સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. જેથી દિવસ દરમિયાન જ રાત્રી અંધારું છવાઈ ગયું હતું. ધોધમાર વરસાદનાં પગલે કામ-ધંધા પર જતા લોકોને ભારે હાલાકી પડી હતી. વાહન ચાલકોને દિવસે પણ ગાડીની હેડ લાઈટ ચાલુ રાખીને ગાડી ચલાવવાની ફરજ પડી હતી.
શહેરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા શહેરમાં બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે સતત બીજા દિવસે વરસાદ વરસતા શહેરનાં રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતમાં સૌથી વધુ વરસાદ વરાછા એ ઝોનમાં નોંધાયો છે. શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
ઝોન | વરસાદ (મિમિ) |
સેન્ટ્રલ | 7 |
રાંદેર | 4 |
કતારગામ | 21 |
વરાછા (એ) | 37 |
વરાછા (બી) | 21 |
લિંબાયત | 1 |
અઠવા | 4 |
ઉધના | 3 |
વરસાદનાં પગલે પાણી ભરાતા ટ્રાફિક જામ
શહેરમાં ભારે વારસાદના પગ્લેવ ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વરાછાના બ્રીજ પર ટ્રાફિક જમા થતા ગાડીઓની લાંબી કતારો લાગી હતી.
ખેડૂતોમાં ખુશીની લહેર
ધીમી ધારે વરસતા વરસાદને લઈને શહેરના અને આસપાસના ખેડૂતોને રાહતની લાગણી થઈ છે. ખેડૂતો કાચુ સોનું વરસી રહ્યાની લાગણી અનુભવી રહ્યાં છે. જોકે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૂપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલ વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે આશિર્વાદ સમાન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.
વલસાડમાં પણ સાંબેલાધાર વરસાદથી સવર્ત્ર પાણી-પાણી
વલસાડમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદનાં પગલે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના છીપવાડ, MG રોડ, અબ્રામા વિસ્તાર, તીથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. MG રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી. વીજળીના કડાકાભડાકા સાથે સાંબેલાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.