ગ્રેસમાં હવે કોણ નથી? આ સવાલ જાણે સામાન્ય બની રહ્યો છે. કપિલ સિબ્બલના નામ આગળ પણ હવે પૂર્વ કોંગ્રેસ લીડર એમ લખવાનું થયું. તેમણે પોતાની એક્ઝિટ કોંગ્રેસના ચિંતન શિબિર પહેલાં જ પ્લાન કરી રાખી હતી. G-23 એટલે કોંગ્રેસના એવા 23 ચહેરા જેમણે પક્ષમાં ધરમૂળથી ફેરફારોની માંગ કરી, જે છે તેની સામે પોતાના વાંધા જાહેર કર્યા છે. આ 23નો આંકડો બદલાયો પણ છે. કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની વાત ભલે આ અઠવાડિયે બહાર આવી પણ એક રિપોર્ટ અનુસાર તેમણે 16મી મેએ જ પક્ષને આવજો કહી દીધું હતું અને 15મી એપ્રિલથી તેમણે પક્ષના સભ્યપદને પણ વિલીન કરી દીધું હતું કારણ કે ત્યારે જે સભ્યપદ અભિયાન થયું, તેમાં તેમણે પોતાનું નામ જ નહોતું નોંધાવ્યું. વળી, તેમણે સમાજવાદી પાર્ટીના ટેકાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનું નોમિનેશન પણ નોંધાવ્યું.
છેલ્લા 5 મહિનામાં કોંગ્રેસ પક્ષમાંથી મોટાં નામો, વરિષ્ઠ નેતાઓ નીકળી ગયા છે. સુનીલ જાખડ, હાર્દિક પટેલ, અશ્વિની કુમાર, આર.પી.એન સિંઘ, અમરિંદર સિંઘ જેવા નેતાઓએ છેલ્લા 5 મહિનામાં કોંગ્રેસને આવજો કહી દીધું છે. વળી જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સુશ્મિતા દેવ પણ કોંગ્રેસમાંથી પહેલાં નીકળી ગયાં છે. કોંગ્રેસનું બળ જાણે દર દાયકાએ ઓછું થતું ગયું. પક્ષની રાજકીય સફર પર નજર કરીએ તો તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. સૌથી પહેલા હતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે સ્વતંત્રતા સાથે આકારમાં આવી અને 1971માં ઇંદિરા ગાંધીએ જ્યારે પોતાના પિતાને ઓળખતા નેતાઓથી બનેલા આ પક્ષને છોડીને પોતાનો પક્ષ બનાવ્યો. ઇંદિરા ગાંધીનું 1984માં મૃત્યુ થયું ત્યાર બાદ પણ 1991માં દીકરા રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યાં સુધી આ પક્ષ ચાલ્યો. 1992 અને 1997 સુધીનો એવો વખત હતો, જ્યારે પક્ષનું નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારના કોઇ સભ્યના હાથમાં નહોતું. 1997માં સોનિયા ગાંધીએ પક્ષની લગામ હાથમાં લીધી અને એ હતી કોંગ્રેસ પક્ષની સાવ જુદા વર્ઝન સાથેની ત્રીજી ઇનિંગ્ઝ. સોનિયા ગાંધીએ 2004માં કોંગ્રેસ પક્ષને બેઠો કર્યો અને સત્તાનું જોમ ભર્યું. એક દાયકા સુધી કોંગ્રેસ પક્ષે, સાથી પક્ષો સાથેની સંધિની મદદથી રાજ કર્યું. 2014માં કોંગ્રેસ પક્ષને ભાજપાના જોર સામે પાછી પાની કરવી પડી. ભાજપાએ સત્તા પર આવ્યા પછી પોતાની લીટી લાંબી કરવાને બદલે કોંગ્રેસની લીટી ભૂંસવાનું કામ વધારે જોરશોરથી કર્યું. બચાવ કરવામાં કોંગ્રેસને કાં તો શાલીનતા નડી ગઇ કાં તો ઝનૂન ઓછું પડ્યું કાં તો દિશાહીનતાનો વ્યાપ વધી ગયો.
જોવાનું એ છે કે કોંગ્રેસના ઇતિહાસમાં જેણે પણ પક્ષ છોડ્યો તેણે પોતાનો પક્ષ ખડો કર્યો, તે પોતાની આગવી ઓળખ બનાવી શક્યા. પરંતુ અત્યારે જે સંજોગો છે તેમાં G-23 આવું કંઇ કરી શકશે ખરા? આપણે એવા સંજોગોમાં તો નથી જ્યાં માત્ર બે જ પક્ષ હોય પરંતુ આ નેતાઓ એવા ચહેરા છે જે કોઇ પણ પક્ષ સાથે પોતાનું નામ જોડાય એવું પસંદ નહીં કરે. G-23વાળી થયા પછી સોનિયા ગાંધીએ ઘણાં પગલાં લીધાં. જેમ કે કોંગ્રેસ વર્કિંગ કમિટી ફરી બનાવાઇ જેમાં આ 23 ચહેરાઓમાંના અગત્યના ચહેરાઓને આગળ કરાયા અને મહત્ત્વનું પદ સોંપાયું.
સંયુક્ત નેતૃત્વની માંગને ધ્યાનમાં રાખી સોનિયાએ 6 સભ્યોની સમિતિ બનાવી, જે તેમને જ આસિસ્ટ કરે. તેમાં પણ G-23ના ચહેરા હતા. મુકુલ વાસનિકે આ પગલા પછી પોતાની જાતને G-23થી દૂર કરી દીધા. ગાંધી પરિવારે G-23ને પ્રત્યાઘાત નહીં પણ પ્રતિભાવ આપ્યો અને કળપૂર્વક એ જૂથને તોડવાની કોશિશ કરી. G-23ને પક્ષમાં આંતરિક પસંદગીઓ માટેની ચૂંટણી થશેનું વચન અપાયું હતું પણ કોરોના વાઇરસ રોગચાળાને કારણે એ બધું પાછું ઠેલાયું. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો અને ફરી G-23એ સવાલ કર્યા. આ વખતે 23ના 18 થઇ ગયા. કારણ કે 9 જણા નીકળ્યા અને નવા 4 ઉમેરાયાં.
ઉદયપુરની નવ સંકલ્પ શિબિરના પ્રતિનિધિઓ પણ સોનિયા ગાંધીએ જાળવીને પસંદ કર્યા. પક્ષમાં નેતાઓને મહત્ત્વ અપાયું. જેમ કે, ભૂપેંદર સિંઘ હૂડાને સમિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનું સુકાન અપાયું અને તેમના વફાદાર ઉદય ભાણને હરિયાણા કોંગ્રેસના પ્રેસિડન્ટ બનાવાયા. પછી ભલે આવું કરવામાં રાહુલ ગાંધીના ખાસ ગણાતા લેફ્ટનન્ટ રણદીપ સિંઘ સુરજેવાલાને સાઇડમાં કરવા પડ્યા હોય. ટાસ્કફોર્સ – 2024 પણ સોનિયા ગાંધીએ તૈયાર કર્યો. જેમાં પણ એ નેતાઓને લેવાયા, જેમણે કોંગ્રેસમાં ફેરફારની જરૂર છે ની વાત મૂકી હતી.
પક્ષમાં સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રુપ પણ છે જે ‘ભારત જોડો યાત્રા’ પર કામ કરશે. સિબ્બલ જ્યારે પોતાનું રાજ્યસભા માટેની ઉમેદવારી નોંધાવતા હતા ત્યારે આ કમિટીઓ અને ગ્રુપ કોંગ્રેસમાં જાહેર થઇ રહ્યા હતા. કોંગ્રેસ રાજ્યસભાની ઉમેદવારી માટે શું કરશે તેની પર જ બધાની નજર ટકેલી છે. ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા રાજ્યસભામાં નથી અને તેમને પુનઃઉમેદવારીની આશા છે. હવે જો તેમને જે જોઇએ છે તે મળી જશે તો કોંગ્રેસમાં આ આંતરિક સ્તરે ઊભી થયેલી ક્રાંતિ પર ઠંડું પાણી ફરી વળશે?
સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ અંગે આકરી ટીકાઓ ખુલ્લેઆમ કરી હતી અને તેમને કદાય એવો ખ્યાલ આવી ગયો હશે કે હવે કોંગ્રેસ પક્ષ મારફતે તે રાજ્યસભામાં નહીં પહોંચી શકે. તે ભાજપાના આકરા વિરોધી છે, એટલે તે ભાજપામાં જોડાય તે શક્ય જ નથી. કોંગ્રેસ નાના જૂથ બનાવી G-23ની આખી વિચારધારાને વિખેરવા માટે મક્કમ તો છે પણ પક્ષમાં ટેલેન્ટ ન બચે એ ખરેખર જોખમી કહેવાય. મજબૂત નેતાઓએ કોંગ્રેસને આવજો કહ્યું છે, કારણ કે તેમને પક્ષમાં પોતાનું ભવિષ્ય નથી દેખાયું. કોંગ્રેસના મોવડીઓએ કામના મોવડીઓને રોકવા હવાતિયાં મારવા જ પડશે, નહીંતર ‘એક હતી કોંગ્રેસ…’ના દિવસો માથે આવી જશે.
બાય ધ વેઃ
આ હાલતમાં ભાજપા પોરસાતો હશે એ ખરું પણ તેમને ‘કોંગ્રેસમુક્ત ભારત’ પોસાય એમ નથી. જ્યાં કોંગ્રેસનું જોર ઘટ્યું છે, ત્યાં પ્રાદેશિક પક્ષો જામ્યા છે. ચૂંટણીનું ગણિત એ જ સાબિત કરે છે કે આવાં રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઓરિસ્સા, કેરળ વગેરે રાજ્યોમાં ભાજપા માટે જીતવું અઘરું થઇ પડે. ભાજપને જીતવા માટે કોંગ્રેસ સાથે સીધો સામનો થતો હોય તેવી બેઠકોની જરૂર છે. આપની રાજકીય વિચારધારા સામે ભાજપા માટે લડવાનું આસાન નથી કારણ કે આપ પણ ભાજપાની નીતિઓમાંથી બોધ લઇ રહ્યો છે. વળી પક્ષના વિકાસને મામલે આપના નેતાઓ ભાજપાનું ઉદાહરણ આપે છે કે 2 બેઠકોમાંથી 300 બેઠકો સુધી પહોંચી શકાય છે. ભાજપાના વિકાસ મૉડલ સામે આપનું સામાન્ય લોકોના કલ્યાણનું મૉડલ બરાબર ટક્કર આપે છે. આવામાં ભાજપાને કોંગ્રેસમુક્ત ભારત જરાય માફક આવે એમ નથી. ભાજપાને એક વિરોધીની જરૂર છે અને બીજા કોઇ પણ પક્ષ કરતાં કોંગ્રેસ એ રોલ વધારે સારી રીતે ભજવતો આવ્યો છે.