ઓલિમ્પિકમાં વિરોધને દાબી દેવા માટે ચીનના જુલમ સામે વિશ્વનું મૌન ગંભીર બાબત

દુનિયાભરમાં માનવ અધિકારની ગુલબાંગો હાંકતી સંસ્થાઓ અનેક દેશોમાં થતી માનવઅધિકાર ભંગની ઘટનાઓમાં દોડી જાય છે પરંતુ જે રીતે ચીનમાં હાલમાં માનવઅધિકાર ભંગ કરવાની ઘટનાઓ શરૂ થઈ છે તે તરફ કોઈનું ધ્યાન જતું નથી. ચીનમાં તાનાશાહી છે અને ચીનની સરકાર તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવનારને જે રીતે જેલમાં ધકેલી રહી છે તે જોતાં ત્યાંની માનવઅધિકારની સંસ્થાઓ બંધ થઈ ગઈ છે પરંતુ આ અત્યાચારમાં દુનિયાભરની સંસ્થાઓ પણ ચૂપ થઈ ગઈ છે તે મોટી ગંભીર ઘટના છે. ચીનમાં શિયાળું ઓલિમ્પિક્સ યોજનાર છે ત્યારે તેની સામે કોઈ વાંધો નહીં ઉઠાવે, વિરોધ નહીં કરે તે માટે ચીન દ્વારા અત્યારથી જ દમન શરૂ કરી દેવામાં આવ્યું છે. ચીન દ્વારા અનેક સામાજિક કાર્યકર્તાઓને પકડી પકડીને જેલમાં મુકવામાં આવી રહ્યાં છે. હદ તો ત્યારે થઈ રહી છે કે સરકારી તંત્ર દ્વારા મહિલાઓ સાથે પણ મારઝૂડ કરવામાં આવી રહી છે!

અમેરિકાના એક અખબાર દ્વારા ચીનના આ જુલમ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યાં સુધી દુનિયાના અન્ય દેશોને આ મુદ્દે ઝાઝી ખબર પણ નહોતી. શિયાળુ ઓલિમ્પિક્સ માટે જ્યારે ખેલાડીઓ તેમજ પત્રકારો ચીન પહોંચ્યા ત્યારે તેઓ ઓલિમ્પિક માટેની સુરક્ષા વ્યવસ્થાને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે આવી ઈવેન્ટ્સમાં આટલી સુરક્ષા હોતી નથી. પરંતુ જે રીતે ચીન દ્વારા સુરક્ષા વ્યવસ્થા અતિ સઘન રાખવામાં આવી છે તેણે બતાવ્યું છે કે, ચીનની નિતી કેટલી દમનકારી છે. આગામી તા.4થી 20મી ફેબ્રુઆરી સુધી આ ઓલિમ્પિક્સ ચાલનાર હોવાથી તે પહેલા ચીન દ્વારા લાખોની સંખ્યામાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કોઈ ખેલાડી અવાજ ઉઠાવે તો તેની સામે પણ ચીન દ્વારા કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચીન દ્વારા આ પહેલી વખત કરવામાં આવ્યું નથી. અગાઉ પણ 2008માં જ્યારે ઓલિમ્પિકની રમતો યોજવામાં આવી હતી ત્યારે પણ ચીન દ્વારા સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વખતે પણ સેંકડો સામાજિક કાર્યકરોને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. ચીનના જાણીતા માનવ અધિકારી કાર્યકર્તા હુ જિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર એવું જણાવવામાં આવ્યું હતું કે, મને સરકાર દ્વારા ઘરમાં કેદ કરી દેવામાં આવ્યો છે. પોલીસ રોજ તપાસ કરવા માટે મારા ઘરે આવે છે અને ધમકી પણ આપવામાં આવે છે કે જો કંઈ પણ બોલ્યા તો તમે તમારી માતાને પણ મળી નહીં શકો.

હુ જિયા જેવા અનેક યુવાનો છે કે હાલમાં તેમના દ્વારા સરકારના અત્યાચાર સામે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અવાજ ઉઠાવવામાં આવ્યો તો તેમના એકાઉન્ટ્સ પણ બંધ કરી દેવામાં આવ્યા. ધરપકડ કરાયા બાદ ઓલિમ્પિક પુરો થયા પછી પણ તેમને ચીનની સરકાર છોડશે કે કેમ તેની હાલમાં ખાતરી નથી. ઓલિમ્પિક દરમિયાન કોઈ ખેલાડી દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવે નહીં તે માટે ચીન દ્વારા સ્પોર્ટ્સ વિલેજમાં ત્રણ લેયરનું બાયોબબલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ એવી વ્યવસ્થા છે કે ખેલાડી પોતાના પર્સનલ ફોનનો ઉપયોગ પણ કરી શકશે નહીં. તેમને અલગ ફોન પણ આપવામાં આવ્યા છે. ખેલાડી પોતાના કોઈ જ ફેન કે પછી અન્યોને મળી શકશે નહીં. ચીનને એવો ભય છે કે હોંગકોંગમાં જે રીતે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને કારણે કોઈક વિરોધનો અવાજ ઉઠાવશે. તેથી વધુ કડકાઈ રાખવામાં આવી રહી છે. ચીનના એક અધિકારીઓ ધમકી પણ આપી દીધી છે કે ઓલિમ્પિકની રમતને રમત રહેવા દેવાને બદલે જો કોઈ ચીનના કાયદા કે નિયમો સામે અવાજ ઉઠાવશે તો તેને સજા મળશે જ. ચીનમાં ઓલિમ્પિકના નામે લોકોના દમનની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને વિશ્વ દ્વારા અટકાવવામાં નહીં આવે તો એવું બની શકે છે કે આગામી દિવસોમાં ચીનમાં લોકશાહીનો અવાજ ઉઠાવનાર કોઈ જ નહીં બચે.

Most Popular

To Top