સુરત શહેરની વધતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે નવું ઇન્ટેક વેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ મહત્ત્વાકાંક્ષી યોજનાની કામગીરી દરમિયાન જ ઇન્ટેક વેલનું વિશાળ સ્ટ્રક્ચર અચાનક એક તરફ નમી પડતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.તડકેશ્વરમાં તાજેતરમાં પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટના હજુ લોકોના માનસપટ પર તાજી છે, ત્યાં વધુ એક મોટા બાંધકામમાં ખામી સામે આવતા પાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

વિપક્ષ નાં જણાવ્યા અનુસાર, સુરત નાં સરથાણા વિસ્તારમાં તાપી નદીમાં છેલ્લા એક વર્ષથી ઇન્ટેક વેલનું કામ ચાલી રહ્યું છે. આ ઇન્ટેક વેલ શહેરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. પરંતુ કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ ઇન્ટેક વેલનો એક ભાગ નમી જતાં તેની ગુણવત્તા, ડિઝાઇન અને ટેકનિકલ પ્રક્રિયા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ખામી કોઈ સામાન્ય બાબત નહીં પરંતુ ગંભીર ટેકનિકલ બેદરકારીનું પરિણામ છે.જો કે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે પાલિકા તંત્ર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. AAPના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર ,અધિકારીઓની મિલીભગતને કારણે ગુણવત્તા વિહોણું બાંધકામ થઈ રહ્યું છે. વધુમાં AAP નેતા રામ ધડુકે જણાવ્યું છે કે, તડકેશ્વરમાં પાણીની ટાંકી ધ્વસ્ત થવાની ઘટનાથી પણ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. જનતાના ટેક્સના કરોડો રૂપિયા જોખમમાં મુકાઈ રહ્યા છે અને જો સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં આ યોજના શહેર માટે બોજ બની જશે.

વિપક્ષ નાં મતે, જો આ જ સ્થિતિમાં ઇન્ટેક વેલનું કામ આગળ વધારવામાં આવશે તો ભવિષ્યમાં હાઇડ્રોલિક પંપ, મશીનોના ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ દરમિયાન મોટી ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થશે. આવનારા સમયમાં પૂર કે કુદરતી કારણો બતાવીને જવાબદારીથી બચવાનો પ્રયાસ કરવામાં આવશે અને અંતે જનતાના કરોડો-અબજો રૂપિયા વેડફાઈ જશે. તેથી ઇન્ટેક વેલનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરી નિષ્ણાત હાઇડ્રોલિક એન્જિનિયરો દ્વારા સ્પોટ વિઝિટ કરાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે આ મામલે બચાવ કરતાં જણાવ્યું છે કે આ કોઈ મોટી ખામી નથી. નદીમાં થતી કામગીરી દરમિયાન પાણીના વહેણને કારણે માટી અને રેતી ઉપર-નીચે થતી રહે છે, જેના કારણે ઇન્ટેક વેલનો એક ભાગ નમી ગયો છે. અધિકારીઓનો દાવો છે કે હાલ માત્ર ચારથી પાંચ ફૂટ જેટલી કામગીરી થઈ છે અને આખો ઇન્ટેક વેલ અંદાજે 25 ફૂટ ઊંડો જશે. આવા સંજોગોમાં લેવલિંગની પ્રક્રિયા નિયમિત રીતે કરવામાં આવે છે અને આ સંપૂર્ણપણે ટેકનિકલ બાબત છે.છતાં પણ, વિપક્ષ અને સ્થાનિકો પાલિકાના આ સ્પષ્ટીકરણથી સંતોષ માનવા તૈયાર નથી. તેઓનું કહેવું છે કે, જો શરૂઆતમાં જ યોગ્ય સોઇલ ટેસ્ટિંગ, ડિઝાઇન અને મોનિટરિંગ કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ સર્જાત જ નહીં. હવે તમામની નજર પાલિકા તંત્ર પર છે કે તે આ મામલે સ્વતંત્ર તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી આ મુદ્દો પણ અન્ય વિવાદોની જેમ સમય સાથે ઠંડો પડી જશે.