સુરત : મુંબઇ (Mumbai)માં જે લોકોએ વેક્સિન (vaccine)ના બે ડોઝ લીધા છે તે લોકોને સબઅર્બન ટ્રેનમાં જવા માટે મંજૂરી આપી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં શાળાઓ શરૂ થઇ ચૂકી છે પરંતુ અપડાઉન (Up down) માટે પચ્ચીસ કરતા વધારે ટ્રેનો (Trains) હજુ સુધી વેસ્ટર્ન રેલવે (Western railway) દ્વારા શરૂ કરવામાં આવી નથી.
દક્ષિણ ગુજરાતના હજારો લોકો ટ્રેન શરૂ નહીં થતા હેરાન પરેશાન છે પરંતુ સુરત રેલવેનું કોઇ બેલી જ નહીં હોવાને કારણે હજારો લોકો હેરાન થઇ રહ્યા છે. જો સુરત ડિવિઝન હોત તો અત્યાર સુધી આ નિર્ણય લેવાઇ ચૂકયો હોત. વલસાડ, નવસારી, વાપી, સુરત, ભરૂચ, અંકલેશ્વર અને આ વિસ્તારોમાં આવેલા નાના મોટા ગામોમાં અંદાજે ચાલીસ હજાર લોકો જયારે કોવિડ નહીં હતો ત્યારે અપડાઉન કરતા હતાં. એક અંદાજ પ્રમાણે મેમૂ ટ્રેન, શટલ ટ્રેન, ઇન્ટરસિટી ટ્રેનો, મેઇલ, ગુજરાત ક્વિન , ગુજરાત એકસ્પ્રેસ, ભિલાડ એકસ્પ્રેસ, જામનગર ઇન્ટરસિટી, બાન્દ્રા ઇન્ટરસિટી જેવી પચ્ચીસ જેટલી ટ્રેનોમાં અંદાજે આ શહેરોમાંથી સરવાળે દોઢ થી બે હજાર લોકો કુલ મળીને ચાલીસ હજાર જેટલા લોકો અપડાઉન કરે છે.
છેલ્લા બે વર્ષથી આ અપડાઉન કોવિડને કારણે અટકી ગયું છે. દરમિયાન આ અપડાઉન હાલમાં શરૂ થઇ શકે તેમ છે પરંતુ સ્થાનિક રેલવે સત્તાધીશોને આ મામલે કોઇ રસ નથી. એક માત્ર ઝેડઆરયુસીસી મેમ્બર રાકેશ શાહ દ્વારા આ મામલે વેસ્ટર્ન રેલવેને ત્વરીત આ ટ્રેનો શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે . પરંતુ પ્રોપર ચેનલથી આ મામલે કોઇ રજૂઆત થઇ નથી. એટલેકે જો સુરતને રેલવે ડિવીઝન હોત તો કદાચ આ ચાલીસ હજાર લોકોની તકલીફ આ ટ્રેનો શરૂ કરીને કઢાવી શકાઇ હોત. ચેમ્બર ઓફ કોમર્સમાં રેલવે કમિટીના ચેરમેન રાકેશ શાહે જણાવ્યુંકે સુરતને રેલવે ડિવીઝન મળેતો ડીસીશન પ્રોસેસ ઝડપી બની શકે છે. આ ઉપરાંત રેલવે સતાધીશો મુંબઇ બેસે છે તેઓને સ્થાનિક સ્તરે કોઇ ખબર પડી રહી નથી. જો રેલવે ડિવિઝન હોયતો પ્રોપર માધ્યમથી આ રજૂઆત કરી શકાય અને તેનો નિવેડો લાવી શકાય.
હાલમાં તેઓ દ્વારા આ મામલે રેલવે મંત્રી દર્શનાબેન જરદોષને આ ટ્રેનો શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. હાલમાં એકજ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તે બાન્દ્રા ઇન્ટરસિટી છે. હજારો લોકો ના છૂટકે બસથી કે પછી ખાનગી વાહનોથી જવા માટે મજબૂર થઇ ગયા છે. સુરત રેલવે ડિવીઝન મળેતો ચાલીસ વર્ષથી કરવામાં આવી રહેલી માંગણી પૂર્ણ થવા પામશે.