National

દિલ્હી CM રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ ખીમજી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તા.20 ઓગસ્ટની સવારે જાહેર સુનાવણી દરમિયાન થયેલા હુમલા મામલે નવો વળાંક આવ્યો છે. આરોપી રાજેશભાઈ ખીમજી જે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. તેને બુધવારે રાત્રે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. તેના પર હત્યાના પ્રયાસનો કેસ પણ નોંધાયો છે.

આરોપીનો ઈતિહાસ
રાજેશ ખીમજી વિરુદ્ધ અગાઉથી જ ગુજરાતમાં પાંચ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાં છરાબાજી જેવા ગંભીર ગુના પણ સામેલ છે. આ કારણે તેની ક્રિમિનલ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને પોલીસે કડક પૂછપરછ શરૂ કરી છે. હાલ ઇન્ટેલિજન્સ બ્યુરો અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહી છે. જોકે હુમલા સમયે તેની પાસેથી કોઈ હથિયાર મળ્યું નથી.

જાહેર સુનાવણી દરમિયાન હુમલો
તા.20 ઓગસ્ટની સવારે 8.15 વાગ્યે જાહેર સુનાવણી દરમિયાન રાજેશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને કાગળ આપવાના બહાને નજીક જઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં રેખા ગુપ્તાના હાથ, ખભા અને માથા પર ઈજાઓ પહોંચી હતી. હાલ તેઓ ઘરે રહીને પોતાની કામગીરી સંભાળી રહ્યા છે.

સુરક્ષા વ્યવસ્થા કડક
મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પહેલેથી જ Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. હવે તેમની સુરક્ષા વધુ મજબૂત બનાવવા CRPF જવાનોને પણ તૈનાત કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે. Z શ્રેણીની સુરક્ષામાં 22 થી 25 સુરક્ષા કર્મચારીઓ હોય છે. જેમાં વ્યક્તિગત સુરક્ષા અધિકારી (PSO), એસ્કોર્ટ વાહનો અને સશસ્ત્ર ગાર્ડનો સમાવેશ થાય છે.

આ ઘટનાએ દિલ્હીની રાજકીય હલચલ વધારી છે. સરકાર હવે સુરક્ષા વ્યવસ્થા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને.

Most Popular

To Top