ચંદીગઢ: પંજાબના (Punjab) આરોગ્ય મંત્રીએ એક હોસ્પિટલનું (Hospital) ઇન્સપેકશન કરતી વખતે આ હોસ્પિટલમાં દર્દીઓ માટેના ગાદલા ફાટેલા અને ગંદા દેખાતા હોસ્પિટલના મુખ્ય ડોકટરને (Doctor) આવા એક ગંદા ગાદલા પર સૂવાની ફરજ પાડતા ડોકટરોમાં નારાજગી ફેલાઇ ગઇ હતી અને વિપક્ષોએ આ બાબતે પંજાબ સરકારની ટીકાઓ કરી હતી.આરોગ્ય મંત્રી ચેતન સિંઘ જૌડામાજરા ફરીદકોટની ગુરુ ગોબિંદસિંહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. હોસ્પિટલનું નિરીક્ષણ કરતી વખતે તેમણે જોયું હતું કે દર્દીઓને સૂવા માટેના ગાદલાઓ ફાટેલા અને ગંદા છે. તેમણે આ બાબતે ડોકટરોને પૂછતા કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
આ પછી તેમણે આ હોસ્પિટલ જેના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે તે બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સીઝના વાઇસ ચાન્સેલર ડોકટર રાજ બહાદુરને કહ્યું હતું કે તમે જ આ ગાદલા પર સૂઇ જાવ. જ્યારે ડો. રાજ બહાદુરે આમ કર્યું નહીં તો આરોગ્ય મંત્રીએ તેમનો હાથ પકડીને તેમને ગંદા ગાદલા પર સૂવડાવી દીધા હતા! આનો વીડિયો પણ કોઇએ ઉતારી લીધો હતો. આ હેવાલ અને વીડિયો ફરતા થતા તબીબી આલમમાં નારાજગી ફેલાઇ ગઇ હતી અને વિપક્ષોએ પણ સરકાર પર પસ્તાળ પાડી હતી.
કોંગ્રેસ, ભાજપ સહિતના વિપક્ષોએ આરોગ્ય મંત્રીના આવા વર્તનને વખોડીને રાજ્યની આપ સરકારની ટીકા કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભગવંત સિંઘ માને ફક્ત એટલું જ કહ્યું હતું કે મામલો યોગ્ય રીતે હાથ ધરવો જોઇતો હતો. આ ઘટના પછી ૭૧ વર્ષીય ડોકટર રાજ બહાદુરે મુખ્યમંત્રીને સંદેશો મોકલીને કહ્યું હતું કે પોતે જે અપમાનનો સામનો કર્યો છે તેના પછી પોતે રાજીનામુ આપવા માગે છે.
આ અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ સ્થાનિક સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભટિંડા શહેરી વિસ્તારના ધારાસભ્ય જગરૂપ સિંહ ગિલ, ભટિંડા દેહાતીના ધારાસભ્ય અમિત રતન, મૌડ મંડીના ધારાસભ્ય સુખબીર સિંહ માઈસરખાના, કલેક્ટર શૌકત અહેમદ પારે, SSP J.ઈલનચેલિયન, સિવિલ સર્જન તેજવંત સિંહ ઢિલ્લોં, આપના પ્રાંતીય સંયુક્ત સચિવ નીલ ગર્ગ, મહિલા વિંગ પંજાબના પ્રમુખ બલજિંદર કૌર, ભટિંડા શહેર જિલ્લા પ્રમુખ અમૃત અગ્રવાલ, યુવા નેતા અમરદીપ રાજન, ભટિંડા લોકસભા મતવિસ્તારના પાર્ટી પ્રભારી રાકેશ પુરી અને અન્ય અધિકારીઓ પણ હતા. મંત્રી ચેતન સિંહ જૌડામાજરાએ કહ્યું કે પંજાબ સરકાર દ્વારા 15 ઓગસ્ટથી પંજાબ સરકાર દ્વારા આપ ક્લિનિકનો આરંભ કરવામાં આવશે જેમાં ભટિંડા જિલ્લામાં બે શહેરો અને ચાર ગામોમાં ક્લિનિક ખોલવામાં આવશે.