ઉમરગામ : એક અઠવાડિયાથી ઉમરગામ તાલુકામાં મેઘરાજા (Rain) મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા ભાગો અને બિસ્માર બનેલા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
ઉમરગામ તાલુકામાં સોમવારથી શરૂ થયેલા વરસાદને આજે એક અઠવાડિયું થવા છતાં વિરામ લેવાનું નામ લેતો નથી. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. રવિવારથી તે સોમવારે સવારે આઠ વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાકમાં 147 મી.મી (6 ઇંચ) જેટલો વરસાદ પડ્યો છે અને આખો દિવસ વરસાદી મોટા ઝાપટા અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ 2575 મીમી (103 ઈંચ) જેટલો નોંધાવા પામ્યો છે.
સતત વરસાદના કારણે ઉમરગામ શહેર અને તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં તથા ભીલાડ રેલવે ગળનારામાં વરસાદી પાણી ભરાતા લોકો વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી. વરસાદના કારણે ઉમરગામ ટાઉન સ્ટેશન રોડ સંજાડ રોડ ધોવાતા મસ મોટા ખાડાઓ રસ્તા ઉપર પડી ગયા છે. જેથી વાહન ચાલકો ભારે તોબા પુકારી રહ્યા છે. સરકારી તંત્ર સ્ટેટ માર્ગ મકાન ખાતુ વરસાદ સામે લાચાર સાબિત થઈ રહ્યું છે. એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો હોય ખાડા પુરવાની કે માર્ગના રિપેરીંગની કામગીરી ઠપ્પ છે.
ડાંગમાં સાર્વત્રિક વરસાદથી વૃક્ષો ધરાશાયી, ત્રણ પશુના મોત
સાપુતારા : ડાંગ જિલ્લામાં આજે પડેલા ધોધમાર વરસાદનાં પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં પાણીની આવક વધતા ગાંડીતુર બની હતી. અંબિકા અને ગીરા નદી ગાંડીતુર બનતા વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો મનમોહક બની જવા પામ્યા હતા. ઉપરાંત સાત કોઝવે અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
જિલ્લામાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદને પગલે ટાંકલીપાડા (પીપલાઈદેવી) ગામનાં પશુપાલક ગિરીશ સૂર્યવંશીનો પાડો પાણીમાં ડૂબી ગયો હતો. તો ડોન ગામનાં મનકા ચૌધરીનાં એક બળદ ઉપર વીજળી પડતા તેનુ મૃત્યુ નોંધાયુ છે. જ્યારે કામદ ગામનાં પશુપાલક બુધયા ગાવીતનાં બળદનું વરસાદને કારણે મૃત્યુ નોંધાવા પામ્યુ છે. વીજ વિભાગનાં આહવાનાં ઇજનેર વિજય પટેલનાં જણાવ્યા અનુસાર વરસાદને કારણે ગ્રામીણ અને વન્ય વિસ્તારોમાં ઠેર ઠેર વીજલાઇન અને વીજપોલ ઉપર વૃક્ષો ધરાશાઇ થવાનાં બનાવો નોંધાઈ રહ્યા છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 73 મિમી અર્થાત 2.92 ઈંચ, વઘઇ પંથકમાં 74 મિમી અર્થાત 2.96 ઈંચ, સુબિર પંથકમાં 75 મિમી અર્થાત 3 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારામાં 78 મિમી અર્થાત 3.12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.