Entertainment

‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’ને લઈને જૂનાગઢમાં તીવ્ર વિરોધ ઉભો થયો છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને કારણે બલોચ મકરાણી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજનું કહેવું છે કે આ સંવાદ તેમની કોમને ટાર્ગેટ કરીને બોલવામાં આવ્યો છે અને એનાથી સમાજની લાગણીને ગંભીર રીતે ઠેસ પહોંચી છે.

અપમાનજનક ડાયલોગ પર વાંધો
બલોચ મકરાણી સમાજે સંજય દત્ત દ્વારા બોલાયેલા આ ડાઈલોગ “હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.”

જેથી સમાજના આગેવાનોએ તેને અત્યંત અભદ્ર, અપમાનજનક અને ચોક્કસ જાતિને બદનામ કરતો ગણાવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ
જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ ફિલ્મના અભિનેતા, ડાયલોગ લેખક અને દિગ્દર્શક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. તેમણે કહ્યું કે ફિલ્મ માત્ર કમાણી માટે કોઈ એક સમાજની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે.

10 દિવસમાં કાર્યવાહી ન થાય તો હાઇકોર્ટ જઈશું
એજાજ મકરાણીએ ચીમકી આપી કે જો આગામી 10 દિવસમાં પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો સમાજ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે. સમાજનાં આગેવાનોનો દાવો છે કે જો આવા સંવાદો પર રોક નહીં થાય તો ભવિષ્યમાં અન્ય સમાજની લાગણીઓ પણ દુભાઈ શકે છે. જેનાથી સામાજિક તંગદિલી વધી શકે છે.

ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચોની વસતિ
બલોચ મકરાણી સમાજ મૂળ મકરાણ પ્રદેશ (બલૂચિસ્તાન)માંથી આવેલો છે. માત્ર જૂનાગઢ જિલ્લામાં જ 25,000થી વધુ બલોચ રહે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં તેમની ગણતરી 8 લાખથી પણ વધુ છે. રાજ્યમાં જૂનાગઢ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરત, અમદાવાદ અને રાજકોટ સહિત અનેક શહેરોમાં સમાજ વસે છે.

ફિલ્મનું સ્ટારકાસ્ટ
‘ધુરંધર’ ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકામાં છે.

એજાજ મકરાણીએ અંતે માંગ કરી કે ફિલ્મમાંથી વિવાદિત સંવાદ તાત્કાલિક દૂર કરવામાં આવે નહીં તો સમાજ કાનૂની લડત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Most Popular

To Top