જો હાલમાં દેશમાં છેલ્લાં 11 વર્ષથી ભાજપની સરકાર છે તો તેમાં મોટો ફાળો ગુજરાતનો છે. એવું નથી કે ગુજરાતના વધુ સાંસદો છે કે પછી ગુજરાતમાં મતદારો વધારે છે, પણ ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને ભાજપે વર્ષો સુધી પોતાના શાસન માટેનું મોડેલ રાજ્ય ગણાવ્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા પણ ભાજપ ગુજરાતને દેશનું મોડેલ રાજ્ય તરીકે ગણાવતું હતું. અન્ય કોઈ રાજ્યમાં ચૂંટણી હોય તો તેમાં પ્રચારમાં પણ ગુજરાતમાં ભાજપના શાસનનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. ગુજરાતમાં 1990માં ભાજપ અને જનતાદળની સહિયારી સરકાર બની હતી અને બાદમાં 1995માં ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી. ત્યારથી શરૂ કરીને ગુજરાતમાં ક્યારેય ભાજપે પાછું વળીને જોવું પડ્યું નથી.
એકમાત્ર 2017માં ગુજરાતમાં ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતિ બની હતી પરંતુ 17 વધુ સીટ લઈને ભાજપે સરકાર બનાવી લીધી હતી અને ત્યારબાદ 2022માં 156 સીટનો ભાજપનો રેકોર્ડ છે. ગુજરાત ભાજપ માટે એક મોટો ગઢ ગણાય છે પરંતુ હવે કોંગ્રેસે અને ખાસ કરીને રાહુલ ગાંધીએ ભાજપનો આ ગુજરાતનો ગઢ તોડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ગુજરાતમાં જો કોંગ્રેસ હારી હોય કે હારતી રહી હોય તો તેના માટે સૌથી વધુ જવાબદાર એકમાત્ર કોંગ્રેસ જ છે. કોંગ્રેસને જ્યારે જ્યારે જીતવાનો મોકો મળ્યો ત્યારે કોંગ્રેસીઓએ જ ગદ્દારીઓ કરી છે.
કોંગ્રેસના આ એવા ગદ્દારો છે કે જેમણે હોદ્દા માટે કોંગ્રેસમાં રહેવું છે અને નાણાં કમાવવા માટે ભાજપ સાથે ભાગીદારી કરવી છે. રાહુલ ગાંધીએ પણ તાજેતરમાં આજ વાત કરી છે. તાજેતરમાં ગુજરાતમાં કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન યોજીને દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટેની શરૂઆત ગુજરાતથી જ કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાહુલ ગાંધીએ લોકસભામાં એવો હુંકાર કર્યો હતો કે ભાજપને હું ગુજરાતમાં હરાવીશ. રાહુલ ગાંધીએ આ માટે પ્રયાસો શરૂ કર્યા છે. બે દિવસથી રાહુલ ગાંધી ગુજરાતમાં છે અને રાજ્યમાં કોંગ્રેસે જિલ્લા મોડલ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસ દ્વારા પાર્ટી ફંડના ઉપયોગનું મોડલ પણ બદલવામાં આવશે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કાર્યકર્તા સંમેલનમાં એવું જણાવ્યું કે, જે કાર્યકર જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરી શકે તેને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવશે. આ માટે કોંગ્રેસ દ્વારા બૂથ લેવલ પર કામ કરવામાં આવશે. જો સરકાર બની અને મંત્રી બનાવવાની વાત આવી તો પણ તેમાં જે તે વ્યક્તિ પોતાના વિસ્તારમાં કોંગ્રેસની કેટલી સીટ લાવી શક્યો તેના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે.
જો માત્ર નેતા જ જીત્યો અને તેના વિસ્તારની બેઠકો હાર્યો તો તેવા નેતાને મંત્રી બનાવવામાં આવશે નહીં. સિનિયર નેતાને પણ પૂછવામાં આવશે કે તમારો બૂથ નંબર કયો છે અને તેમને કેટલા મત મળ્યા છે. જિલ્લા પ્રમુખોનું સમયાંતરે મોનિટરિંગ થશે. જે જિલ્લાની મીટિંગમાં હાજર નહીં રહે તે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. વધુને વધુ મહિલાઓને હોદ્દેદારો તરીકે જોડવામાં આવશે. પાર્ટી ચલાવવા માટે જિલ્લા પ્રમુખને હપ્તે હપ્તે ફંડ મળશે અને જિલ્લા પ્રમુખ પણ ફંડ એકત્ર કરવાનું કામ કરશે. નવી જનરેશનને કોંગ્રેસમાં લાવવામાં આવશે.
સંગઠનના માધ્યમથી ઉમેદવાર નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ રહેશે અને બાદમાં તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. હવે જનતા માટે લડનાર જ કોંગ્રેસમાં નેતા બનશે. માત્ર નિવેદન આપનારાને નેતા બનાવવામાં આવશે નહીં. ભાજપ સાથે ભળેલાને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવશે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉક્ત વાતો કરીને કોંગ્રેસને મજબૂત કરવાની તૈયારીઓ કરી છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે હાલમાં પણ જે નેતાઓ છે તે કોઈપણ કાળે કોંગ્રેસને જીતાડી શકે તેમ નથી.
તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની પસંદગી કરવા માટે કોંગ્રેસના સીનિયર નેતાઓની યાદી તૈયાર કરી હતી પરંતુ જોવા જેવી વાત એ છે કે આ યાદીમાં એવા નેતાઓ છે કે જેઓ મહાપાલિકાની ચૂંટણી પણ જીતી શકે તેમ નથી. આટલું જ નહીં, આ યાદીમાં સંખ્યાબંધ એવા નેતાઓ છે કે જેણે ભૂતકાળમાં કોંગ્રેસની ટિકિટો વેચી છે. ભાજપ સાથે ભાગીદારી કરી છે. મોટાપાયે જુથવાદ ચલાવ્યો છે. જો આવા નેતાઓને નિરીક્ષક તરીકે મૂકવામાં આવશે તો સારા જિલ્લા પ્રમુખોની કેવી રીતે પસંદગી થશે તે મોટો પ્રશ્ન છે. રાહુલ ગાંધી ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ આવા નેતાઓને જ્યાં સુધી કોંગ્રેસમાંથી રવાના નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો ક્યારેય ઉદ્ધાર થવાનો નથી. દેશની વાત તો દૂર છે, કોંગ્રેસ ગુજરાતમાં પણ આગામી વિધાનસભા જીતી શકે તેમ નથી તે હકીકત છે.
