નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) વર્લ્ડ કપ જીત્યા બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમજ તેમના આ નિર્ણયએ ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. અસલમાં દ્રવિડે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ BCCI દ્વારા મળેલા 5 કરોડ રૂપિયાના બોનસમાંથી (Bonus) 2.5 કરોડ રૂપિયા લેવાની ના પાડી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. ત્યારે બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે વર્લ્ડ કપ કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફને પણ બોનસ આપવામાં આવશે. તેમજ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા જ્યારે અન્ય કોચને 2.5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ દ્રવિડે આ બોનસમાંથી 2.5 કરોડ રૂપિયા લેવાની ના પાડી હતી અને અન્ય કોચની જેમ માત્ર 2.5 કરોડ જ સ્વીકારવાની જાહેરાત કરી હતી.
દ્રવિડે આ નિર્ણય શા માટે લીધો?
અહેવાલો મુજબ દ્રવિડે બીસીસીઆઈને તેમની ઈનામની રકમ 5 કરોડ રૂપિયાથી ઘટાડીને 2.5 કરોડ રૂપિયા કરવાની વિનંતી કરી હતી. કારણ કે તેઓ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચથી વધુ પૈસા મેળવવા માંગતા ન હતા. રાહુલ દ્રવિડ માને છે કે તમામ કોચને સમાન રકમ મળવી જોઈએ. BCCIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, “રાહુલ દ્રવિડ તેમના બાકીના સ્ટાફની જેમ જ બોનસ લેવા માંગે છે. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ.”
દ્રવિડે બીજી વખત આવું પગલું ભર્યું
આ પહેલીવાર નથી કે જ્યારે રાહુલ દ્રવિડે તમામ કોચ વચ્ચે સમાન રીતે બોનસ વહેંચવાની માંગ કરી હોય. અગાઉ 2018માં જ્યારે ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો ત્યારે રાહુલ દ્રવિડ મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા હતા. ત્યારે દ્રવિડને 50 લાખ રૂપિયા મળવાના હતા જ્યારે સપોર્ટ સ્ટાફને 20 લાખ રૂપિયા બોનસ તરીકે આપવાના હતા. ત્યારે પણ રાહુલ દ્રવિડે બોનસ સ્વીકારવાની ના પાડી દીધી હતી. તેમજ તેમણે તમામ કોચને સમાન બોનસ આપવાની માંગ કરી હતી. ત્યારપછી બીસીસીઆઈએ પોતાનો નિર્ણય બદલ્યો અને દ્રવિડ સહિત તમામ કોચને 25 લાખ રૂપિયાનું બોનસ આપ્યું હતું.