અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેણાંક ફ્લેટમાં ગેરકાયદે રીતે ચલાવવામાં આવતા વિદેશી પ્રાણી-પક્ષીઓના પ્રજનન અને વેચાણના મોટા કૌભાંડનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે ‘રાવલભાઈ એપાર્ટમેન્ટ’ ખાતે દરોડો પાડતા અત્યંત દુર્લભ અને મોંઘા પ્રાણીઓ-પક્ષીઓ પણ મળી આવ્યા છે. આ પક્ષીઓનું વેચાણ કરનાર સૂત્રધારને ઝડપી લેવાયો છે.
ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમ્યાન ફ્લેટમાં બનાવેલા પાંજરાઓમાંથી અનેક વિદેશી પ્રજાતિઓ મળી આવી હતી. તેમાં રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, સાત પર્શિયન બિલાડીઓ અને તેમના બચ્ચાં, ચૌદ હેમ્સ્ટર, પંદર મીની લોપ સસલાં અને નવ લેધર લેબ ડોફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા છ આફ્રિકન ગ્રે પેરોટ, પાંચ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, ત્રણ એક્લેક્ટસ પેરોટ, ચાર સન કોનીપોર, બે ગાલા કોકાટુ અને એક સલ્ફર કોકાટુ સહિત મોટી સંખ્યામાં લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક પણ મળી આવ્યા હતા.
આરોપી દ્વારા રજૂ કરાયેલા ‘પરિવેશ’ પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક તપાસમાં અધૂરા અને શંકાસ્પદ જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની બાયોસિક્યુરિટી અથવા વૈજ્ઞાનિક સુવિધા વિના આટલી મોટી સંખ્યામાં જંગલી અને વિદેશી જીવો રાખવાથી ઝૂનોટિક રોગો ફેલાવાનું ગંભીર જોખમ ઊભું થાય છે. સ્થાનિક રહીશો માટે આ આરોગ્યની દ્રષ્ટિએ ઘાતક સાબિત થઈ શકે તેમ હતું. રહેણાંક મકાનનો ઉપયોગ વ્યવસાયિક પ્રજનન અને વેચાણ માટે કરવો પણ કાયદેસર રીતે ગંભીર ભંગ ગણાય છે.
આ સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવી છે. દસ્તાવેજોની ખરાઈ, આયાતની કાયદેસરતા અને આરોગ્ય સંબંધિત જોખમોની ઊંડાણપૂર્વક તપાસ હવે સંયુક્ત રીતે હાથ ધરાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર વિદેશી પ્રાણી-પક્ષી વેપાર કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.