નવસારી : નવસારી (Navsari) તાલુકાના મોલધરા ગામે ભારે પવનો ફૂંકાતા વૃક્ષો (Tree) ધરાશયી થયા હતા અને ઘણા ઘરોના પતરાઓ ઉડી જતા નુકશાની વેઠવી પડી હતી. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સવારથી બપોર દરમિયાન વાતાવરણ ખુલ્લું રહેતા ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. પરંતુ બપોર બાદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવી જતા વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે.
ગત રોજ પણ જિલ્લામાં બપોરે વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાતા જિલ્લામાં બપોરે જ રાત પડી ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. સાથે જ કડાકા-ભડાકા અને ભારે પવનો સાથે વરસાદ પડ્યો હતો. નવસારી તાલુકાના મોલધરા ગામે ભારે પવનો સાથે વરસાદ પડતા ગામના લોકોએ નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. ગામમાં 10 જેટલા વૃક્ષો ધરાશયી થયા હતા તેમજ 11 થી 12 જેટલા સરકારી આવાસો અને ઘરોના પતરાઓ ઉડી જતા અસરગ્રસ્તો છત વિનાના થઇ ગયા હતા. જેના પગલે ઘરવખરીના સામાનને પણ નુકશાન થયું હતું.
નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે. સવારથી બપોર દરમિયાન નવસારીમાં ગરમી અને બફારો રહેતો હોય છે. જ્યારે બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જતા વાદળો ઘેરાઈ જતા સાંજે રાતનો અનુભવ થઇ રહ્યો છે. જોકે જિલ્લામાં માત્ર વરસાદી છાંટા જ પડ્યા હતા. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલ્ટાને પગલે નવસારીમાં મહત્તમ તાપમાન અઢી ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડતા ગરમી અને બફારાથી રાહત મળી હતી. શનિવારે સાંજે 6 વાગ્યેથી રવિવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, વાંસદા તાલુકામાં 12 મિ.મી. (0.5 ઇંચ), જલાલપોર તાલુકા અને નવસારી તાલુકામાં 8-8 મિ.મી. તેમજ ખેરગામ તાલુકામાં 3 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જયારે ગણદેવી અને ચીખલી તાલુકો સૂકો રહ્યો હતો.
લાડવીમાં કાર પર, તલાવડીમાં ઘર પર વૃક્ષ તૂટી પડ્યું
કામરેજ : કામરેજ તાલુકામાં શનિવારના રોજ સાંજે ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો, કોસમાડી પાટીયાથી કોસમાડી ગામ તરફ જતાં રસ્તા પર અને માંકણા ગામ પાસે અને ઉભેંળથી ખડુપુર જતાં રસ્તા પર અનેક વૃક્ષો તુટી પડ્યા હતા. ગામના લોકો તેમજ તંત્રએ તુટેલા વૃક્ષોને રોડની સાઈટ પર હટાવવાની કામગીરી કરી હતી. વૃક્ષો સાથે વીજલાઈનના તારો પણ અનેક જગ્યાએ તુટી જતાં વીજપુરવઠો ખોરવાયો હતો. જ્યારે લાડવી ગામમાં રહેતા રણજીતભાઈ શાંતુભાઈ પટેલની કાર પર અને તલાવડી ફળિયામાં રહેતા હળપતિના ઘર પર ઝાડા પડતા નુકસાન થયું છે.