Comments

ચીભડાંના ચોરને સજા અને જજને માનભેર વિદાય!

નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઘણો સિદ્ધિઓ હાંસલ કરી છે. ઘણાં અશકય કામો શકય બનાવ્યાં છે. 2014ના પ્રચારમાં એ બોલતાં કે અચ્છે દિન આનેવાલે હૈ. પરંતુ દેશમાં ભ્રષ્ટાચારની બાબતમાં આ વાકય ખોટું પડયું છે. જયાં ભાજપની રાજ્ય સરકારો છે ત્યાં પણ કોંગ્રેસે શરૂ કરેલી લાંચ-રૂશ્વતની સભ્યતા, સંસ્કૃતિને ભારતીય જનતા પક્ષની સરકારોએ સદાબહારના રૂપમાં ખીલવી છે. અમુક રાજયોમાં લોકો માગણી કરી રહ્યા છે કે કયાં કામ માટે કેટલા રૂપિયાની રૂશ્વત આપવાની રહેશે તેનું મેન્યુ કાર્ડ સરકાર જાહેર કરે.

મહારાષ્ટ્રમાં નાસિકના ભોંદુ બાબા ઉર્ફે અશોક ખરાતનાં કાળાં કરતૂતો હમણાં બહાર આવ્યાં તેના પરથી પાકો ખ્યાલ મળે છે કે મહારાષ્ટ્ર સરકારના અમુક પ્રધાનો, અમુક ઉચ્ચ સ્તરના વહીવટીય અધિકારીઓ જર, જમીન અને જોરુ માટે અને એમના વડે રાજ્યના વહીવટને કેટલી હદે ગંદો બનાવી દીધો હતો. આ ત્રણેય જણસની સાટા પદ્ધતિ, આપ-લે વડે તેઓનાં જ અપ્રામાણિક હિતો સધાય તેની તેઓએ એક સરકીટ બનાવી હતી. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષા રૂપાલી ચાકનકરનું નામ આ કાંડમાં સ્પષ્ટપણે બહાર આવ્યું, ખરડાયું અને રૂપાલીએ રાજીનામું આપવું પડયું.

આ કાંડ પણ ભ્રષ્ટાચાર અને સત્તા ટાળવાની સરકારની ઇચ્છાને કારણે બહાર આવ્યું નથી. જેમ માર્ગ પર થતાં અકસ્માતો અને દર વરસે લાખોનાં મરણ બાબતે કોઇ પણ સરકારને કશી પડી નથી તેમ ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત જાણે કે સરકાર પ્રજાને પ્રસન્નતા આપે છે. દેશમાં ભ્રષ્ટાચાર બાબતમાં કશું થઇ શકે તેમ નથી એવું કાયમ માટે પ્રસ્થાપિત કરવા બદલ અન્ના હઝારે જે કંઇ પણ સજા થાય, તે આ લોકમાં કે પરલોકમાં ઓછી ગણાશે. બ્રહ્મચર્યની વાતો કરનાર આ નપુંસકે દેશમાં કાયમ માટે ભ્રષ્ટાચાર ઘાલી દીધો છે. કેમ કયારેય કેજરીવાલ કે વર્તમાન સરકારો સામે અનશન પર ન ઊતર્યો. હઝારે એક ખાદીધારી ભોન્દુ બાબા પેદા થયો હતો એમ સમજીએ તો કશું ખોટું નથી.

કેવા કેવા કાંડો થયા એ જુઓ. અગાઉ નવી દિલ્હી વડી અદાલતના અને ત્યાર બાદ અલ્લાહાબાદ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્માએ ગયા શુક્રવારે રાજીનામું આપ્યું. ગયા વરસે એમના નવી દિલ્હી ખાતેના રંગમહેલ સમાન સરકારી આવાસમાંથી કરોડો રૂપિયાનાં બંડલો અરધાં બળી ગયેલાં હાલતમાં મળ્યાં હતાં. એ વખતે પ્રજાએ નિષ્કર્ષ આપી દીધો હતો તેમ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સર્જાયેલું સૌથી મોટા ભ્રષ્ટાચારી કૌભાંડનું દિલ્હીમાં બેઠેલા નેતાઓએ ફીંડલું વાળી દીધું.

હાઈકોર્ટના જજને ત્યાં કરોડો (અમુક અહેવાલો પ્રમાણે પંદર કરોડ હતા) રૂપિયામાં આગ લાગે અને તે વિષેની કોઇ ચોખવટ ન થાય, રાધર થઇ શકી નહીં, બધું ઢંકાઈ ગયું અને જસ્ટીસ વર્મા માત્ર રાજીનામું આપીને સતિ સાવિત્રીની માફક નિર્મલ પુરવાર થઇને જતો રહ્યો. આ રાષ્ટ્રદ્રોહનું પાપ છે અને તે દિલ્હીના નેતાઓએ સાગમટે મળીને આચર્યું છે. કૌભાંડ ઢંકાઈ ન રહે તે માટે કાયદામાં અનેક પ્રાવધાનો છે પરંતુ ન્યાયતંત્ર અને સરકારી તંત્રોએ, રાજકીય પક્ષોએ માત્ર ન્યાયાધીશો અને ન્યાયમૂર્તિઓના વિશેષાધિકારોના ઢોલ પીટ્યો અને એવો ખોટો દેખાવ કર્યો કે સરકારના અને અદાલતોના હાથ બંધાયેલા છે. અરે બાંધનારાઓ તમે પોતે જ છે.

વાસ્તવમાં જે ન્યાય વ્યવસ્થાના રખેવાળો છે. એમને વધુ આકરી સજા થવી જોઈએ. વર્મા પર મહાભિયોગ લાગુ પાડવાની વિધિ સંસદમાં ચાલવાની હતી તો વર્મા પાસે રાજીનામું આપવા સિવાય વિકલ્પ ન હતો. તેનો અર્થ એ થયો કે એ ગુનેગાર હતા. સરકારી કે પોલીસ તંત્રે હજી આખા મામલામાં પારદર્શિતા અપનાવી નથી. વાસ્તવમાં શું થયું હતું તે દેશમાં ટોચના અમુક લોકો જ જાણે છે.આ તે કેવી લોકશાહી? આ તે કેવા અચ્છે દિન જેમાં ચીભડાંના ચોરને શૂળીની સજા અને સામર્થ્યવાન ચોરને શિરપાવ? જસ્ટીસ વર્મા એવું શું જાણતા હતા કે બધાંનાં મોં સિવાઈ ગયાં? વાસ્તવમાં આ પ્રકારની જવાબદારી ઉત્તરદાયિત્વ ધરાવતાં લોકોને વધુ સજા થવી જોઈએ. ચાંદની ચોકમાં કે રામલીલા મેદાનમાં પ્રજાને આમંત્રીને વર્માને ફાંસીએ લટકાવવામાં આવે તો પણ એ હળવી સજા ગણાય. તેના બદલે ન્યાયમૂર્તિઓ બેશરમ બનીને ચેતવણીઓ અને ધમકીઓ આપે છે કે ખબરદાર, અદાલતોના ન્યાયમૂર્તિઓ વિશે ક્યાંય કશું લખ્યું તો?

આવતી કાલે કોઈ ન્યાયમૂર્તિ કોઈકનું ખૂન કરી નાખે તો પણ એમની પૂજા કરવાની! ન્યાયમૂર્તિઓના, ત્યાં સુધી કે એક સીજેઆઈના ભ્રષ્ટાચારનાં અનેક ઉદાહરણો છે, પણ લાટ સાહેબો વિરુધ્ધ કશું લખવાનું નહીં. વાસ્તવમાં એમણે સાથે મળીને કીર્તિ મેળવી છે. તેની ગાથાઓ પાઠ્યપુસ્તકોમાં ઘૂસી ગઈ એ હકીકત જાણીને તેઓનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. એક ગુજરાતથી ગયેલા ન્યાયમૂર્તિને ચુકાદો શું કહેવાય? ગુનો ક્યારે આચર્યો ગણાય? ઠપકો ક્યારે અને કેવી રીતે આપી શકાય તેની બિલકુલ ગતાગમ નથી. હકીકતમાં તો એ જજને પણ સંસદે ઈમ્પીચમેન્ટ દ્વારા વિદાય આપવી જોઈએ.

કોઈ વાતનો પણ નિવેડો આવતો નથી. કરોડોની નોટોની માફક બધું અરધું દાઝેલું (અર્ધદગ્ધ) રહે છે. પ્રજાને પણ કોઈ વાતનો મલાલ રહ્યો નથી. હોય તો પણ શું કરે? ખાલી ખોપરીના રાહુલને લઈ આવે? કોંગ્રેસના હાથ પણ અજ્ઞાત કારણોસર બંધાયેલા છે. અન્યથા વર્માનો વિરોધ કરે કે નહીં? વર્માએ ભલે રાજીનામું આપ્યું છતાં એના પર મહાભિયોગ, ઈમ્પીચમેન્ટ લાગુ પાડવો જોઈએ જેથી એનાં નામ અને કામ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કોલસાથી લખાયેલાં રહે. જે નોટો કોલસો બની ગઈ તેની શાહી બનાવીને લખાવું જોઈએ. એણે ગુનો કર્યો છે તેમ સંસદ માનતી હોય તો હજી પણ પાકી તપાસ અને સામાન્ય નાગરિક સામે થાય એવી પોલીસ કાર્યવાહી થવી જોઈએ.

 પ્રજા જાણતી નથી કે ભ્રષ્ટાચારે દેશને કેટલી હદે નિચોડી રાખ્યો છે! કરોડો, અબજોની બાંધકામો પત્તાંના મહેલની જેમ તૂટી પડે છે. પૂલો આત્મહત્યાઓ કરે છે. જો ખૂબ જરૂરી ન હોય તો લોકો રાશનકાર્ડ કઢાવવા પણ જતા નથી. ત્યાં અધિકારીઓ હજારો માંગે છે. હમણાં પંઢરપુર, મહારાષ્ટ્રમાં એક શરમજનક ( પ્રજા માટે શરમજનક, નેતાઓ માટે નહીં ) ઘટના ઘટી. ખેતીની જમીનની નોંધણી/ માપણી સહકાર દ્વારા ઝડપથી હાથ ધરાય તે માટે સહકાર દ્વારા અમુક રકમ ખાતેદાર પાસેથી એડવાન્સમાં વસુલ કરાય છે. એક ખેડૂતે તે રકમ ભરી દીધી પછી છ મહિના જેટલો સમય થયો તો પણ નોંધણી/ માપણી માટે કોઈ આવ્યું નથી. અધિકારીઓને રૂશ્વત જોઈતી હતી. એવો સંબંધિતોનો દાવો છે. ત્યાર બાદ એ અરજદાર અમરજીત પાટીલે મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચન્દ્રશેખર બાવનકુળેને એક કોરો ચેક મોકલી આપ્યો છે. સાથે એણે લખ્યું છે કે,‘‘ ક્યા સરકારી કામ માટે કેટલા રૂપિયાની લાંચ આપવી તે અમે જાણતા નથી.

સરકારે એક સત્તાવાર કાર્ડ બહાર પાડીને રૂશ્વતના ભાવ જાહેર કરવા જોઈએ. તેમ થયું નથી એટલે આ સાથે કોરો ચેક મોક્લ્યો છે. તેના વડે રૂશ્વતની રકમ બેંકમાંથી વીથડ્રો કરી કામ કરી આપવા વિનંતી’’. આ ચેક સાથેની અરજી એક ટિખળી હોઈ શકે, પણ એ સત્યની, કરુણતાની ટિખળ છે. એમણે સત્તાવાર ભરવાની થતી 24 હજાર રૂપિયાની રકમ સપ્ટેમ્બર 2025માં ભરી દીધી હતી. ઓનલાઈન થવાથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે. એવો દાવો થાય છે. તે ખોટો પડ્યો છે.

મોદી સરકારે કાશ્મીર સમસ્યા, પાકિસ્તાની ત્રાસવાદ , નકસલવાદ, મહિલાઓને સંસદ અને વિધાન – સભાઓમાં આરક્ષણ, ટ્રીપલ તલ્લાક વગેરે મુદ્દાઓ પર ખૂબ જ સ્તુત્ય અને મહત્ત્વના નિર્ણયો લીધા છે, કાર્યો પાર પાડ્યા છે. પરંતુ ખરો પડકાર ભ્રષ્ટાચારનિર્મૂલનનો છે. જેનો ઈન્દિરા ગાંધી પણ ઉકેલ લાવી શક્યા હતા અને એમનાં કામચોર સંતાનોએ ભ્રષ્ટાચારના નાણાં વડે રાજાશાહી તાગડધિન્ના કર્યા છે અને હજી કરે છે. જો નરેન્દ્રભાઈ ભ્રષ્ટાચારની સંસ્કૃતિને નાથવામાં સફળ થશે તો દેશ હજારો વરસ સુધી એમની છબિને પૂજશે. બાય ધ વે, દાદર શાક મારકેટમાં એક ફેરિયા પાસેથી પાંચ રૂપિયાનો હપ્તો સ્વીકારનાર પોલીસ કોન્સ્ટેબલની નોકરી ગઇ અને બે વરસની કેદની સજા થઇ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top