National

રાજસ્થાનમાં વરસાદથી તબાહી: સવાઈ માધોપુરમાં ડેમ ઓવરફ્લો, જમીન 55 ફૂટ નીચે ધસી ગઈ

રાજસ્થાનમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ભારે વરસાદને લીધે સવાઈ માધોપુરમાં સુરવાલ ડેમ ઓવરફ્લો થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડેમમાંથી નીકળેલા પાણીના દબાણને કારણે જડાવટા ગામની નજીક જમીન ધસી પડી અને લગભગ 2 કિલોમીટર લાંબી, 100 ફૂટ પહોળી અને લગભગ 55 ફૂટ ઊંડી ખાઈ બની ગઈ છે. આ ખાડાના કારણે આસપાસના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે.

ખેતરોમાંથી પસાર થતું પાણી ગામની તરફ વળતાં બે ઘર, બે દુકાનો અને બે મંદિરો ધરાશાયી થઈ ગયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સતત વરસતા વરસાદને કારણે માટીનું ધોવાણ રોકવું હવે અશક્ય બન્યું છે. નિષ્ણાતો પણ ચેતવણી આપી રહ્યા છે કે જો વરસાદ આ જ રીતે ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

સેના અને રાહત દળો તૈનાત કરવામાં આવ્યા
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સેનાની ટીમો અને એનડીઆરએફના રાહત દળોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ખાડાની આસપાસના ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે જેથી કોઈ જાનહાનિ ન થાય. વહીવટી અધિકારીઓ પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

કેબિનેટ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
જ્યારે જમીન ધસી જવાના સમાચાર ફેલાયા ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કરોરી લાલ મીણા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓને મશીનોની મદદથી પાણીને બીજી દિશામાં વાળવાની સૂચના આપી હતી. જોકે ગ્રામજનોનું કહેવું છે કે આ સમયે ધોવાણ રોકવું લગભગ અશક્ય છે.

અન્ય વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે
રાજસ્થાનના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. કોટા, બુંદી, સવાઈ માધોપુર અને ઝાલાવાડ જેવા વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે. કોટાના હરિજી કા નિમોડા ગામ સહિત દિગોદ સબડિવિઝનમાં 400થી વધુ કાચાં અને કોંક્રિટના મકાનો ધરાશાયી થઈ ગયા છે. જોકે કેટલાક ગામડાંઓ પાણીમાં ડૂબી ગયાં છે અને ઘણા વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે.

આમ રાજસ્થાનમાં વરસતા વરસાદને કારણે કેટલાક વિસ્તારોનું જનજીવન ઠપ થઈ ગયું છે. ખેતરો, ઘર, દુકાનો અને મંદિરોને થયેલા નુકસાનથી લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વરસાદ થંભે તેવી રાહ સાથે સૌની નજર વહીવટી તંત્રની કામગીરી પર છે.

Most Popular

To Top