ગાંધીનગર : વેસ્ટર્ન ડિસ્બન્સની અસર હેઠળ ગુજરાતમાં આવતીકાલે તા.4થી એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા રાજયમાં વરસાદનું યલ્લો એલર્ટ જારી કરાયુ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ,આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયના 18 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. ખાસ કરીને આજે દ્વારકાના કલ્યાણપુરમાં 1 ઈંચ , ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં પણ 1 ઈંચ વરસાદ થયો છે. ભાવનગરમાં 17 મીમી , દ્વારકાના ખંભાળિયામાં 16 મીમી , ભાવનગરના ઘોઘામાં 16 મીમી , ઓખા મંડળમાં 7 મીમી , પાટણમાં 6 મીમી , અંજારમાં 5 મીમી , મુંદ્રામાં 5 મીમી , પાટણના સરસ્વતીમાં 5 મીમી , ગાંધીધામમાં 4 મીમી , લાલપુરમાં 3 મીમી , સિદ્ધપુરમાં 3 મીમી , ભાણવડમાં 2 મીમી, પાલનપુરમાં 2 મીમી ,તાલાલામાં 1 મીમી અને મહેસાણાના સતલાસણામાં 1 મીમી જેટલો વરસાદ થયો છે.
વરસાદનું યલો એલર્ટ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગર ખાતે સર્વોચ્ચ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળશે. જોકે, ૭ એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને અસર કરે તેવી શક્યતા છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે. વરસાદી માહોલને જોતા ખેડૂતોને માલ-સામાન સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત ગાંધીનગર અને વડોદરામાં 36 ડિગ્રી, રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 34 ડિગ્રી, પોરબંદર, કેશોદ અને મહુવામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.કચ્છ વિસ્તારમાં ભુજમાં 31 ડિગ્રી, નલિયા અને કંડલામાં 32 થી 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત ડીસામાં 34 ડિગ્રી અને દમણમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાનની પરિસ્થિતિ અંગે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં નીચલા સ્તરે ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. તેમજ પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) હાલ દક્ષિણ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વિસ્તારમાં સક્રિય છે, જ્યારે 7 એપ્રિલથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવું પશ્ચિમ વિક્ષેપ અસરકારક બનવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે, ત્યારબાદ ખાસ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આજે કરા પડશે, ગાજવીજ અને પવન સાથે વરસાદ
હવામાન વિભાગે 4 એપ્રિલ માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવો થી મધ્યમ વરસાદ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.તે જ રીતે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ૩૦-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ખાસ કરીને દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ અને કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે.