સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં બુધવારે બપોરબાદ થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ (Rain) તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ ગતરોજથી ફરીથી મેઘો જામ્યો છે.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક અસહ્ય ગરમીનો ઉકળાટ તો ક્યાંક ઝરમરીયો વરસાદ તો ક્યાંય મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ ખાબકી રહ્યો છે. બુધવારે બપોર સુધી ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ સહિતનાં સરહદીય ગામડાઓમાં અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. બપોરબાદ 4 પછીનાં સુમારે સરહદીય પંથકો તેમેજ ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ સહિતનાં પંથકમાં બપોરબાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે પડેલા ધોધમાર વરસાદનાં પગલે ગામડાઓમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. ગિરિમથક સાપુતારા સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં થોડાક સમય માટે વરસાદી માહોલે રમઝટ બોલાવતા અંબિકાનાં જળ સ્તર વધ્યા હતા. બાદમાં ગિરિમથક સાપુતારા,આહવા અને વઘઇ પંથકમાં મોડી સાંજે વરસાદી માહોલ ખુલી જતા વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.
નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો
નવસારી : નવસારીમાં આજે મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં વધુ અડધો ડિગ્રી વધારો નોંધાયો હતો. આજે વાદળછાયું વાતાવરણ રહેતા લોકો બફારાથી અકળાયા હતા. બુધવારે નવસારીમાં મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી વધતા 34.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધતા 24.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 56 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 1.2 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાયો હતો.