સુરત(Surat): મુંબઇથી (Mumbai) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસને હવે છેક ગાંધીનગર (Gandhinagar) સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનને (Train) રેલ રાજ્યમંત્રી દર્શના જરદોસે (Darshna Jardosh) સુરત રેલવે સ્ટેશનથી (Surat railway station) લીલીઝંડી આપી હતી.
દક્ષિણ ગુજરાતના લોકોની વર્ષો જૂની માંગ હતી કે, શતાબ્દી એક્સપ્રેસને અમદાવાદની બદલે ગાંધીનગર સુધી લંબાવવામાં આવે. હાલમાં દેશના રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ છે ત્યારે તેઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતને રેલ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી હતી. તા. 24મી ડિસેમ્બરને શુક્રવારે સવારે 9 વાગ્યે શતાબ્દી એક્સપ્રેસ સુરત રેલવે સ્ટેશન ઉપર આવી હતી. આ દરમિયાન અહીં રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓએ શતાબ્દી એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી. આ અંગે માહિતી આપતા દર્શના જરદોશે કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં પશ્ચિમ રેલવે વિભાગ નવીનીકરણ તેમજ આધુનીકરણ તરફ વધી રહ્યું છે. ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેનની સંખ્યા પણ વધારવામાં આવી છે. સુરતથી લોકો સીધા જ ગાંધીનગર સમયસર પહોંચી શકે તે માટે શતાબ્દી એક્સપ્રેસને લંબાવવામાં આવી છે. હવે અમદાવાદ ગાંધીનગર જવા માટે જે વધારાના સમયનો વ્યય થતો હતો તે હવે અટકશે અને મુસાફરો સીધા જ અમદાવાદ પહોંચી શકશે.
અપડાઉન કરનારા માટે વિરાર અને બાંદ્રાથી સુરત અને વલસાડની ટ્રેનો શરૂ કરાઈ
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, અપડાઉન કરીને રોજગારી મેળવતા લોકો માટે પણ આગામી સોમવારથી વિરારથી સુરત, વિરારથી વલસાડ, વિરારથી વાપી, બાંદ્રાથી વાપી અને બાંદ્રાથી વલસાડની ટ્રેન શરૂ કરવામાં આવશે.