સુરત: વેસ્ટર્ન રેલવે તથા તેના મુંબઇ ડિવિઝન(MUMBAI DIVISION)ના અધિકારીઓ દ્વારા ઉત્રાણથી ભેસ્તાન વચ્ચે કમ્પાઉન્ડ વોલ નહીં બનાવતા લોકો માટે અકસ્માત (ACCIDENT) અને આપઘાતના કિસ્સા ચોંકાવનારી રીતે વધી રહ્યાં છે. વર્ષ 2021ના 1 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન 30 લોકોએ રેલવે ટ્રેન (TRAIN) હેઠળ અકસ્માત અથવા આપઘાતથી મોત થયું છે. જેમાંથી 17 લોકોની તો હજી ઓળખ પણ થઇ નથી. શહેરના કયાં વિસ્તારમાંથી રેલવેમાં કોણ આપઘાત કરવા આવે છે તે પોલીસ માટે કપરો રસ્તો છે. છેલ્લા દાયકાથી આ મામલે કમ્પાઉન્ડ વોલ (COMPOUND WALL) બનાવવાની વાતો કરવામાં આવી રહી છે. આ માટે જે તે સમયે કોન્ટ્રાકટની વાતો પણ થઇ હતી. આ કમ્પાઉન્ડ વોલ બને તો લોકો રેલવે ટ્રેક ઓળંગે જ નહી. જેથી અકસ્માતની સંખ્યા ઘટી જ શકે. અંદાજે 40 કિમીની કમ્પાઉન્ડ વોલનો પ્રોજેકટ કાગળ પર (ON PAPER) જ રહેવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રેલવે બોર્ડ દ્વારા ટ્રેન અકસ્માત રોકવા માટે દર વર્ષે મંબઇ ડિવિઝન લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. વેસ્ટર્ન રેલવેની તમામ ગ્રાન્ટ મુંબઇ ડિવિઝન પાછળ વપરાય છે. સુરત કે ગુજરાતને ફદિયું પણ મળતું નથી. વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ માત્ર કાગળ પર ઉત્રાણથી ભેસ્તાન વચ્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની મોટી વાતો કરવામાં આવી રહી છે. આ માટે ભૂતકાળમાં દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. પરંતુ ઉધનાથી ઉત્રાણ વચ્ચેની વોલ કાગળ પર જ રહી છે. રેલવેની ટ્રેનો હેઠળ યુવક-યુવતિઓ પડતું મુકી આપઘાત કરી લે છે.
ચાલુ વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2021 વચ્ચે 30 લોકોએ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો છે. રેલવે પોલીસ દ્વારા પણ અકસ્માત મોતની નોંધ લઇ તપાસ કરવામાં આવે છે. પરંતુ તેમાં પણ બે-પાંચ દિવસ તપાસ કર્યા બાદ પણ પોલીસ બીજા કામ પાછળ દોડે છે. આના કારણે 30 પૈકીના 17 મૃતદેહ એવા છે કે જેની ઓળખ પણ થવા પામી નથી. 50થી 60 ટકા લોકોના હજી નામ ખુલ્યા નથી. અકસ્માત મોતનો રેકોર્ડ રેલવેના મુંબઇ ડિવિઝન અને વેસ્ટર્ન રેલવે સુધી પહોંચે છે. પરંતુ આ અકસ્માતોને અટકાવવાં માટે હજી સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી. વેસ્ટર્ન રેલવેના સિવિલ એન્જિનિયર ઉચ્ચ અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર કાગળ પર જ વાતો કરવામાં આવી રહી છે.
2020માં પણ 187 લોકોએ ટ્રેન હેઠળ જીવ ગુમાવ્યો
ગત વર્ષ 2020ની વાત કરીએ તો 187 લોકોએ ઉત્રાણથી ભેસ્તાન વચ્ચે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો છે. નવાઇની વાત એ છે કે, ગત માર્ચ મહિનાથી ઓકટોબર મહિના સુધી કોવિડ-19ની કામગીરીના કારણે ટ્રેન વ્યવહાર બંધ રહેતા મોતનો આંકડો ઓછો છે. જો ટ્રેનો તેના ટાઇમ મુજબ દોડત તો મોતનો આંકડો વધારે હોત.
શું કહે છે રેલવે
સચિનથી ભેસ્તાન વચ્ચે હાલમાં કમ્પાઉન્ડ વોલનું કામ ચાલે છે તે પૂરૂં થતાં આ કામગીરી આગળ ધપાવવામાં આવશે. રેલવેના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા આ વિગત જણાવવામાં આવી હતી.