અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં શનિવારની ઘટના બાદ રવિવારે કપૂરથલાના નિઝામપુરમાં ગુરુદ્વારામાં કથિત અપમાનનો મામલો સામે આવ્યો છે. આરોપીને માર માર્યા બાદ તેનું મોત થઈ ગયું છે. પંજાબમાં (Punjab) સુવર્ણ મંદિરમાં (Golden Temple) છેલ્લા બે દિવસથી ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમૃતસરના સુવર્ણ મંદિરમાં શનિવારની (Saturday) ઘટના બાદ રવિવારે (Sunday) કપૂરથલાના (Kapurthala) નિઝામપુરમાં કથિત અપવિત્રનો મામલો બહાર આવ્યો છે. આ કિસ્સામાં નિશાન સાહિબના અપમાન કરનાર આરોપીને લોકોએ માર મારતા ત્યાં જ તેનું મોત (Dead) થયું હતું.
કપૂરથલામાં રવિવારે ગુરુદ્વારા પરિસરમાં અપવિત્રની શંકામાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. કપૂરથલા-સુભાનપુર રોડ પર નિઝામપુર ગામની બાજુમાં પોલીસ ચોકીની સામે આવેલા ગુરુદ્વારા સાહિબમાં સવારે ચાર વાગ્યે ગ્રંથી સિંહે એક યુવકને નિશાન સાહિબ પર ચઢતો જોયો. તેણે બૂમાબૂમ કરી લોકોને ભેગા કર્યા અને બે કલાકની જહેમત બાદ તેને પકડી લીધો. એસએસપીના કહેવા પ્રમાણે આ અપમાનનો મામલો નથી પરંતુ ચોરીનો મામલો છે. માર્યો ગયેલો યુવક ચોરીના ઇરાદે ગુરુદ્વારા પરિસરમાં ઘુસ્યો હતો. આ મામલા બાદ વાતાવરણ તંગ બની ગયું હતું.
કપૂરથલા ગુરુદ્વારા દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ કે કોઈપણ એજન્સીએ આ મામલામાં દખલગીરી કરવી ન જોઈએ. બાબા અમરજીત સિંહે વધુ માહિતી આપતા જણાવ્યું કે સવારે 4 વાગ્યે એક વ્યક્તિ દરબાર હોલમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ સમયે ગુરુ સાહિબમાં ગુરુ મહારાજાનો પ્રકાશ નહોતો. અવાજ કર્યા પછી તે વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુદ્વારામાં બે સેવાદાર પણ રાખવામાં આવ્યા છે જેમના દ્વારા આ યુવકને પકડી લેવામાં આવ્યો હતો. તેની સાથે મારપીટ કરી પૂછપરછ કરવામાં આવી હતી જે દરમ્યાન તેણે જણાવ્યું કે તેની 9 લોકોની ટીમ દિલ્હીથી આવી હતી. યુવકે કહ્યું કે તેની બહેન પણ અપવિત્ર કરવા આવી હતી સાથે જ જણાવ્યું કે તેને શિવ નામના વ્યક્તિએ આ કાર્ય માટે મોકલ્યો છે. આ ઉપરાંત તપાસ દરમ્યાન તેની પાસેથી કેટલાક આઈડી કાર્ડ મળી આવ્યા હતા. કપૂરથલાના SSP હરકમલપ્રીત સિંહ ખાખે જણાવ્યું કે, આરોપીઓ ચોરી કરવાના ઈરાદાથી આવ્યા હતા જો કે મામલાની તપાસ ચાલી રહી છે. વધી રહેલા તણાવનાં કારણે પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો તેમજ જણાવ્યું કે જે લોકોએ યુવકનો માર માર્યો તેમના વિરુદ્ધ મર્ડરનો કેસ નોંધવામાં આવશે. ગુરુદ્વારા સંચાલકોના જણાવ્યા અનુસાર, જ્યારે આ યુવક ગુરુદ્વારા સાહિબમાં પ્રવેશ્યો ત્યારે અચાનક લાઇટ જતી રહી, ત્યારબાદ આરોપી ત્યાં છુપાઇ ગયો. લાઇટ આવતાં જ ગુરુદ્વારા સંચાલકોની નજર તેના પર પડી. જ્યારે તેઓએ તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ભાગી ગયો હતો. જોકે બાદમાં તે ઝડપાઈ ગયો હતો.
આ અગાઉ અમૃતસરમાં શીખ ધર્મના સર્વોચ્ચ ધાર્મિક સ્થળ શ્રી દરબાર સાહિબમાં એક યુવકે અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક શ્રદ્ધાળુ બની મંદિરની અંદર પ્રવેશ તો કર્યો પરંતુ જ્યારે તે શ્રી ગુરુગ્રંથ સાહિબ સમક્ષ માથું નમાવવા માટે પહોંચ્યો ત્યારે અચાનક ગ્રીલ કૂદીને મુખ્ય જગ્યાએ પહોંચી ગયો. ત્યાં તેણે શ્રી સાહેબને ઉચકી લીધા હતાં. પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. જે બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં તેનું મૃત્યુ થયું હતું. યુવકની ઓળખ હજુ થઈ નથી પરંતુ તે ઉત્તર પ્રદેશનો હોવાનું જણાયું છે. પોલીસે ઓળખ માટે આ મૃતદેહને 72 કલાક સુધી સુરક્ષિત રાખ્યો છે. જ્યારે આ ઘટના પછી, પોલીસે યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સાથે જ દરબાર સાહેબની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરી રહી છે.