પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી ફરી એકવાર ચર્ચાના કેન્દ્ર બન્યા છે. તેમની આગમી ફિલ્મ ‘વારાણસી’ની પહેલી ઝલક હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં એક વિશાળ ઇવેન્ટ દરમિયાન રજૂ કરવામાં આવી હતી. સમગ્ર સ્ટાર કાસ્ટની હાજરી વચ્ચે રાજામૌલી ફિલ્મ વિશે વાત કરતા ભાવુક થઈ ગયા પરંતુ આ ઇવેન્ટ વચ્ચે તેમના એક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઉભો થયો છે.
આ ઇવેન્ટ દરમિયાન કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવતા રાજામૌલીએ પ્રેક્ષકોને માફી માગતા જણાવ્યું કે તેમના પિતા અને પત્ની ભગવાન હનુમાનના ભક્ત છે પરંતુ તેઓ જાતે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા. તેમણે કહ્યું કે “હું ભગવાનમાં માનતો નથી. પપ્પા કહેતા કે હનુમાન મારું માર્ગદર્શન કરશે પરંતુ આ ટેકનિકલ ખામીઓ જોઈને મને ગુસ્સો આવ્યો… શું હનુમાન મને આ રીતે મદદ કરે છે?”
આ નિવેદન બહાર આવ્યા બાદ હનુમાન ભક્તો અને સોશિયલ મીડિયા યુઝર્સે રાજામૌલી પર ભારે ટીકા શરૂ કરી. યુઝર્સે આ ટિપ્પણીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનાર ગણાવી. તો કેટલાકે કહ્યું કે રાજામૌલી RRR અને હવે વારાણસી જેવી ફિલ્મોમાં પૌરાણિક તત્વોનો ઉપયોગ કરી કમાણી કરે છે પણ જાહેરમાં ભગવાન અંગે નકારાત્મક ટિપ્પણી કરે છે.
એક યુઝરે લખ્યું “તે નાસ્તિક હોઈ શકે છે પરંતુ હનુમાનજી વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી.” જ્યારે બીજા યુઝરે લખ્યું “જ્યારે સફળતા મળે છે ત્યારે ભગવાનને ક્રેડિટ નથી આપતો પરંતુ જ્યારે ટેકનિકલ ખામી આવી જાય તો ભગવાનને દોષ આપે છે.”
ફિલ્મ નિર્માતા પર યુઝર્સ માફી માંગવાની માંગ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તીખો પ્રહાર કરતા લખ્યુ “તમારી ટીમની ભૂલ માટે ભગવાન હનુમાનને દોષ કેમ આપો? તમારા ટેકનિશિયનને કહો. આવું બોલવું અસ્વીકાર્ય છે.”
રાજામૌલીના નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર #RespectHanuman અને #RajamouliApologize જેવા હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યા છે. હાલ સુધી રાજામૌલીએ વિવાદ પર કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી.
આ વચ્ચે ફિલ્મ ‘વારાણસી’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં છે અને તે 2027માં રિલીઝ થશે.