Entertainment

પંજાબી ગાયક હરમન સિદ્ધુનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન, 37 વર્ષની ઉમરે કહ્યું અલવિદા

પંજાબના લોકપ્રિય ગાયક હરમન સિદ્ધુનું આજે શનિવારે માર્ગ અકસ્માતમાં 37 વર્ષની ઉમરે કરુણ અવસાન થયું છે. તેમના અચાનક નિધનથી ચાહકો અને સંગીત ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પંજાબી સંગીત ઉદ્યોગમાંથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. “પેપર યા પ્યાર” અને “બેબે બાપુ” જેવા લોકપ્રિય ગીતોથી જાણીતા ગાયક હરમન સિદ્ધુનું આજે તા. 22 નવેમ્બર શનિવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું. 37 વર્ષીય સિદ્ધુ પોતાના ગામ ખિયાલા જઇ રહ્યા હતા ત્યારે માનસા–પટિયાલા રોડ પર તેમની કાર એક ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે તેમની કાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી અને હરમનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. માહિતી મુજબ હરમન સિદ્ધુના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે. થોડા સમય પહેલાં જ ગાયકના પિતાનું અવસાન થયું હતું,. જેના કારણે પરિવારે સતત દુખનો સામનો કર્યો છે.

હાલ પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેમના અકસ્માતની તસવીરો અને માહિતી ઝડપથી વાયરલ થઈ રહી છે. “સાયલન્ટ સોલ” નામના એક્સ-રે પેજે અકસ્માતનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, “પંજાબથી હૃદયદ્રાવક સમાચાર! ઉભરતા સ્ટાર હરમન સિદ્ધુ હવે આપણામાં રહ્યા નથી.”

હરમન સિદ્ધુ કોણ હતા?
હરમન સિદ્ધુ પંજાબના માનસા જિલ્લાના ખિયાલા ગામના વતની હતા. તેમણે “બબ્બર શેર,” “કોઈ ચક્કર નયી,” “મુલતાન વર્સિસ રશિયા” સહિત અનેક ગીતો દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમજ સોશિયલ મીડિયા પર તેમનું સારું ફોલોઇંગ હતું. ઇન્સ્ટાગ્રામ પર 3,742 ફોલોઅર્સ, ફેસબુક પર 18,000 અને યુટ્યુબ ચેનલ પર 13.1 હજાર સબ્સ્ક્રાઇબર્સ હતા.

ચાહકોમાં શોકની લાગણી
હરમન સિદ્ધુના અચાનક અવસાનથી ચાહકો વ્યથિત થઈ ગયા છે. લોકો સોશિયલ મીડિયા પર તેમના પ્રિય કલાકારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું “મારા પ્રિય ગાયક હું એ ત્રણ દિવસ પહેલા જ તમારા ગીતો સાંભળ્યા હતા.” બીજા એક ચાહકે દુઃખ વ્યક્ત કરતા લખ્યું “પંજાબમાં શું થઈ રહ્યું છે? થોડા મહિનામાં કેટલા કલાકારો ગુમાવી દીધા.”

હરમન સિદ્ધુના અવસાનથી પંજાબી સંગીત ઉદ્યોગે એક વધુ પ્રતિભાશાળી અવાજ ગુમાવ્યો છે. જેની ખોટ લાંબા સમય સુધી રહેશે.

Most Popular

To Top