અમદાવાદ: ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રી સુધી પહોંચી ગયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૭ એપ્રિલથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સૌથી ગરમી નોંધાવવા પામી છે. હવામાન વિભાગ મુજબ આગામી ૩ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અત્યારે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેમાં ખાસ કરીને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સૌથી વધુ ૩૫ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. અન્ય શહેરો પૈકી ભૂજ, ગાંધીનગર, વડોદરા, સુરત અને કેશોદમાં ૩૪ ડિગ્રી, જ્યારે નલિયા, ભાવનગર અને ડીસામાં ૩૧ થી ૩૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ મધ્ય પાકિસ્તાન અને આસપાસના પંજાબ વિસ્તારમાં 3.1 થી 4.5 કિમી ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ સાથે મધ્ય અને ઉચ્ચ ટ્રોપોસ્ફિયરમાં ટ્રફ લાઇન પણ સક્રિય છે, જેનો અક્ષ આશરે 73° પૂર્વ રેખાંશ અને 28° ઉત્તર અક્ષાંશના ઉત્તરમાં 5.8 કિમી ઊંચાઈએ વિસ્તરેલો છે. વધુમાં, 7 એપ્રિલથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરકારક બનવાની શક્યતા છે.
8 એપ્રિલે વરસાદનું ‘યલો એલર્ટ’
૭મી એપ્રિલથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે, જેની અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં વધુ જોવા મળશે. ખેડૂતોને આ વરસાદી આગાહીને ધ્યાને રાખી પકવેલો માલ સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ૮મી એપ્રિલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેના માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત રિજન: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર.
- સૌરાષ્ટ્ર-કચ્છ: જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.