National

પુણે પોર્શ અકસ્માત મામલે સગીરના બાપ-દાદા બાદ હવે માતાની પણ ધરપકડ, આ આરોપો લગાવાયા

પુણે (મુંબઇ): પુણે પોર્શ કાર અકસ્માતમાં (Accident) આજે 1 જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરતા સગીર આરોપીની માતાની પણ ધરપકડ (Arrest) કરી હતી. ધરપકડ બાદ આજે સગીરની માતા શિવાની અગ્રવાલને (Shivani Aggarwal) કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તેમજ સગીર આરોપીની (Minor Accused) માતા શિવાની અગ્રવાલ ઉપર તેણીના પુત્રના બ્લડ સેમ્પલ સાથે ચેડાં કરવાના આરોપો ઘડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સગીરની માતા ઉપર પોતાના દિકરાના બ્લડ સેમ્પલ બદલવાના આરોપો છે. અસલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે નશામાં ધૂત સગીરનું બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલ સાથે બદલવામાં આવ્યું હતું. ત્યારે આ માહિતી બહાર આવતા જ શિવાની અંડરગ્રાઉન્ડ થઇ ગઇ હતી. પરંતુ ગઇ કાલે રાત્રે તેણી પુણે આવી હતી. દરમિયાન પુણે પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ સગીર આરોપીની માતાને જસ્ટિસ જુવેનાઈલ બોર્ડ (જેજે બોર્ડ)ના ઓબ્ઝર્વેશન હોમમાં લઈ જવામાં આવી હતી. ગઈકાલે જેજે બોર્ડે પુણે પોલીસને સગીર આરોપીની 2 કલાક પૂછપરછ કરવાની પરવાનગી આપી હતી. ત્યારે પૂણે ક્રાઈમ બ્રાન્ચે સગીર આરોપીની પૂછપરછ તેની માતાની હાજરીમાં જ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બ્લડ સ્વેપ કેસમાં સગીર અને તેની માતા બંનેની પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઇયે કે આ જ કેસમાં સાસૂન હોસ્પિટલના બે ડોક્ટર અને વોર્ડ બોયને પહેલાથી જ પોલીસ કસ્ટડી લેવામાં આવ્યા હતા. તેમજ બ્લડ સેમ્પલની હેરાફેરી માટે આરોપીના પિતા સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

માતા સહિત 11 લોકોની ધરપકડ
પુણે પોર્શ કાર અકસ્માત કેસમાં સગીરની માતા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં આરોપીના દાદા અને પિતાને પણ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમની ઉપર ડ્રાઈવરને અકસ્માતની જવાબદારી લેવાનું દબાણ કરવાના આરોપો હતા.

દરમિયાન નિવૃત્ત IAS અધિકારી અરુણ ભાટિયાએ પોલીસ કમિશનર અમિતેશ કુમારની બદલીની માંગણી કરી હતી. આ માટે તેણે MHRC (મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગ)ને પત્ર પણ લખ્યો હતો. પોલીસ કમિશનર પર ગુનાખોરી અને તેના ભ્રષ્ટ અધિકારીઓને રક્ષણ આપવાનો આરોપ લાગાડવામાં આવ્યો હતો.

પોલીસે કોર્ટને આ માહિતી આપી હતી
પોલીસે બે દિવસ પહેલા એક સ્થાનિક કોર્ટને જણાવ્યું હતું કે ‘સગીરના લોહીના નમૂનાઓ એક મહિલાના લોહી સાથે એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.’ આ ઘટના પુણેના કલ્યાણી નગરમાં 19 મેના રોજ સવારે બની હતી. અહીં પોર્શ કારે બાઇક પર સવાર બે આઇટી એન્જિનિયરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને એન્જીનીયરોના મોત થયા હતા. તેમજ કાર ચલાવતો 17 વર્ષનો સગીર કથિત રીતે નશામાં હતો.

Most Popular

To Top