Comments

જાહેર વાત ખાનગીમાં : અમદાવાદના મેયર કઈ રીતે બન્યા? ઉત્તરાખંડ બાદ બીજા રાજ્યમાં પણ …

અમદાવાદના મેયર કઈ રીતે બન્યા?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2000 થી 2005 કોંગ્રેસ સત્તામાં આવી અને પૂર્વ વિસ્તારમાં કેટલાય વોર્ડમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. એવા સમયે પોટલિયા વોર્ડથી પ્રથમ વાર કોર્પોરેટર બનનાર કિરીટ પરમાર ત્રીજી ટર્મમાં ચૂંટાઈને અમદાવાદના મેયર તરીકે બિરાજમાન થયા છે. હવે ભાજપના નેતાઓમાં ચર્ચા થઇ રહી છે કે એમનું નામ મેયર તરીકે આવ્યું કઈ રીતે? ચર્ચાઈ રહયું છે કે કિરીટ પરમાર પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાના ખાસ વિશ્વાસુ ગણાય છે. છેલ્લાં 15 વર્ષમાં ગોરધન ઝડફિયાના રાજકીય ઉતારચઢાવની અસર કિરીટ પરમારના રાજકીય જીવન પર રહી છે. ગોરધન ઝડફિયાએ 2005 પછી ભાજપ સાથે છેડો ફાડ્યો અને સતત 10 વર્ષ સુધી તેઓ ભાજપ સામે પોતાની પાર્ટી બનાવી ચૂંટણી લડી રહ્યા હતા. જો કે કિરીટ પરમારે ભાજપ છોડી નહોતી, પરંતુ તેઓ ગોરધન ઝડફિયાના ખાસ હોવાથી 10 વર્ષ સુધી તેમને ટિકિટ મળી નહોતી. જો કે 2015માં તેમને સરસપુર રખિયાલ વોર્ડમાંથી ટિકિટ મળી હતી. તેમ જ તેઓ અહીંથી જીત્યા પણ હતા. આ વખતે 2021માં તેઓ ઠક્કરબાપા નગરથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે. ગોરધનભાઈ ભાજપમાં પરત આવતા કિરીટ પરમારનો પણ રાજકીય વનવાસ પૂરો થયો હતો. તેમજ તેમને આજે મેયરપદ પણ મળ્યું. કિરીટ પરમાર વર્ષોથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક છે. આજે પણ તેઓ સવાર-સાંજ શાખામાં જાય છે. ચર્ચા છે કે ગુજરાતમાં હવે ધીમે ધીમે ઝડફિયાનો રાજકીય પાવર વધી રહયો છે અને અમદાવાદના મેયરની વરણી એનું જ એક ઉત્તમ ઉદાહરણ છે.

ઉત્તરાખંડના સી.એમ.ની વિકેટ કેમ પડી??

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે અનેક ઘમાસાણો વચ્ચે પોતાનું રાજીનામું આપી દીધું છે. નવા સી.એમ.ની વરણી પણ થઇ ગઈ છે ત્યારે ચર્ચા એ છે કે આખરે 2014 પછી પહેલી વાર કેમ કોઈ મુખ્ય મંત્રીને એ પણ ભાજપશાસિત રાજ્યમાં એમની સમયમર્યાદા પહેલાં પદ પરથી ઉતારી દેવા પડ્યા? ચર્ચાનું માનીએ તો પાર્ટીમાં અડધાથી વધારે ધારાસભ્યો અને મંત્રીઓએ તેમના વિરૂદ્ધ મોરચો ખોલી દીધો હતો. આટલું જ નહિ કહેવાય છે કે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત, જે ત્રિવેન્દ્રસિંહ રાવત વિરૂદ્ધ ગઈ, તે તેમના કામકાજની રીત હતી. ત્રિવેન્દ્રસિંહ રાવત પોતાના કેટલાંક ખાસ લોકોને જ વિશ્વાસમાં રાખીને નિર્ણય લેતા હતા. જેથી તેમના પ્રત્યે તેમની જ પાર્ટીમાં વિરોધના સૂર તેજ થવા લાગ્યા હતા.આ ઉપરાંત બીજી ચર્ચા એ પણ છે કે ત્રિવેન્દ્રસિંહ રાવતે બ્યૂરોક્રેસીને બધી જ શક્તિ આપીને બધાં જ કામ કરાવવાનું શરૂ કર્યું હતું. જે ચૂંટાયેલા ધારાસભ્યો અને મંત્રીઓ માટે એક ઉપેક્ષા સમાન હતી. સાથે જ પહાડી અધિકારીઓને પણ નજરઅંદાજ કરી રહ્યા હતા.આટલું ઓછું હોય તેમ ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું નહીં. જેની લાંબા સમયથી પાર્ટીની અંદર માંગ ચાલી રહી હતી, ફરિયાદો કરવામાં આવી રહી હતી પરંતુ કેન્દ્ર સાથે સીધી પહોંચ હોવાના કારણે રાવત પર સંકટનાં વાદળો ક્યારેય ઘેરાયાં નહોતાં. ધારાસભ્યોને આપવાની જગ્યાએ સીએમ રાવતે અનેક મહત્ત્વપૂર્ણ મંત્રાલયો પોતાની પાસે રાખ્યાં હતાં. ચર્ચા મુજબ છેલ્લે જે વાત એમની ખુરશી ખેંચી ગઈ એ કે અસ્થાયી રાજધાની ગૈરસૈણને ગ્રીષ્મકાલીન (ઉનાળુ) રાજધાની જાહેર કરવાને લીધે રાજ્યમાં ઘણી નારાજગી હતી તેવામાં ત્રિવેન્દ્રસિંહે ગૈરસૈણને મંડળ બનાવવાની જાહેરાત કરી દીધી. હવે જ્યાં ગઢવાલ અને કુમાઉં મંડળ હતાં, ત્યાં હવે કુમાઉના બે જિલ્લાઓને સામેલ કરીને ગૈરસૈણને પણ અલગ મંડળનો દરજ્જો આપી દેવામાં આવ્યો. તેના વિરોધમાં અનેક બીજેપી ધારાસભ્યોએ મોરચો ખોલી દીધો હતો અને એમની વિકેટ પડી ગઈ.

ઉત્તરાખંડ બાદ બીજા રાજ્યમાં પણ ભાજપ માટે મુશ્કેલી ?

ઉત્તરાખંડ પછી હાલ ભારે ચર્ચા ચાલી રહી છે કે હવે હરિયાણામાં કદાચ ભાજપની સરકાર જાય અથવા તો મુખ્ય મંત્રી બદલાય કેમ કે હરિયાણા વિધાનસભામાં ભાજપ અને જેજેપી ગઠબંધન સરકાર સામે કોંગ્રેસ બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આ પ્રસ્તાવને જોતાં ભારતીય જનતા પાર્ટી તથા જનનાયક જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરી દીધું છે. ચર્ચા છે કે એક તરફ જ્યાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનના કારણે હરિયાણામાં ભાજપ તથા જેજેપીના નેતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ પ્રસ્તાવ સામે ખેડૂત સંગઠનોએ જેજેપી ધારાસભ્યોને સરકાર વિરુદ્ધ વોટ કરવા અપીલ કરી છે. મહત્ત્વનું છે કે ગૃહમાં બહુમતી માટે 45 વોટની જરૂર છે ત્યારે સરકાર 55 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે. હરિયાણામાં 90 સીટો છે અને તેમાં હાલમાં 88 સદસ્યો છે. ભાજપના 40 અને જેજેપીના 10 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 30. આ ચર્ચા એટલે શરૂ થઇ છે કારણ કે હાલમાં જ જેજેપીના ધારાસભ્યોએ ખેડૂતોના આંદોલનનું સમર્થન કરી નાખ્યું છે. દિગ્વિજયસિંહ ચૌટાલાએ રાકેશ ટીકૈતને સાચા દેશભક્ત ગણાવ્યા હતા. ખેડૂતો પણ જેજેપી પર જોરદાર દબાણ બનાવી રહ્યા છે. કદાચ આ જ બધાં કારણોને લીધે આવનાર સમયમાં ભાજપ સરકાર માટે કાંઈ નવાજૂની થાય તો નવાઈ નહિ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top