કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના નિવેદનોને કારણે સતત વિવાદોમાં આવતા રહ્યા છે. આ વિવાદો કોંગ્રેસ પક્ષને ફાયદો કરાવતા હોય તો ઠીક, પરંતુ તેમના નિવેદનો એવા હોય છે કે ભાજપના સમર્થક નહીં હોય તેવા હિન્દુઓ પણ તેમનાથી વિમુખ થઈ રહ્યા છે. એક વધુ વિવાદમાં તો તેમને હિન્દુ ધર્મમાંથી જ નિષ્કાસિત કરી દેવાનો નિર્ણય લેવાયો છે. પાછું થયું છે એવું કે ભાજપ અને નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી ગણાતા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં યોજાયેલી કુંભ મેળાની ધર્મ સંસદમાં આ ઠરાવ પસાર થયો કે રાહુલ ગાંધી તેમના નિવેદન બદલ માફી માગે અથવા તેમને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવશે.
આખો ઘટનાક્રમ એવો છે કે હાથરસની રેપ પીડિતા બાબતે સંસદમાં રાહુલ એવું બોલી ગયા કે આખા દેશના સાધુ સંતો નારાજ થઇ ગયા. ભાજપ વિરોધી શંકરાચાર્ય પણ તેમનો બચાવ કરી શક્યા નહીં. રાહુલ આજકાલ સમજ્યા વગર જયા મોકો મળે ત્યાં હિન્દુ દેવી દેવતા અને ધર્મગ્રંથોનો સંદર્ભ આપતા ફરે છે. તેમનું આ અધકચરું જ્ઞાન જ તેમને મુશ્કેલીમાં મૂકી છે. આ વખતે તેઓ મનુસ્મૃતિનો સંદર્ભ આપીને ફસાયા છે. હાથરસની વાત કરતા સંસદમાં રાહુલ એવું બોલ્યા કે રેપ પીડિતાનો પરિવાર તેના ઘરમાં પોલીસ પહેરા હેઠળ કેદ છે, જ્યારે આરોપીઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. છોકરીનો અંતિમ સંસ્કાર પણ થવા દીધો નહીં. સંવિધાનમાં ક્યાં લખ્યું છે કે જે બળાત્કાર કરે તે બહાર રહે અને રેપ પીડિતાના પરિવારને કેદ કરી દેવાય. આવું તમારા પુસ્તક મનુસ્મૃતિમાં લખ્યું છે પણ સંવિધાનમાં લખ્યું નથી.
હવે મનુસ્મૃતિમાં આવું લખ્યું છે એમ કહીને હિન્દુ ધર્મ પર પ્રહાર કરવામાં આવ્યો, તેથી કુંભ મેળામાં ડેરા તંબુ નાખીને બેઠેલા સાધુ સંતો ઉશ્કેરાઈ ગયા. ખુલ્લેઆમ યોગી આદિત્યનાથ અને ભાજપ પર માછલા ધોનાર અને જેમના પર કોંગ્રેસી હોવાનું લેબલ લાગ્યું છે તેવા શંકરાચાર્ય અવિમુકેતેશ્વરાનંદ દ્વારા જ રાહુલ ગાંધીની નિંદા કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. માફી નહીં માગે તો રાહુલને હિંદુ ધર્મમાંથી કાઢી મૂકવાની ચેતવણી આપવામાં આવી છે.
સ્વાભાવિક છે કે રાહુલ માફી નહીં જ માગે. ભાજપને રાહુલ હિન્દુ વિરોધી હોવાનો રાગ આલાપવા માટે વધુ એક મોકો મળશે. જોકે, હવે તો કોંગ્રેસના નેતાઓ જ ખાનગીમાં કહેવા લાગ્યા છે કે રાહુલ રાજકીય નફા નુકસાનને જોયા વગર અને પૂરતા અભ્યાસ વગર જે નિવેદનો કરે છે તેનાથી દેશના હિન્દુઓ અને સવર્ણો કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે. દિલ્હી જેવા રાજ્યમાં કોંગ્રેસને એકેય બેઠક મળી નથી. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી પછી સુધી આદરપાત્ર નામ વીર સાવરકરનું છે. લગાતાર સાવરકર વિરોધી નિવેદનો કરી પોતે તો નુકસાન કર્યું જ, પણ સાથી ઉદ્ધવ સેનાને પણ બચાવની સ્થિતિમાં મૂકી દીધી.
રાહુલ ગાંધીની રાજનીતિ છેલ્લા થોડા વર્ષોમાં જુઓ તો તેઓ કોંગ્રેસની નેહરુના સમયથી જે મધ્યમમાર્ગીય છાપ હતી તેના બદલે સાવ ડાબેરી વિચારધારા તરફ કોંગ્રેસને લઈ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમની ભાષા નક્સલીઓ જેવી થવા માંડી છે. તેઓ સંપત્તિને વહેંચવાની વાત કરે છે. ભારતને નેશનને બદલે યુનિયન ઓફ સ્ટેટ્સ કહે છે. પછાત વર્ગોના નામે જાતિવાદ કરતાં દેખાય છે. અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને કાયમ ગાળો દેતા રહીને મૂડીવાદ વિરોધી હોવાની છાપ ઉભરાવી રહયા છે. રાહુલને આવું બધું કરવામાં કોઈ દેખીતો ફાયદો થયો હોય એવું દેખાતું નથી. રાહુલ આવા નિવેદનોથી સનાતની હિન્દુઓમાં વધુને વધુ અપ્રિય થઈ રહ્યા છે.
