હિમાચલ પ્રદેશમાં વરસાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અત્યારસુધીમાં ચોમાસાની ઋતુ દરમિયાન 106 લોકોના મોત થયા છે અને રાજ્યને આશરે રૂ.1000 કરોડનું આર્થિક નુકસાન થયું છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને પૂરથી થયેલા નુકસાનની વિગત આપી છે.
શિમલા, બિલાસપુર અને સોલનમાં તા.15 જુલાઇ મંગળવારે ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તા.21 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં તા.16 જુલાઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થયો છે, જ્યારે ઉના અને ધૌલાકુઆમાં તાપમાન 32.5°C નોંધાયું છે.
પત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) ના જણાવ્યા અનુસાર તા.20 જૂનથી તા.15 જુલાઈ દરમિયાન થયેલા મૃત્યુમાંમાંથી 62 લોકો સીધા કુદરતી આફતો જેવી કે ભૂસ્ખલન, વાદળ ફાટવું, અચાનક પૂર, ડૂબવું, વીજળી પડવી જેવી ઘટનાઓમાં મોતને ભેટ્યા છે. જ્યારે 44 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. વાદળ ફાટવાથી 15, ઊંચાઈ પરથી પડી જવાથી 12, ડૂબવાથી 11, અચાનક પૂરથી 8, વીજળી અને સાપ કરડવાથી 5-5, અને ભૂસ્ખલન તથા આગથી 1-1 વ્યક્તિના મોત થયા છે.
વરસાદના કારણે 384 જેટલા ઘરો સંપૂર્ણ અને 666 જેટલા ઘરો અંશતઃ નુકસાન પામ્યા છે. ઉપરાંત, 244 દુકાનો અને 850 પશુઓના વાડાને નુકસાન થયું છે. પીવાના પાણીની 171 યોજનાઓ બંધ થઈ છે, જેમાં મંડી જિલ્લામાં સૌથી વધુ 142, કાંગડામાં 18 અને સિરમૌરમાં 11 પ્રભાવિત યોજનાઓ છે.
રાજ્યમાં કુલ 199 રસ્તાઓ બંધ થયા છે, જેમાંથી મંડીમાં 141, કુલ્લુમાં 35 અને કાંગડામાં 10 રસ્તાઓ છે. સરકાર માર્ગો ફરી ખોલવા માટે ઝડપથી કામગીરી હાથ ધરી રહી છે.
આ સ્થિતિ હિમાચલ માટે ચિંતા જનક બની છે અને તાત્કાલિક રાહત તેમજ પુનઃસ્થાપન માટે કેન્દ્રની સહાય જરૂરી બની છે.