પારડી : પારડી (Pardi) પંથકમાં આજે મેઘરાજાની ધમાકેદાર 3.2 ઇંચ વરસાદની (Rain) બેટિંગ અને સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના માર્ગો (Road) અને હાઈવે (Highway) પર પાણી ભરાયા અને રસ્તાઓ પર વૃક્ષો ધરાશાઈ થયા હતા. સોમવારે સવારથી અવિરત પણે વરસી રહેલા વરસાદને કારણે પારડીમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેમાં પારનદી ચંદ્રપુર હાઈવે બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હાઈવે ઓથોરીટીને બેદરકારીને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પારડી પોલીસ કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાઇવે પર લાકડીનાં દંડા વડે પાણીના નિકાલ માટે કામગીરી કરતા જોવા મળ્યા હતા. હાઇવે ઓથોરિટીની આવી બેદરકારીને લઇ માત્ર બે દિવસ પડેલા વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ત્યારે આગામી સમયમાં ભારે વરસાદમાં હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવશે તેવી બૂમ ઉઠી હતી. ભારે વરસાદથી હાઇવે તેમજ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા હતા. જો કે આજે પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી.
ચીખલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદથી સર્વિસ રોડ પર પાણી ભરાયા
ઘેજ : ચીખલી પંથકમાં દિવસ દરમ્યાન દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા. સીઝનની શરૂઆતમાં પ્રથમવાર નોંધપાત્ર વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદની છવાયો હતો. ચીખલી તાલુકામાં વહેલી સવારમાં ઝરમર ઝરમર વરસાદ બાદ બપોરના સમયે મેઘરાજાએ આક્રમક રૂપ ધારણ કરતા બપોરે બારેક વાગ્યાના ચાર કલાકમાં જ 39 મી.મી. જેટલો વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા. તો ચીખલીના મુખ્ય માર્ગો તથા હાઇવેના સર્વિસ રોડ પર પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. જો કે બાદમાં વિરામ લેવા સાથે વાતાવરણ ખુલી ગયું હતું. ચીખલીમાં નોંધપાત્ર વરસાદ વરસતા વાતાવરણમાં તાપમાનનો પારો નીચે જતા ગરમીમાં પણ લોકોને રાહત થવા પામી હતી. તાલુકામાં આજે દિવસ ભર 41 મી.મી. વરસાદ સાથે સીઝનનો ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
બીલીમોરામાં ચોમેર વરસાદથી લોકમાતાઓમાં નવા નીર આવ્યા
બીલીમોરા : બીલીમોરામાં સોમવારે સાંજે વીતેલા 24 કલાકમાં વધુ દોઢ ઇંચ (40મીમી) સાર્વત્રિક વરસાદ સાથે સિઝનનો ત્રણ ઇંચ (73મીમી) વરસાદ વરસ્યો હતો. અંબિકા નદી 3.390 મીટર જળ સપાટીએ બે કાંઠે વહેતી જોવાઈ હતી.
બીલીમોરામાં સોમવારે ખૂબ સારો વરસાદ વરસતા ચોમેર વરસાદી માહોલ બની ગયુ છે. તે સાથે તાલુકામાં શનિવારથી ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લોકમાતા અંબિકા, કાવેરી વેગણિયા અને પનિહારી નદીમાં નવા પાણી આવ્યા હતા. ખેડૂતો ડાંગર વાવણીમાં જોતરાયાં હતા. વરસાદી વાતાવરણ વચ્ચે બીલીમોરા વિઠ્ઠલ નગર લગોલગ કબ્રસ્તાનની 20 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી, તો રેલવે અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાવા સાથે કાદવના થર જામ્યા હતા. સોમવાર બપોરે 12થી2 કલાક વચ્ચે સાંબેલાધાર 27 મીમી પાણી પડતા સીઝનમાં પ્રથમ વેળા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું.