ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026 દરમિયાન લેવામાં આવેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ચાર મુખ્ય વિષયોની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
શિક્ષણ બોર્ડના સચિવ આર. આર. વ્યાસએ જણાવ્યું હતું કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026 દરમિયાન લેવામાં આવેલી ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટેની આન્સર કી તૈયાર કરવામાં આવી છે. આ કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અથવા સંબંધિત વ્યક્તિઓને આ પ્રોવિઝનલ આન્સર કી અંગે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો તેઓ બોર્ડની વેબસાઈટ પર આપેલા નિયત ફોર્મેટમાં વિષયવાર અને માધ્યમવાર પ્રશ્ન દીઠ અલગ-અલગ રજૂઆત 4 એપ્રિલ 2026ના સાંજે 5:00 વાગ્યા સુધી gshsebsciencekey@gmail.com ઈ-મેઈલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. દરેક પ્રશ્ન માટે રજૂઆત કરતી વખતે રૂપિયા 500ની ફી SBI બેંકમાં ચલણ દ્વારા જમા કરાવવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. રજૂઆત સાથે ચૂકવેલી ફીની રસીદની નકલ ઈમેઈલ દ્વારા મોકલવી ફરજિયાત રહેશે.
શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ઈમેલ સિવાયની અન્ય કોઈ રજૂઆત માન્ય ગણાશે નહીં. જો રજૂઆત યોગ્ય ઠરશે તો સંબંધિત પ્રશ્ન માટે ભરેલી ફી ઉમેદવારને પરત આપવામાં આવશે. વિદ્યાર્થીઓને સમયમર્યાદા અંદર યોગ્ય રીતે રજૂઆત કરવાની સૂચના આપવામાં આવી છે.