બારડોલી: બારડોલી (Bardoli) સહિત સુરત (Surat) જિલ્લામાં 26મી સુધી મધ્યમ વરસાદ (Rain) અને ત્યારબાદ હળવા વરસાદની સંભાવના સેવાઇ રહી છે. સુરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા ખેતી માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સુરત જિલ્લામાં આગામી દિવસો દરમિયાન વધુ વરસાદ અને પવનની ઝડપ વધુ રહેવાની સંભાવના હોય ખેડૂતોને ખેતરમાં પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને શેરડીના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેળના પાકમાં મહત્તમ નુકસાન થવાની શક્યતા હોય અને કેળાંની લૂમ પાકવાની અવસ્થાએ હોય તેને ટેકો આપીને મહત્તમ નુકસાન ટાળી શકાશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
બારડોલીમાં 25 અને 26 જૂન દરમિયાન મધ્યમ વરસાદ અને ત્યારબાદ હળવો વરસાદ પડી શકે છે. તેમજ સરેરાશ 13થી 21 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ દિશામાં પવન ફુંકાવાની સંભાવના છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ બે દિવસો દરમિયાન જિલ્લામાં સરેરાશ દોઢથી બે ઇંચ વરસાદ પડી શકે છે.
ડાંગ જિલ્લામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સાપુતારા : ડાંગ જિલ્લામાં ધીમે ધીમે ચોમાસાની ઋતુનો માહોલ જામી રહ્યો છે. ડાંગ જિલ્લામાં જૂન મહિનાનાં બીજા સપ્તાહથી છૂટો છવાયા વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદી માહોલ જામતા ડાંગનાં મોટા ભાગનાં ખેડૂતોએ ડાંગર સહિત અન્ય ધાન્યોનાં બિયારણને ખેતરોમાં ઓરી દીધા છે. શુક્રવારે ડાંગ જિલ્લાનાં સુબિર સહિત આહવા પંથકનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. શુક્રવારે સુબિર પંથકમાં સાડા ત્રણ ઈંચ અને આહવા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સીઝનમાં બીજી વખત પુર્ણા નદી સહિત જંગલ વિસ્તારમાં આવેલ વહેળાઓ, ઝરણાઓ ડહોળા નીરની સાથે ધસમસતા જોવા મળ્યા હતા. જ્યારે વઘઇ સહિત સાપુતારા પંથકનાં ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં શુક્રવારે દિવસ દરમ્યાન ઝરમરીયા સ્વરૂપેનો વરસાદી માહોલ જામ્યો હતો. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ઝરમરીયા વરસાદી માહોલની સાથે ગાઢ ધૂમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાતાવરણ આહલાદક બન્યુ હતુ. સાપુતારા ઘાટમાર્ગમાં પણ શુક્રવારે સમયાંતરે ગાઢ ધૂમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહનચાલકોને વાહનોની હેડલાઈટ ચાલુ રાખી હંકારવાની નોબત ઉઠી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનાં 12 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 20 મીમી, વઘઇ પંથકમાં 31 મીમી અર્થાત 1.24 ઈંચ, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 81 મીમી અર્થાત 3.24 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.