દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વરસાદનું જોર નરમ પડ્યું છે અને ગરમીએ માથું ઉંચક્યું છે. દક્ષિણ ગુજરાતના લોકો આકરા તાપ અને બફારાનો સામનો કરી રહ્યાં છે, ત્યારે લોકોને રાહત આપતી આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ નબળી પડી છે. જેના કારણે રાજ્યમાં વરસાદ ઘટ્યો છે. પરંતુ તા.14 સપ્ટેમ્બરથી ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે તા.14થી 16 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને 5થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
કયા જિલ્લાઓમાં વધારે અસર?
તા.14 સપ્ટેમ્બરે: સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

તા.15 સપ્ટેમ્બરે: વરસાદનું જોર વધીને છોટાઉદેપુર અને નર્મદા સુધી ફેલાશે, સાથે સાથે દક્ષિણના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે.

તા.16 સપ્ટેમ્બરે: મુખ્યત્વે નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે.

હવામાન વિભાગની સૂચના
વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. પરંતુ દક્ષિણમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. ખાસ કરીને ત્રણ દિવસ બાદ વરસાદી સિસ્ટમ મજબૂત બનતાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થશે.
લોકો માટે ચેતવણી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસીઓને જરૂરી પગલાં લેવા જણાવાયું છે. તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના લોકોને ફરી એકવાર મોટા વરસાદ માટે ચેતવણી અપાઈ છે. જેથી લોકો સાવચેતી રાખે.