National

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થયા: કોંગ્રેસનું દેશભરમાં વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થયા છે. અને તેઓની પૂછપરછ શરુ કરાઈ છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ હાજર છે. કોંગ્રેસના નેતાઓ ED ઓફિસની બહાર ઉભા છે. ઘણા વરિષ્ઠ નેતાઓ પણ બહાર હાજર છે.  રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થવા હવાથી કોંગ્રેસ પાર્ટીના સમર્થકો દેશભરમાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવી રહ્યા છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે. આ મામલામાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ સોનિયા ગાંધી હાલમાં કોવિડ પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ છે. રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનેનોટીસ મોકલવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

આસિસ્ટન્ટ ડાયરેક્ટર લેવલના અધિકારી પૂછપરછ કરશે
EDનાં સૂત્રોનું માનીએ તો રાહુલની પૂછપરછ આસિસ્ટન્ટ ડાયરેક્ટર લેવલના અધિકારી કરશે. અન્ય લોકોની જેમ જ તેમની પૂછપરછ કરવામાં આવશે. તપાસ દરમિયાન રાહુલ તેમના મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહિ. આ સિવાય તેમના કોઈ સાથી નેતાને પણ EDની ઓફિસની અંદર એ સમયે જવાની પરવાનગી નથી.

EDએ સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે
EDએ રાહુલ ગાંધીની પૂછપરછ માટે સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે. લગભગ બે ડઝન સવાલ EDના અધિકારીઓ પૂછશે, જે તમામ નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા કંપની સાથે જોડાયેલા છે. રાહુલ ગાંધી યંગ ઈન્ડિયા કંપનીમાં તેમની માતા સોનિયા ગાંધીની સાથે 38-38%નો હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો કોંગ્રેસનેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસની પાસે છે. આ બંને નેતાનાં મૃત્યુ થયાં છે.

PM મોદી જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છેઃ દિગ્વિજય સિંહ
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે જ્યારે પણ ભાજપ અને મોદી ડરતા હોય છે ત્યારે તેઓ પોલીસને આગળ કરે છે. આગળ અમે જનતાની લડાઈ લડીશું. આ કોઈ કેસ નથી, શું કોઈ એફઆઈઆર છે? આ કેસ મોદી સરકારે 2014માં શરૂ કર્યો હતો અને તેમની સરકારે કોઈ પુરાવા ન મળતા આ કેસનો અંત લાવી દીધો હતો.

આ ક્યાં સુધી ચાલશેઃ અશોક ગેહલોત
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થવા પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે કયો આરોપ લગાવવામાં આવ્યો છે? આ આરોપ રાજકીય રીતે પણ ઘેરાયેલો છે. દેશભરમાં EDના દરોડા પડી રહ્યા છે. આ ક્યાં સુધી ચાલશે?

ભ્રષ્ટાચાર પણ સત્યાગ્રહ કરી શકે છે: સંબિત પાત્રા
કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, દુનિયા જોઈ રહી છે કે ભ્રષ્ટાચાર પણ કેવી રીતે ‘સત્યાગ્રહ’ કરી શકે છે. મહાત્મા ગાંધીએ વિશ્વને સત્ય માટે લડવાનું શીખવ્યું જ્યારે કોંગ્રેસે વિશ્વને ભ્રષ્ટાચાર સામે ઉજવણી કરવાનું અને લડવાનું શીખવ્યું. ગાંધી પરિવાર જામીન પર બહાર છે, આ કોઈ રાજકીય મામલો નથી.

રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધી માટે લખી ભાવુક પોસ્ટ
રાહુલ ED સમક્ષ હાજર થયો તે પહેલા તેના સાળા અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાએ એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેણે લખ્યું કે તમે નિઃશંકપણે તમામ પાયાવિહોણા આરોપોમાંથી મુક્ત થઈ જશો. મેં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે 15 વખત સમન્સનો સામનો કર્યો છે, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો છે અને મારી પ્રથમ કમાણીથી અત્યાર સુધીમાં 23,000 થી વધુ દસ્તાવેજો આપ્યા છે. તેણે આગળ લખ્યું કે હું માનું છું કે, “સત્યનો વિજય થશે”, અને પ્રવર્તમાન પ્રણાલીના આ જુલમ તેઓ ઇચ્છે તેવી અસર નહીં કરે. આ સરકાર દમનની આ પદ્ધતિઓથી દેશના લોકોને દબાવશે નહીં, તે આપણને બધાને મજબૂત માનવી બનાવશે. અમે સત્ય માટે લડવા માટે દરરોજ અહીં છીએ અને દેશની જનતા અમારી સાથે છે.

Most Popular

To Top