સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ડાંગમાં ક્યાંક ધોધમાર વરસાદ (Rain) તો ક્યાંક મધ્યમ વરસાદ નોંધાયો છે. ડાંગમાં ગતરોજ દિવસ દરમ્યાન હળવા તડકાની સાથે વરસાદ નોંધાયો હતો. આજરોજ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત સુબિર પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.
રવિવારે ડાંગ જિલ્લાનાં આહવા પંથકનાં ગામડાઓમાં દિવસ દરમ્યાન ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. જ્યારે વઘઇ પંથક વરસાદ વિના કોરોકટ જોવા મળ્યો હતો. રવિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા અહીના સમગ્ર સ્થળોનું વાતાવરણ મનમોહક બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સૌથી વધુ સુબિર પંથકમાં 33 મિમી અર્થાત 1.32 ઈંચ, સાપુતારા પંથકમાં 21 મિમી અને આહવા પંથકમાં 02 મિમી વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં વાદળો ઘેરાતા સાંજે જ રાતનો અનુભવ
નવસારી : નવસારી જિલ્લામાં સવારે ગરમી અને બફારો રહ્યા બાદ બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે. જેથી સાંજ જિલ્લામાં અંધારપટ છવાઈ ગયું હતું. જોકે માત્ર વરસાદી છાંટા જ પડ્યા હતા. મહત્તમ તાપમાનમાં અઢી ડિગ્રી અને અને લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડ્યું હતું. હાલમાં આવી રહેલા વાતાવરણના પલ્ટાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે. સવારથી બપોર દરમિયાન નવસારીમાં ગરમી અને બફારો રહેતો હોય છે. જ્યારે બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જતા વાદળો ઘેરાઈ જતા સાંજે રાતનો અનુભવ થઇ રહ્યો છે. જોકે જિલ્લામાં માત્ર વરસાદી છાંટા જ પડ્યા હતા. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલ્ટાને પગલે નવસારીમાં મહત્તમ તાપમાન અઢી ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડતા ગરમી અને બફારાથી રાહત મળી હતી.
શનિવારે સાંજે 6 વાગ્યેથી રવિવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, વાંસદા તાલુકામાં 12 મિ.મી. (0.5 ઇંચ), જલાલપોર તાલુકા અને નવસારી તાલુકામાં 8-8 મિ.મી. તેમજ ખેરગામ તાલુકામાં 3 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જયારે ગણદેવી અને ચીખલી તાલુકો સૂકો રહ્યો હતો. નવસારીમાં રવિવારે મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું હતું. તેમજ લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 23.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દિવસ દરમિયાન 6.7 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.