે જ તેમણે ફિલ્મના લીડ એક્ટર Ranveer Singh સહિત સમગ્ર કાસ્ટ અને ક્રૂને અભિનંદન પાઠવ્યા હતા. રજનીકાંત જેવી દિગ્ગજ વ્યક્તિ તરફથી મળેલી આ પ્રશંસા ફિલ્મ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ પ્રશંસા બાદ આદિત્ય ધર ખૂબ ભાવુક બન્યા હતા. તેમણે આ ક્ષણને પોતાના જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણાવી અને તેને “સુપરસ્ટાર ક્ષણ” તરીકે વર્ણવી. તેમણે કહ્યું કે રજનીકાંત જેવા દિગ્ગજ કલાકારે ફિલ્મને “મસ્ટ વોચ” કહેવું તેમના માટે આશીર્વાદ સમાન છે. ધરએ વધુમાં ઉમેર્યું કે રજનીકાંત દાયકાઓથી દર્શકોને મનોરંજન આપતા આવ્યા છે અને તેમની તરફથી મળેલી પ્રશંસા તેમની કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ફિલ્મ ‘ધુરંધર 2’ની વાત કરીએ તો, આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ હતી અને શરૂઆતથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પ્રીવ્યૂ શોમાં જ ફિલ્મે લગભગ 43 કરોડનું કલેક્શન કર્યું હતું, જે પોતે જ એક મોટી શરૂઆત માનવામાં આવે છે. ત્યારબાદ ફિલ્મે માત્ર 5 દિવસમાં 500 કરોડનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ સાથે ‘ધુરંધર 2’ હવે Pushpa 2 અને KGF Chapter 2 જેવી મોટી ફિલ્મોને પાછળ છોડીને સૌથી ઝડપી 500 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ્સ મુજબ, ફિલ્મની સફળતા તેના મજબૂત કન્ટેન્ટ, એક્શન અને સ્ટારકાસ્ટના કારણે છે. આ રીતે, ‘ધુરંધર 2’ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ દિગ્ગજ કલાકારોના દિલમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે. રજનીકાંત જેવી વ્યક્તિ તરફથી મળેલી પ્રશંસા આ ફિલ્મને વધુ ઊંચાઈ પર લઈ જતી નજરે પડી રહી છે.

Most Popular

To Top