Business

પુરુષોને દિવસો રહેતા હોત તો ગર્ભપાત પણ એક ધાર્મિક વિધિ હોત

અમેરિકા બે હાસ્યાસ્પદ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. એક તરફ શાળાઓમાં ભૂલકાંઓને કોઇ વિકૃત લોકોના હાથે ટપોટપ હણવાની છૂટ અપાય છે. બીજી તરફ ગર્ભમાંના બાળક અને ભવિષ્યમાં જન્મનારાં બાળકોનાં જીવની એટલી હદે ખેવના કરાય છે કે વર્તમાનમાં જીવતી સ્ત્રીઓ, પ્રસુતાઓની પીડાને પણ  છે. ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદો આપ્યો કે બંદૂક કે ગન ધરાવવી એ વ્યકિતનો જન્મસિધ્ધ અધિકાર છે. અમેરિકનોને કંઇક પાગલપણ વળગ્યું છે. હમણાંની ઉપરાઉપરી ઘટેલી ગન વાયોલન્સની ગમખ્વાર ગોઝારી ઘટનાઓ બાદ, દુનિયામાં શાણા ગણાતા અમેરિકનોની અદાલતો આવા નિર્દયી ચુકાદાઓ આપે છે.

એટલું સમજતાં નથી કે દુનિયાના મોટા ભાગના સુશિક્ષિત, સુવિકસિત દેશોમાં દરેકને બંદૂકના પરવાના અપાતા નથી અને એ દેશોમાં ભૂલકાંઓ, નિર્દોષો અકાળે માર્યા જતાં નથી. ભર્યાંભાદર્યાં ઘરો કોઇ સનકીના દિમાગને કારણે કાયમ માટે ઉજજડ બની જતાં નથી. જો કે અમેરિકન સંસદ અને સરકાર હવે બંદૂકો પર નિયંત્રણો મૂકતાં કાનૂન લાવવાની તૈયારી કરી રહી છે, પણ આ તો અમેરિકા છે. કાનૂન અમલમાં આવે ત્યારે તેને ખરો સમજવો.

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ગર્ભપાતવિરોધીઓ અને તરફદારોની લોબીઓ વચ્ચે કમઠાણ જામ્યું હતું. ગર્ભપાત પર પ્રતિબંધ મૂકાવવા માટે સર્ચ અને વેટિકનની ઓથોરિટી હંમેશા પ્રયત્નો કરતી રહે છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે મિસિસિપી રાજયના ગર્ભપાત નિયંત્રણ કાનૂનને માન્યતા આપી છે અને ગર્ભપાતને છૂટ આપતા પચાસ વરસ જૂના કાનૂનને રદ કર્યો છે. પચાસ વરસ અગાઉ એક રો વિરુધ્ધ વેડ કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓને ગર્ભપાત કરાવવાની છૂટ આપી હતી. હવે આ છૂટ જતી રહેવાથી અમેરિકાની પચાસ ટકા કરતાં વધુ સ્ત્રીઓ ગર્ભપાત કરાવવાનો પોતાનો કાનૂની અધિકાર ગુમાવશે.

પ્રજનન અને તેની પ્રક્રિયા અને તેની સાથે કાનૂનને સાંકળવો તે એક જટિલ પ્રશ્ન છે. અમુક કાનૂનો માને છે કે ભૃણ શ્વાસ લેતું થાય પછી તેની હત્યા કરી શકાય નહીં. પણ ઓકસીજનની જરૂર તો વીર્ય અથવા શુક્રાણુને અને સ્ત્રીબીજને પણ પડે છે. તેમાં કયારે જીવ કે આત્મા પ્રવેશ્યો તે કોઇ ચોકકસપણે કહી શકે તેમ નથી. અમુક પેટા ધર્મો આ દલીલ અનુસાર ગર્ભ ન રહે તે માટેની ગોળીઓ લેવાની પણ છૂટ આપતા નથી. વાસ્તવમાં તકલીફ એ છે કે આ ધર્મો ઊભા થયા પછી વિજ્ઞાન વિકસ્યું. જો એ વખતે વિજ્ઞાન હોત તો? કદાચ ધર્મોએ ગર્ભપાતને માન્યતા આપી હોત અને દલીલને થોડી ખેંચીએ તો કહી શકાય કે લોકો ત્યારે વિજ્ઞાન સમજતાં હોત તો આજે ફૂલીને ફાળકે ગયેલા ધર્મો જ પેદા થયા ન હોત. પણ સાવ એવું નથી. દરેક યુગમાં મૂર્ખાઓની કમી હોતી નથી. આશારામને, રામ રહીમને, દરેક ધર્મને કરોડો ભકતો મળી રહે છે. હવે વાત એ મહત્ત્વની છે કે સ્ત્રીઓની શી વલે થશે? રાજનેતાઓ અને ખાસ કરીને અમેરિકામાં તથાકથિત સંસ્કૃત સમાજે કેવી સ્થિતિનો સામનો કરવો પડશે?

એક તરફ કપડાં પહેરવાનું, કોઇ અજાણ્યા સાથે વન નાઇટ સ્ટેન્ડ ગાળવાનો કોઇ છોછ રહ્યો નથી. સેકસને લગતી સ્વતંત્રતાને અમેરિકામાં ખાસ મહત્ત્વ અપાય છે. પણ કુદરત કુદરતનું કામ કરવાની. વિકસિત દેશોમાં આજે સૌથી વધુ સ્વચ્છંદતા છે અને સૌથી વધુ ગર્ભપાત થાય છે. અદાલતોના માનનીય ન્યાયમૂર્તિઓમાંના પણ કેટલાકની ખાનગીમાં સેકસ્યુઅલ પાર્ટનર હોય છે. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકવીસ ચિરાકની ખાનગીમાં જન્મેલી પુત્રી આધેડ થવા આવી ત્યારે રહસ્ય બહાર આવ્યું, જે રીતે નારાયણ દત્ત તિવારીના પુત્રનું આવ્યું હતું.

આ ગામેગામની કહાની છે. પણ ગર્ભ રહ્યા પછી, નવા કાનૂન પ્રમાણે તબીબો કાનૂની ઝંઝટથી દૂર રહેવા માટે સ્ત્રી ગર્ભપાતને લાયક હશે તો પણ ગર્ભપાતની વિધિથી દૂર રહેશે. સ્ત્રીઓને અનૌરસ સંતાનો જન્મશે, જેઓ જન્મીને મોટા થયા બાદ આજની ડીએનએ ટેકનોલોજીથી પોતાના ખરા બાપની ઓળખ મેળવી શકશે. આ નવી ટેકનોલોજી આજે પણ ભયાનક બનીને અમુક ઘરો તબાહ કરી રહી છે તે અનૌરસોનો રાફડો ફાટયા પછી અનેકાનેક ઘરોની વ્યવસ્થાને તબાહ કરશે. સ્ત્રીઓ પોતાના શરીર પર, ઘરના અર્થશાસ્ત્ર પર થતી અને થનારી અસરો જાણીને, અડચણો સમજીને તેનો વિરોધ કરે છે તે સાથે અનૌરસ સંતાનોની કલ્પના પણ વિરોધ કરવા પ્રેરે છે.

આજે લગ્ન કર્યા પછી ગર્ભ રહે અને બાળક જન્મે એ પહેલાં છૂટાછેડા થઇ જતા હોય છે. એમણે પણ બાળકને જન્મ આપવો પડશે. એ પણ શકય છે કે લોકો સંયમપૂર્વક વરતે. પણ દરેક સાથે હંમેશા એ શકય બનતું નથી. જે દેશોમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કડક કાયદાઓ છે તેને ઉદાહરણ તરીકે જોવામાં આવે તો જેને ઇષ્ટ સમજીને લાગુ પડાય છે એ એક મોટું અનિષ્ટ બની જાય છે. પોલેન્ડ અને માલ્ટા જગતમાં એવા બે ખ્રિસ્તી દેશો છે, જયાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઇક અસાધારણ કિસ્સામાં જ માન્યતા અપાય છે. તે મેળવવામાં કાયદાની ઝંઝટ અને ડર ઘણો રહે. ભાગ્યે જ કોઇક તબીબ, મોટા પૈસા કમાવાની લાયમાં તેમાં જોડાય છે. પોલેન્ડમાં છેલ્લાં ૨૯ વરસથી ગર્ભપાતની મનાઇ છે. તેમાં જે અસાધારણ કેસમાં છૂટ અપાતી હતી તે પણ છેલ્લા દોઢ વરસથી બંધ કરી દીધી છે.

ગર્ભમાંનું બાળક ખોડખાંપણ ધરાવતું હોય અને જન્મ્યા પછી જિંદગીમાં ખોડ અથવા અસાધારણ બિમારીથી પીડાવાનું હોય તો પણ પોલેન્ડમાં ગર્ભપાતની છૂટ અપાતી નથી. આ કયાંની દયા? અને દયા અથવા કરુણાનો વિકૃત પ્રકાર ગણી શકાય. ઘણી વખત ગર્ભપાત કરી નાખવાથી માતાનો જીવ બચી જવાનો હોય તો પણ ગર્ભપાત કરાતો નથી. અમુક માતાઓ આ રીતે મરણ પામી છે. પરંતુ પોલેન્ડનાં લોકોની આ ઇચ્છા નથી. દસમાંથી નવ પોલ્સ (પોલેન્ડનાં નાગરિકો) ઇચ્છે છે કે ગર્ભપાતના કાનૂનો આટલી હદે કડક ન હોવા જોઇએ. પણ રૂઢિચુસ્ત સરકારો અને હાકેમો પોતાને ધાર્મિક સાબિત કરવા આવા કાયદાને વળગી રહે છે.

તેનાં પરિણામો જુઓ. ગર્ભપાતની હિમાયત કરતા કાર્યકરો, ચળવળકારો જો સ્ત્રીઓમાં ગર્ભપાત માટેની ગોળીઓ વહેંચે તો તેઓને જેલમાં પૂરી દેવાય છે. પોલેન્ડની અસંખ્ય સ્ત્રી હવે વિદેશોમાં જઇને ગર્ભપાત કરાવતી થઇ છે. તે માટેનું વિદેશી પર્યટન હજારોની સંખ્યામાં વધી ગયું છે. ગર્ભપાત માટેની ગોળીઓ ખાનગીમાં ખૂબ ઊંચી કિંમતે વેચાય છે, જેમાંની મોટા ભાગની બનાવટી હોય છે. ખાનગીમાં ગર્ભપાત કરવા – કરાવવાની ગેરકાનૂની અને પુરવાર નહીં થયેલી વિધિઓ, ઊંટવૈદાં વધી ગયાં છે. ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરતી ખ્રિસ્તી સંસ્થાઓની લોબી કહે છે કે ઘણી અસાધારણ ઘટનાઓમાં છૂટ અપાય છે, પરંતુ પ્રતિબંધના વિરોધીઓ ખોટી અફવા ફેલાવે છે. એ પણ સત્ય છે કે ઇઝાબેલા સાઝબોર નામની સ્ત્રી સાડા પાંચ મહિનાની ગર્ભવતી હતી. ઇઝાબેલાનું ભૃણ અસાધારણ હતું. તેના કારણે ઇઝાબેલાને ચેપ લાગી ગયો હતો. ગર્ભપાત કરવો જરૂરી છે તેમ ડોકટરે સલાહ આપી. પરંતુ ગર્ભમાંનું બાળક શ્વાસોશ્વાસ લેતું થઇ ગયું હતું. તેથી ગર્ભપાત કરી શકાય નહીં. આખરે ઇઝાબેલા સૌની જાણ વચ્ચે મરણ પામી. ઇઝાબેલાએ પોતાનાં મિત્રો વગેરેની ફોન પર મેસેજો પણ મોકલ્યા હતા કે પોતાની જિંદગી હવે ખતમ થવાની છે.

એક સમય એવો હતો કે યુરોપની સ્ત્રીઓ ગર્ભપાત કરાવવા માટે પોલેન્ડ જતી હતી. એક સમયે મુંબઇની ટ્રેનોમાં ‘ગર્ભપાત માત્ર ૮૯ રૂપિયામાં’, ડોકટર ગુપ્તાના નામે હંમેશા પોસ્ટર લાગેલાં રહેતાં હતાં તેમ પોલેન્ડમાં ગર્ભપાતની વિધિ સાવ સસ્તી હતી. અતિરેક થયો તો ૧૯૯૩ માં પોલેન્ડની સંસદે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. વાસ્તવમાં ગર્ભપાત એ સ્ત્રીઓની ભાવનાઓ, લાગણીઓ, ભવિષ્ય સાથે જોડાયેલી સમસ્યા છે. પુરુષોએ તો માત્ર પાંચ મિનિટ આનંદ કરવાનો હોય છે. માટે શિક્ષિત, સમજદાર, સંવેદનશીલ સ્ત્રીઓના એક મોટા સમૂહને તે બાબતમાં નિર્ણય લેવાની અને કાનૂન ઘડવાની છૂટ આપવી જોઇએ. પુરુષોએ તેમાં માથું મારવું જોઇએ નહીં. પત્રકાર અને લેખિકા ડોરોથી પાર્કરે સાચું જ કહ્યું હતું કે, ‘જો પુરુષોને ગર્ભ રહેતો હોત તો ગર્ભપાતને પણ એક ધાર્મિક વિધિનું રૂપ આપ્યું હોત.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top